વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ ઓછાવત્તા અંશે કેટલાક સ્વાહિલી શબ્દોથી પરિચિત હશો જ. ગુજરાતના કંઇકેટલાય નગરોમાં પણ લગભગ સહુ કોઇ - પૂર્વ આફ્રિકાના આપણા વિસ્તૃત સંબંધોના પરિણામે - જામ્બો, ન્ડીયો, અશાંટે, ફગિયો જેવા શબ્દોથી પરિચિત હોય છે. પૂર્વ આફ્રિકા તેમજ મધ્ય આફ્રિકાના કેટલાય દેશોમાં સ્વાહિલી ભાષાનો પ્રભાવ છે.
૧૯૬૦માં હું ટાન્ઝાનિયાના દારે સલામ જઇ પહોંચ્યો. થોડાક સમયમાં ઇસ્ટ આફ્રિકન્સ કસ્ટમ્સમાં હું કામે લાગ્યો. તે વેળા સિવિલ સર્વન્ટ્સ જો સ્વાહિલી ભાષાની પ્રારંભિક પરીક્ષા પાસ કરે તો પ્રતિ માસ ૨૫ શિલિંગનો પગાર વધારો મળતો હતો. મારી ૭૦૦ શિલિંગની નોકરી હતી અને આ વધારાના ૨૫ શિલિંગનું પણ આકર્ષણ ખરું. સાથે સાથે જ પહેલેથી જ સ્થાનિક પ્રજાની ભાષા જાણવા-શીખવાની જિજ્ઞાસા, ઝંખના હું ધરાવતો હતો. વડોદરામાં હતો ત્યારે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાથે સાથે મરાઠી ભાષા પણ સારી રીતે સમજતો હતો. દારે સલામમાં ડી. એ. ગર્લ્સ સ્કૂલમાં સ્વાહિલી ભાષાના ક્લાસ ચાલે છે તે મેં જાણ્યું. મારા સુજ્ઞ વાચકો ચાલોને વાત નીકળી જ છે તો આપણે દારે સલામના રસ્તાઓ પર એક લટાર મારી આવીએ...
કિસુટુ વિસ્તારમાં જમણા હાથે નજર નાખો તો મોટું અલીમાંગા બિલ્ડીંગ જોવા મળે. તેમાં કદાચ ૫૦-૬૦ જેટલા ફ્લેટમાં આપણા એશિયનો વસાવટ કરે. માત્ર એશિયનો. ગોરા કે આફ્રિકન નહીં. એશિયનોમાં જાતિ કે ધર્મના ભેદભાવ નહીં. આગળ વધીએ તો જમણા હાથે લક્ષ્મીનારાયણ મંદીર આવે. અને બરાબર તેની સામેના ભાગે શંકર આશ્રમ. આ પછી આવે વ્યાયામશાળા અને તેના પરિસરમાં ડી. એ. ગર્લ્સ સ્કૂલ. થોડાંક જ આગળ વધતાં જમણા હાથે ટી. બી. શેઠ લાઇબ્રેરી આવે અને સામેના ભાગમાં પટેલ બ્રધરહુડનું ચોગાન અને કોમ્યુનિટી સેન્ટર.
આ જ રસ્તા પર આગળ વધીએ તો એક બાજુ લોહાણા મહાજન અને બીજી બાજુ ભાટિયા મહાજનની વાડી જોવા મળે. ટી. બી. શેઠ લાઇબ્રેરીનો હું નિયમિતપણે લાભ લેતો હતો. વાચનનો હું બાળપણથી રસિયો, અને અહીં તો સમય પણ પૂરતો મળી રહેતો. સ્વાહિલી શિક્ષક અમને સરસ રીતે ભણાવતા હતા. આમેય સ્વાહિલી સંગીતમય ભાષા છે. જેમ ગુજરાતી ભાષામાં ૧૫, ૨૦ કે ૨૫ ટકા શબ્દો પર્શિયન, અરબ, અંગ્રેજ, પોર્ટુગીઝ કે અન્ય ભાષામાંથી આપણે અપનાવ્યા છે તેમ સ્વાહિલીમાં પણ વિવિધ ભાષા-સંસ્કૃતિના સંયોજનની છાંટ છે.
‘હરાકા હરાકા, હાયના બરાકા’ કહેવત સમજાવતા અમારા શિક્ષકે સમજાવ્યું હતું કે આ કહેવતનો એક અર્થ એવો પણ થાય છે કે ઉતાવળે આંબા ન પાકે. પણ તેમણે એમની ભાષામાં આ શબ્દોને અનુરૂપ હરાયા હરાયા, હૈયાના બળાપા એવું એક ગુજરાતી વાક્ય ગોઠવી કાઢીને અમને સુંદર વાત કરી હતી.
માનવમાત્રમાં કંઇક કરી છૂટવાની અને કંઇક સિદ્ધ કરવાની જીજીવિષા હોય છે. કેટલાક ઉતાવળે ઉતાવળે ગરબડીયું કામ આટોપતા હોય છે તો કેટલાક શાંતિપૂર્વક સ્વસ્થ ચિતે સ્વકાર્યનું આટોપણ કરતા હોય છે. આવા લોકો કંઇ પણ બોલે ત્યારે પણ ખ્યાલ રાખે કે કોની સાથે ક્યારે, શું અને કેટલું બોલવું? તેઓની વૈચારિક શક્તિ પણ ઠરેલ અને પદ્ધતિસર હોય છે.
ભાગ્યે જ કોઇ એ વાતનો ઇન્કાર કરશે કે વિચાર - વાણી - વર્તનનો ત્રિવેણી સંગમ આપણી પ્રતિભાને પોષે છે. એટલું જ નહીં, આ ગુણોનો ત્રિવેણીસંગમ જ આપણી સભ્યતાનું, વિવેકનું અને સભાનતાનું દર્શન કરાવે છે. મને ખાતરી છે કે આપે સમાજમાં કેટલાક ‘નમૂનેદાર’ પાત્રો જોયા જ હશે. પુરુષ હોય તો તેનું કડછું વર્તન જોઇને - તેને ચરોતરી ભાષામાં - દાધારંગો, હડફો કે જાંગડ જેવા શબ્દોથી નવાજવાનું મન થાય. સ્ત્રીઓ વિશે પણ શબ્દો છે - ફુવડ, હસલબસલ, ગંધારી વગેરે. સ્વાહિલી ભાષાના શિક્ષકે અમને ભાષા સાથોસાથ એ પણ શીખવ્યું હતું કે અધુરું કે અધકચરું જ્ઞાન અને ધ્યાન એ વ્યક્તિના વિકાસમાં સૌથી અવરોધ બની રહેતું હોય છે.
તાજેતરમાં હું એક હેલ્થ મેગેઝિનમાં ડિમેન્શિયા, પાર્કિન્સન અને અલ્ઝાઇમર્સ વિશે લેખ વાંચી રહ્યો હતો. ભલે ને મારી ઉંમર નાની છે, પરંતુ કેટલીક બાબત તો સર્વસામાન્ય છેને... વિશ્વમાં સવિશેષ, વિકસિત દેશોમાં મનુષ્યના સરેરાશ આયુષ્યમાં તીવ્ર ઝડપે વધારો થઇ રહ્યો છે. કોને ‘જવાની’ ઉતાવળ છે ભલા? ભલેને લાંબા સમયથી પથારીવશ હોઇએ કે પછી વર્ષોથી જાતભાતના દર્દોથી રીબાતા હોઇએ, પણ યમરાજાનું તેડું ટાળવા સહુ કોઇ સદૈવ પ્રયત્નશીલ હોય છેને!
પણ આ ડિમેન્શિયા કે તેના જેવા ઉંમરના વધવા સાથે આવતા કષ્ટો આપણે સહન કરવા પડે છે તેનું દર્દનાક દૃષ્ટાંત એક શ્રદ્ધાંજલિમાં વાંચ્યું.
તમે લિલિયન બેટનકોર્ટ નામના સન્નારીનું નામ સાંભળ્યું છે? કદાચ નામથી યાદ ન આવ્યું હોય તો બ્રાન્ડથી યાદ કરાવું. તેઓ જગવિખ્યાત બ્યુટી કોસ્મેટિક બ્રાન્ડ લોરિયલનાં માલિક હતાં. તાજેતરમાં ફ્રાન્સમાં ૯૪ વર્ષની વયે તેમનું અવસાન થયું. લિલિયનબહેન દોમદોમ સાહ્યબીમાં જીવ્યાં, પણ અંત?! અત્યંત અફસોસજનક રહ્યો. લિલિયન જન્મથી જ અત્યંત દેખાવડાં, સ્વરૂપવાન. અતિ સમૃદ્ધ પરિવારમાં જન્મ. કહોને કે બહેન મોઢામાં ચાંદીની નહીં, સોનાની ચમચી લઇને જન્મ્યા હતા. તેમનાં લગ્ન તો વળી પિતાના પરિવાર કરતાં પણ વધુ ધનાઢય પરિવારમાં થયાં. સમૃદ્ધિની રેલમછેલ હતી. લક્ષ્મીજીએ ખોબલા મોઢે કૃપા વરસાવી હતી. લિલિયનને સંતાનમાં એક જ દીકરી - ફ્રાંસ્વા. વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’એ લિલિયનને ૩૩ બિલિયન પાઉન્ડની (ભારતીય રૂપિયામાં કહું તો પોણા ત્રણ લાખ કરોડ રૂપિયા કરતાં વધુની) અસ્ક્યામત ધરાવતાં વિશ્વનાં સૌથી ધનિક મહિલા તરીકે ઓળખાવ્યા હતાં. આખું જીવન સમૃદ્ધિમાં વીતાવનાર લિલિયનના અંતિમ દિવસો બહુ ત્રાસદાયક વીત્યા હતા. તેમને જીવનના અંતિમ તબક્કે ડિમેન્શિયાની તકલીફ વળગી હતી. સ્મૃતિને તોડીફોડી નાખતી આ બીમારીએ તેમને ભરડો લીધો. તનથી લગભગ તંદુરસ્ત પણ મનથી પાંગળા. એકની એક પુત્રી સાથે મિલકત બાબતે વિખવાદ થયો. મામલો કોર્ટકચેરીમાં પહોંચ્યો હતો. ભારે સંતાપ, પરેશાની, વ્યથાના કારણે જિંદગીના અંતિમ દિવસોમાં તેમને ડિમેન્શિયાની તકલીફ અતિશય વધી ગઇ હતી. અંતે તેમણે બીમારી સાથે જ દેહ છોડ્યો.
ડિમેન્શિયા એક કુદરતી સ્થિતિ છે. ભૂલી જવાની બીમારી એટલે ડિમેન્શિયા. સામાન્યતઃ વયના વધવા સાથે આ બીમારી વકરતી જોવા મળે છે. પરંતુ જો યુવાનીમાં કે વયના વધવા સાથે અમુક પ્રકારની કાળજી - સવિશેષ તો ખાધાખોરાકીમાં- જીવનશૈલીમાં લેવામાં આવે તો તેને મગજમાં પગપેસારો કરતો અટકાવી શકાય છે અથવા તો તેની ઝડપ ધીમી કરી શકાય છે.
તબીબી નિષ્ણાતો કહે છે કે આપણે સહુ કેટલાક મુદ્દે સામાન્ય કાળજી લઇએ તો ડિમેન્શિયાનું જોખમ ઘણા અંશે ઘટાડી શકાય છે. શું સૂચવે છે નિષ્ણાતો?
• વ્યસન ટાળોઃ આલ્કોહોલ, સ્મોકિંગ, ડ્રગ્ઝ જેવી આદતને અંકુશમાં રાખો. શક્ય હોય તો આ આ વ્યસનને છોડવાનો જ પ્રયાસ કરો. આ વ્યસનનું વળગણ જેટલું વધું હશે તેટલું ડિમેન્શિયાનું જોખમ વધુ. આ વ્યસનો એક યા બીજા પ્રકારે મગજના જ્ઞાનતંતુને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન કરે છે. અને મગજની કામગીરીમાં વિક્ષેપ એટલે આપણી યાદશક્તિ પર વિપરિત અસર.
• જીવનશૈલી સુધારોઃ હરાકા હરાકા, હાયના બરાકા. ઉતાવળે આંબા ન પાકે - પછી તે કમાણીની વાત હોય કે તન-મનના જતનની. શારીરિક સ્વાસ્થ્યનું જતન કરવું હશે તો સારું માનસિક સ્વાસ્થ્ય જાળવવું પડશે. ઉતાવળા સો બાવરા, ધીર સો ગંભીર. આ કંઇ રાતોરાત નહીં થાય - આ માટે ચોક્કસ દિશામાં પ્રયાસ કરવા રહ્યા. જીવનમાં સમય સાથે ચાલવાનો જરૂર પ્રયાસ કરો, પણ તેનાથી આગળ નીકળી જવાનો પ્રયાસ ન કરો. હરાયા ઢોરની જેમ ભોજન કે ભજન ન કરો કે નાણાં માટે ભાગંભાગી ન કરો. દરેકમાં સંયમ જરૂરી છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડીનર - શાંતચિતે કરશો તો ઘણી શારીરિક વ્યાધિ નિવારી શકશો. ભોજનનો આસ્વાદ માણો. આજના યુગમાં ચિંતા કે દોડધામ કોને નથી?! તન - મનને નજરઅંદાજ ન કરો. તન - મનની તંદુરસ્તી અન્યોન્ય પર નિર્ભર છે. મન શાંત હશે તો તેની સારી અસર તન પર જોવા મળશે, તન સ્વસ્થ હશે તો મનોમસ્તિષ્કમાં હળવાશ અનુભવશો. બન્ને વચ્ચે રિધમ જાળવો - તમારી મોટા ભાગના આધિ-વ્યાધિ દૂર થઇ જશે.
• યાદદાસ્તનું જતન-સંવર્ધનઃ શું યાદ રાખવું અને શું યાદ ન રાખવું? કુદરતી પ્રક્રિયા છે કે આપણે ખુદના કે આજુબાજુના વર્તુળમાં, માહોલમાં જે કંઇ ઘટનાઓ બનતી રહે છે તેના આધારે જાણ્યે-અજાણ્યે, આપણે એક તારણ કાઢીએ છીએ અને તે આપણા ‘કમ્પ્યુટરમાં લોક’ થઇ જાય છે. વિચારો કે અનુભવો જેટલા નઠારા હશે, નુકસાનકારક હશે એટલા તે દિમાગમાં વધુ ઘુસવાનો પ્રયત્ન કરવાના જ. હા, તેમને આપણા દિમાગમાં કાયમી વસવાટ કરવા દેવો કે નહીં તે આપણા હાથમાં છે. તમે ઇચ્છો તો દૃઢ નિર્ધાર થકી નકારાત્મક વિચારને મનમાં અડીંગો જમાવતાં અટકાવી શકો છો.
હંમેશા યાદ રાખો કે અનિચ્છનીય કે નકારાત્મક વિચારોને જ મગજમાં લોડ કર્યા કરશો તો જ્ઞાનતંતુની કાર્યશક્તિ ઘટી જશે. આખરે મગજની પણ સ્ટોરેજની એક મર્યાદા તો હોવાની જને? નિષ્ણાત વૈજ્ઞાનિકોથી માંડીને ડોક્ટર્સનું કહેવું છે કે નકારાત્મક કે અશુભ વિચારસરણીથી સારા, શુભ વિચારો દુર ભાગે છે.
મગજને હંમેશા સકારાત્મકતા સાથે સક્રિય રાખો, જુઓ તમારી યાદશક્તિ ટનાટન રહેશે. સારી યાદો વાગોળો, સગાંસ્વજનોને હળોમળો, સંતાનો સાથે સમય વીતાવો. સંતાનો તેમની દોડધામભરી જિંદગીમાં બીઝી છે? તો પણ ડોન્ટ વરી, તમે તમારી વયના, સમાન વિચારસરણી ધરાવતા લોકોનું ગ્રૂપ બનાવો. તેમની સાથે સારો ટાઇમ વીતાવો.
આ બધી વાતો તો યાદશક્તિને સક્રિય રાખવાની થઇ. પણ યાદશક્તિ વધારવા માટે શું થઇ શકે? મગજને કસે તેવી રમત રમો. ક્રોસવર્ડ પઝલ ભરો, સુડોકુ ભરો. આપણા ગુજરાત સમાચારમાં દર સપ્તાહે આવે જ છેને... વીડિયો ગેમ રમો. તમારા દિમાગની કસરત થઇ જશે અને તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને કંપની મળી જશે. મોટા ભાગના લોકો વીડિયો ગેમને ટાઇમપાસ માને છે, પણ સાવ એવું નથી. એક અભ્યાસના આધારે વિજ્ઞાનીઓએ તારવ્યું છે કે મોટી વયના લોકો વીડિયો ગેમ રમીને ડિમેન્શિયા, અલ્ઝાઇમર્સ જેવી વયના વધવા સાથે આવતી યાદશક્તિ સંબંધિત બીમારીઓ ટાળી શકે છે. અરે, સારા સ્વાનુભવોને વાગોળો. આ જ રીતે યાદશક્તિ વધારવા તમે નવી ભાષા પણ શીખી શકો. ટૂંકમાં, સો વાતની એક વાત કહું તો... મગજને સદૈવ સક્રિય રાખો. ઘણીબધી આધિ-વ્યાધિથી બચી શકશો.
વાત સાપ્તાહિક વિરામ ભણી આગળ વધી રહી છે ત્યારે એક બાબત ખાસ કહેવા માગું છું કે આ બધા ઉપરાંત સંબંધોમાં હંમેશા હકારાત્મક અભિગમ જાળવો. કોઇની સાથે વિચારભેદ સર્જાય, મતભેદ સર્જાય ત્યારે હંમેશા એવું માની લેવાની જરૂર નથી કે હું જ સાચો... I can be wrong, you can be right... તમારો આ અભિગમ ઘણો માનસિક તણાવ ઘટાડી દેશે. વાચક મિત્રો, મારી જ વાત કરું તો... કોઇની પણ સાથે મતભેદ થાય ત્યારે વાતને શક્ય તેટલી વહેલી દિમાગમાંથી ખંખેરી નાખવાનો પ્રયાસ કરું છું. મારો હંમેશા એવો અભિગમ રહ્યો છે કે રાત ગઇ સો બાત ગઇ. બીજો દિવસ ઉગે ત્યારે તે વાત મગજમાં હોય જ નહીં. નકારાત્મકતાને મારા દિમાગમાં સ્થાન છે જ નહીં. કોઇએ મને આમ કહ્યું અને ફલાણાએ તેમ સંભળાવ્યું તેવું યાદ રાખવામાં, વિચારવામાં હું મારો સમય વેડફતો જ નથી. કોઇ મુદ્દે કંઇ ન ગમ્યું હોય, અસ્વીકાર્ય હોય તો ત્યાં જ આપણા વિચારો વ્યક્ત કરી દેવાના, પીઠ પાછળ બોલવાનું
પણ નહીં, અને પાછળથી તેના વિશે વિચારવાનું પણ નહીં.
વાચક મિત્રો, મનની દશા અને દિશાનો સમગ્ર આધાર આપણી માનસિક્તા, વિચારસરણી ઉપર રહેલો છે. જો આપણે જીવનમાં હંમેશા હકારાત્મક, પોષક અભિગમ અપનાવશું તો અવશ્ય ઉચ્ચ ગતિ તરફ પ્રયાણ કરશું જ. અંતમાં, હું ‘ગુજરાત સમાચાર’નો મુદ્રાલેખ ટાંકતા એટલું જ કહીશ... આનો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ। - દરેક દિશામાંથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ... (ક્રમશઃ)

