નાગપુર ટી૨૦ઃ બૂમરાહે છેલ્લી ઓવરમાં બાજી ફેરવી, ઇંગ્લેન્ડનો પરાજય

Wednesday 01st February 2017 06:07 EST
 
 

નાગપુરઃ ભારતે બીજી ટી૨૦ મેચમાં લગભગના હારના આરે પહોંચેલી બાજી જીતી લીધી હતી. ભારતે આપેલા ૧૪૫ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ મેચ જીતવાની અણી પર હતી ત્યાં જ નેહરાએ સત્તરમી ઓવરમાં એક વિકેટ લઈને ટીમને મેચમાં વાપસી કરાવી હતી. આ પછી અઢારમી ઓવરમાં બૂમરાહે શાનદાર બોલિંગ કરતા મેચ ટીમ ઈન્ડિયાના પક્ષમાં આવી ગઈ હતી.
જોકે ૧૯મી ઓવરમાં નેહરાની ઓવરમાં ૧૭ રન આવી જતાં ઈંગ્લેન્ડની ટીમ જીતથી માત્ર ૮ રન જ દૂર રહી હતી. છેલ્લી ઓવરમાં બૂમરાહે શાનદાર બોલિંગ નાંખતા માત્ર બે રન જ આપ્યા અને એક વિકેટ ઝડપતા ભારત પાંચ રનથી મેચ જીતી
ગયું હતું.

રાહુલ - બૂમરાહ - નેહરા હીરો

લોકેશ રાહુલના શાનદાર ૭૧ રન બાદ આશિષ નેહરા અને જસપ્રિત બૂમરાહની ઘાતક બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટી૨૦માં પાંચ રને રોમાંચક વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે ૩ મેચની શ્રેણી ૧-૧થી બરાબરી કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૪ રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૯ રન જ બનાવી શક્યું હતું. નેહરાએ ૪ ઓવરમાં ૨૮ રન આપી ૩ વિકેટ ઝડપી હતી અને બૂમરાહે ૪ ઓવરમાં ૨૦ રન આપીને બે વિકેટ ઝડપી હતી.
મિશ્રાએ ભારતને ત્રીજી મોટી સફળતા અપાવતા ઈયન મોર્ગનને ૧૭ રને પેવેલિયન ભેગો કરી નાંખ્યો હતો. ત્યાર બાદના બોલમાં સ્ટોક્સને બોલ્ડ કર્યો હતો. જોકે તે નો બોલ હોવાના કારણે સ્ટ્રોક્સને જીવનદાન મળ્યું હતું.
ભારતે પહેલા બેટિંગ કરતાં વીસ ઓવરમાં આઠ વિકેટે ૧૪૪ રન બનાવી લીધા હતા. ભારત તરફથી એકમાત્ર લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરતાં ૭૧ રન ફટકાર્યાં હતા.
ભારત સામેની બીજી ટી૨૦ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીત્યો હતો. પહેલી ટી૨૦ની જેમ જ ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઇંગ્લેન્ડ સીરિઝમાં ૧-૦ આગળ હતું. ભારતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. પરવેઝ રસૂલના સ્થાને અમિત મિશ્રાનો સમાવેશ કરાયો હતો.

કાનપુર ટી૨૦

કેપ્ટન મોર્ગનના તોફાની ૫૧ રનની મદદથી ઇંગ્લેન્ડે પ્રથમ ટી૨૦ મેચમાં ભારતને સાત વિકેટે આસાનીથી હરાવ્યું હતું. ભારતના સાત વિકેટે ૧૪૭ રનના જવાબમાં ઇંગ્લેન્ડે ૧૧ બોલ બાકી રાખીને ત્રણ વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઇંગ્લેન્ડ સાથે ત્રણે મેચની શ્રેણીમાં ૧-૦થી આગળ થઇ ગયું છે. મોઇન અલીને મેન ઓફ મેચ જાહેર કરાયો હતો.
રનચેઝમાં ઇંગ્લેન્ડે ૪૩ રનના સ્કોરે બંને ઓપનર રોય (૧૯) તથા બિલિંગ્સની (૨૨) વિકેટ ગુમાવી દીધી હતી. મોર્ગને આક્રમક બેટિંગ કરીને સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. તેણે ૩૮ બોલમાં એક બાઉન્ડ્રી તથા ચાર સિક્સર ફટકારી હતી. રુટે અણનમ ૪૬ રન બનાવ્યા હતા. ભારત માટે રસૂલે ૨૭ રનમાં બે વિકેટ ખેરવી હતી.
જોઇ રુટ બે વખત બોલ્ડ થયો હોવા છતાં નોટઆઉટ રહ્યો હતો. બૂમરાહએ નાખેલી ૧૭મી ઓવરના પાંચમા બોલે તે બોલ્ડ થયો હતો. જોકે નો બોલ હતો. રુટને ફ્રી હિટ મળી હતી જેમાં પણ તે બોલ્ડ થયો હતો, પરંતુ આગળનો બોલ નો બોલ હોવાના કારણે તે નોટઆઉટ રહ્યો હતો.
ઇંગ્લેન્ડ રેફરીને ફરિયાદ કરશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે નાગપુરમાં રમાયેલી બીજી ટ્વેન્ટી૨૦ મેચમાં અમ્પાયરિંગનું સ્તર અપેક્ષા મુજબનું નહોતું. ઇંગ્લિશ કેપ્ટન ઇયોન મોર્ગનનું માનવું છે કે નિર્ણાયક પળોનો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય તેમની ટીમની વિરુદ્ધમાં ગયો હતો.
ઇંગ્લેન્ડની ટીમ અંતિમ ઓવરમાં જોઈ રુટને બૂમરાહના બોલ પર એલબીડબ્લ્યૂ આપવાના અમ્પાયરે આપેલા નિર્ણયની મેચ રેફરી સામે ફરિયાદ કરશે. મોર્ગને મેચ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે જોઈ રુટને કટોકટીની પળોમાં એલબીડબ્લ્યુના નિર્ણયના કારણે અમારી ટીમને બીજી મેચ હારવી પડી છે.


comments powered by Disqus