વોશિંગ્ટનઃ એક નવા સંશોધનમાં દાવો કરાયો છે કે માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ આગામી પચ્ચીસ વર્ષની અંદર દુનિયાના પહેલા ખરબપતિ બની જશે! ઓક્સફેમ ઇન્ટરનેશનલ નામની એક રિસર્ચ ફર્મે પોતાના હેવાલમાં આ દાવો કર્યો હતો. સંશોધન મુજબ બિલ ગેટ્સ ૮૬ વર્ષની વયે પહોંચતા સુધીમાં દુનિયાના પહેલા પરાર્ધપતિ બની શકે છે. રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ગેટસની સંપત્તિ ૨૦૦૯થી દર વર્ષે ૧૧ ટકાના દરે વધી રહી છે. જો વધારો આ રીતે જ થતો રહેશે તો તેઓ બહુ ઝડપથી દુનિયાના પહેલા પરાર્ધપતિ બની જશે.
આ જ હેવાલમાં એ માહિતી અપાઇ છે કે ગેટ્સે ૨૦૦૬માં જ્યારે માઇક્રોસોફ્ટને છોડયું હતું, ત્યારે તેમની કુલ સંપત્તિ ૫૦ બિલિયન અમેરિકી ડોલર હતી અને ૨૦૧૬માં તે વધીને કુલ સંપત્તિ વધીને ૭૫ બિલિયન ડોલર થઇ ગઇ હતી. બિલ ગેટ્સે પોતાની કમાણીનો મોટો હિસ્સો પોતાની ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કેટલાય સામાજિક કાર્યોમાં વાપરે છે. આમ છતાં તેમની સંપત્તિમાં વધારો થઇ રહ્યો છે અને ૧૧ ટકાના દરે વધારો થઇ રહ્યો છે, તેથી તેઓ દુનિયાના પહેલા ખરબપતિ બની શકે છે. ગેટ્સ બહુ ઓછા ધનપતિઓમાંના એક છે, જેમણે પોતાની અડધાથી વધુ સંપત્તિએ દાન કરી દીધી છે.

