નવી દિલ્હીઃ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદ વિરુદ્ધ આખરે અમેરિકાના દબાણ બાદ પાકિસ્તાને કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.
હાફિઝ સઇદને લાહોરની એક મસ્જિદમાં નજર કેદ કરી લેવામાં આવ્યો છે. તેની સાથે જ તેના આતંકી સંગઠન જમાત ઉદ દાવા પર પ્રતિબંધની તૈયારી પણ ચાલી રહી છે.
સંગઠનના જેટલા પણ હેડક્વાર્ટર પાકિસ્તાનમાં છે ત્યાં હાલમાં પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં હાફિઝ સઇદની ધરપકડ કરીને તેની વિરૃદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. તેવું મનાઈ રહ્યું છે. અમેરિકાના પ્રમુખનું પદ સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જોકે આ દેશોમાં આતંકવાદનો ગઢ ગણાતા પાકિસ્તાનનો સમાવેશ નહોતો કર્યો હતો પણ હવે અમેરિકાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આઠમો દેશ પાકિસ્તાન હશે. એટલે ટૂંક સમયમાં પાકિસ્તાનના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.
વ્હાઇટ હાઉસ સ્ટાફના ચીફ રેન્સે પ્રિબસે જણાવ્યું હતું કે જે પણ દેશમાં આતંકવાદનું પ્રમાણ વધી જશે તે દેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સાત દેશોમાં આતંકવાદ વકર્યો છે. અને આ જ પ્રકારની સમસ્યા હવે પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. તેથી ટૂંક સમયમાં તેના પર પ્રતિબંધની તૈયારી ચાલી રહી છે. પહેલી વખત ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે તેવું નિવેદન આપ્યું છે.

