હ્યુસ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસ્વીર પર વોટરગનથી પીચકારી મારીને 'ડાય' કહીને ચીસ પાડતો વિવાદાસ્પદ કલાસરૂમ વીડિયો વાયરલ થતાં એક ગુજરાતી શિક્ષિકાને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
વીડિયો ક્લીપમાં ટેકસાસના ડલાસમાં એડમસન હાઇસ્કૂલની ટીચર પાયલ મોદી ટ્રમ્પના શપથનો વીડિયો વ્હાઇટબોર્ડ પ્રોજેકટર પર દર્શાવાઇ રહ્યો હતો ત્યારે પાણીથી ભરેલી પિસ્તોલથી પીચકારી મારી રહેલી દેખાઇ હતી.
આઠ સેકંડનો એ વીડિયો ટ્રમ્પે શપથ લીધા ત્યારે એટલે કે ૨૦ જાન્યુઆરીએ પર્સનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં પાયલ મોદી ટ્રમ્પની તસ્વીર આવતાં જ એની પર પિસ્તોલમાંથી પાણીની પિચકારી મારતી દેખાઇ હતી. એટલું જ નહીં એણે જોરથી બુમ પણ પાડી હતી કે 'ડાય'. આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો ત્યાર પછી હજારો લોકોએ આને જોયો હતો. આ પછી ડલાસ ઇન્ડિપેન્ડન્ટ સ્કુલ ડિસ્ટ્રિક્ટે એની તપાસ શરૂ કરી હતી. પાયલ મોદીને રજા પર ઉતારી દેવામાં આવી હતી, એમ આ સ્કુલની પ્રવકતા રોબીન હેરીસને એક છાપામાં કહેતી ટાંકવામાં આવી હતી.
જોકે તેમણે કહ્યું હતું કે તેઓ આ ઘટનાની તપાસ કરતાં હોવાથી વધારે કંઇ કહેશે નહીં. તેમણે કહ્યું હતું કે આ એક અંગત બાબત છે અને એટલા માટે અમે કોઇ ટીપ્પણી કરી શકીએ નહીં.

