‘જીવન ઉત્સવ’ શબ્દ જ એટલો તો સુરીલો છે કે સંગીત એમાં આપોઆપ જ સંભળાય.
આદરણીય ચંદુભાઈ મટ્ટાણી તથા તેમના પરિવારે લેસ્ટરમાં તા. ૧૯ સપ્ટેમ્બરે સાવ અનોખી રીતે ‘જીવન ઉત્સવ’ ઉજવ્યો હતો. જીવનના વિવિધ વળાંકોએ માણેલા સંગીતને સ્મૃતિમાં જ નહિ જાળવતાં અન્યો સાથે વહેંચવાની એમની લાક્ષણિકતાએ આપણને એક અનોખી સી.ડી.-‘જીવન ઉત્સવ’ આપી છે. તેમણે સ્વર્ગસ્થ સાથી કુમુદબહેનને અનુપમ વિદાય ભેટ આપી અને ગાયું, ‘જીવતર આખ્ખું ય જાણે એવું વરસ્યું, કે જાણે એવું વરસ્યું કે જાણે તરસ્યું ને તરસ્યું રે આપણે...’!
૧૯૭૭માં યુ.કે.માં મટ્ટાણી પરિવાર આવ્યો ત્યારથી શરૂ કરી અત્યાર સુધી અગણિત સંગીતજ્ઞો અને સાહિત્યકારોને પોરસાવ્યા, સ્ટેજ આપ્યું અને કદરદાન શ્રોતાગણ આપ્યો. પરદેશમાં રહેતાં ભારતીયોમાં ભારતીય સંગીતની રુચિને સંગોપાંગ સાચવવા જેમણે તન, મન અને ધનનો સદુપયોગ કરી સફળ અને અથાગ પ્રયત્નો કર્યા છે એવા લોકોની કોઈ યાદી જ નથી-માત્ર એક જ નામ આવે અને તે લેસ્ટરનું ‘શ્રૃતિ આર્ટ્સ’. આ શ્રૃતિ આર્ટ્સનો ધબકતો પ્રાણ એટલે ચંદુભાઈ મટ્ટાણી.
દસ ગીતોની આ ‘જીવન ઉત્સવ’ સી.ડીમાં નવ ગીતોમાં ૮૩ વર્ષે પણ પોતાનો સ્વર આપીને ચંદુભાઈએ પોતાનું અંતરને તળિયે ધરબાયેલું સ્વપ્ન સાકાર કર્યું. રામનારાયણ પાઠક, ભગવતીકુમાર શર્મા, તુષાર શુક્લ, સુરેન ઠાકર, ચંદ્રકાંત સાધુ, પન્નાબેન નાયક, પંડિત માધુર, રમેશ ગુપ્તા વગેરે જેવા નામી-અનામી કવિઓની કવિતાઓ અને ગીતો જે અત્યાર સુધી પોતાના કંઠમાં જ ગણગણતા હતા તેને સ્વરબદ્ધ અને સંગીતબદ્ધ કર્યા અને તેના પરિણામરૂપ આપણને મળ્યો, ‘જીવન ઉત્સવ’. આ પ્રસંશનીય કાર્ય કરવામાં આસિતભાઈ, શ્રીમતિ હેમાબહેન અને આલાપભાઈ, અનુપ જલોટાજી અને હરિહરનજી જેવા માતબર સંગીતઞ્જોએ સાથ આપ્યો. જોગાનુજોગ જે હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો તેનું નામ પણ ‘હાર્મની હાઉસ’ (બ્રહ્માકુમારી સંસ્થાના બિલ્ડિંગનું નામ) હતું. બ્રહ્માકુમારી સંસ્થાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ચૂંટેલા શ્રોતાગણમાં પ્રોફેસર નીલેશ સામાણી અને તેમના પત્ની વર્ષા સામાણી, ગીતાબહેન, યોગેશ જોષી ઉપસ્થિત હતાં.
આ કાર્યક્રમને નવયુવાન સંગીતકાર આલાપ દેસાઈએ પોતાના સ્વરથી શણગાર્યો હતો અને એમના જેવા જ યુવા સાથીઓ રાકેશ ચૌહાણ, ગઢવી, હેમંત મટ્ટાણી અને અશ્વિન અને હરિશ માદલાણીએ એમને સાથે આપ્યો હતો.

