બાળકને ક્યારેક તેનું ધાર્યું કરવા દો

Wednesday 01st February 2017 05:24 EST
 
 

આજકાલ ઘડિયાળના કાંટે ચાલતી દોડધામભરી જિંદગીમાં બાળકોને સાચું શીખવવા માટે શાંતિથી સમજાવવાની ધીરજ લોકો પાસે નથી રહી. એમાંય બાળકો જ્યારે આપણી વાત ન માનતાં હોય ત્યારે તેમની સાથે કેવી રીતે ડીલ કરવું એ ઘણા લોકોની સમસ્યા છે. ઘણા લોકો બાળકો સામે લલચામણી શરતો મૂકે છે. જોકે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આપણે બાળકો સાથે શરતો મૂકીને કામ કઢાવવું જોઈએ ખરું? સાથે જ આપણે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે દરેક બાબતે શરતો મૂકવાનું કે બાંધછોડ કરવાનું શક્ય નથી. ખાસ કરીને તબિયત અને સલામતીની વાત હોય ત્યાં કોઈ શરત કે સોદો ન કરી શકાય. ઘણી વાર એવું પણ થાય છે કે આપણે એ વખતે બાળકોને કોઈ રીતે સમજાવી શકીએ એવું નથી રહેતું.
જ્યારે તમે બાળકોને કહો છો કે ચાલો, હવે સૂવાનો સમય થયો કે હવે હોમવર્ક કરવા બેસો કે હવે જમી લો ત્યારે તેઓ હંમેશાં કહે છે કે મમ્મી, પાંચ જ મિનિટ વધારે આપને? બાળક રોજેરોજ આમ કહે છે એટલે તમે તેને ના પાડીનેય હવે તો થાકી જાઓ છો. જરા વિચારો, આવા સમયે તમે શું કરો છો? કાં તો વાત પડતી મૂકો છો, કાં તો હાથ ઉપાડી બેસો છો અથવા તો શરતી સમજાવટ કરો છો.
ભલે તમને ગમે કે ન ગમે, પણ બાળકો સાથે ક્યારેક શરતી સમજાવટ પણ થાય છે, પણ હકીકતમાં સાચી રીતે તેની સાથે સમજાવટથી સંવાદ કરવામાં આવે તો એ સંવાદ તેને ઘણું બધું શીખવી શકે છે. જો તમે બાળકને સમજાવશો નહિ તો કફોડી પરિસ્થિતિ સાથે ડીલ કરતાં તે શીખી નહિ શકે.
બાળકો સાથે સમજાવટથી કામ લેવું એ એક જટિલ પ્રક્રિયા છે. મા-બાપે પોતાની લાગણી અને ચીડિયાપણાને કાબૂમાં રાખતાં શીખવું જોઈએ. આપણે ગુસ્સે થઈએ છીએ તો બાળકો સાથે વાતચીત માટે બંધાયેલો સંવાદ તૂટી જાય છે. આનો આપણને અનુભવ છે જ. આથી બને ત્યાં સુધી બાળકો સાથે ખૂબ જ શાંતિથી અને સમજાવટથી કામ લો.
અહીં બાળકો સાથે કેવી રીતે સમજાવટથી કામ લઈ શકાય એના કેટલાક રસ્તાઓ બતાવ્યા છે. આના અમલથી તમારાં બાળકો અને તમારી વચ્ચે ઉભા થતા તણાવો જરૂર અટકશે.
વાતની શરૂઆત દલીલ કરવાને બદલે તેની વાત સાથે તમે કેટલા સંમત છો એનાથી કરો. ભલે એ તમારું જ બાળક છે, પરંતુ કોઈ પણ કામ કરવા માટે આદેશ આપવાને બદલે તેને વિનંતી કરો. એમ કરવાથી તે તમારી વાત ટાળી નહિ શકે. જો તમે તેની સ્વતંત્રતાને માન આપીને વાત કરશો તો તે જરૂર તમારી વાત સાંભળશે. તમે વિનંતી કરશો તો એ હોંશે-હોંશે તમે કહેલું કામ કરવા લાગશે. પણ જો તમે તેને કહેશો કે ચાલ, હમણાં જ તારી રૂમ સાફ કરી નાખ તો તે એમ કરશે એવા ચાન્સ ખૂબ ઓછા છે. બોલો બરાબરને?
તમે તમારા બાળકને કામમાં સામેલ કરો. જો રાત્રે સૂવાનો સમય થયો હોય તો સંતાનને પૂછો કે બેટા, તું કેટલી મિનિટમાં આ પ્રોજેક્ટ પૂરો કરીને સૂવા આવીશ? એના બદલે જો તમે તેને તેનું કામ પૂરું કરવાનું અલ્ટીમેટમ આપશો તો કદાચ વાત વણસી જશે. આવું થાય ત્યારે એ સામા જવાબ પણ આપવા લાગે એવું બને.
તમે તેને તમારી વિચારસરણી સમજાવો. કોઈ પણ કામ કહેતી વખતે તમે એવું કેમ કહી રહ્યા છો એ બાળકને જરૂર સમજાવો. જો તે તમારા મનની વાત જાણશે તો તે ચોક્કસ પોઝિટિવ પ્રત્યુત્તર આપશે.
યાદ રાખો, સમજાવટથી કામ લેવું એનો મતલબ એ નથી કે તમે તમારી વાત છોડી દો, અને તેને જેમ કરવું છે એમ કરવા દો. સંવાદ કરવાથી કોઈ હારતું કે જીતતું નથી.
બાળક સાથે તેની ઉંમર પ્રમાણે વાત કરવી જોઈએ. સ્કૂલે જતાં તમારા બાળકને તેને ન ભાવતી વાનગી ખાવા માટે દબાણ કરવાની જરૂર નથી. તેને દરેક ચીજ ભાવે એ રીતે સજાવીને પીરસવાનું રાખો.
તમારું બાળક જ્યારે કોઈ વાતે જીદ કરે કે પછી કશાકનો વિરોધ કરે છે ત્યારે તમે તેને સામે સવાલ પૂછો છો? ધારો કે બાળક નાહવાની ના પાડે છે તો તમે તેને પૂછો છો કે અત્યારે નહિ તો ક્યારે નાહીશ? અને કેમ? ક્યારેક તેને કોઈક સાચી તકલીફ હોય એવું બની શકે છે. એટલે તેની વાત પણ ગંભીરતાથી સાંભળો.
બાળકો સાથે હંમેશાં શાંતિ અને સમજાવટથી જ વાત કરો. તેમની પર ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નથી. એટલે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે કાંઈ પણ બોલતાં પહેલાં શાંત થવા માટે સમય લો.
તમારા બાળકને જીતવાનો સંતોષ પણ લેવા દો. કોઈક વાર તમારું ધાર્યું ન થાય તો તમે હારી ગયા છો એવું ન માનીને એકદમ કડક થઈ જવાની જરૂર નથી. ક્યારેક તેને પોતાનું ધાર્યું કરવા દો અને ફરી તમે આવું નહિ ચલાવી લો એવુંય કહો, પણ પ્રેમથી.
વાતચીતના કેટલાક હકારાત્મક રસ્તાઓ
• ગુસ્સે થવાને બદલે થોડું હસી લો. • બાળકના દરેક કજિયાને ગંભીરતાથી અને ગુસ્સે થઈને દૂર ન કરવા. આ સમયે બને તો તમે થોડુંક હસીને વાતને હળવી બનાવો. • બાળકના વિરોધને તમે હળવા જોકમાં પણ ફેરવી શકો છો. • જો બાળક હોમવર્ક કરવા તૈયાર ન થતું હોય તો રમત રમાડીને કે પછી જોક્સ કહીને તેને ભણવા બેસાડો. • બાળકને તેની ભૂલ પ્રેમથી સમજાવો. • બાળકના નકારાત્મક અભિગમને જોવાને બદલે તેના પ્રત્યે હકારાત્મક વલણ રાખો. • તમે પોતે પણ એક બાળક છો એવું કહીને તેને રમૂજી વાર્તા સંભળાવીને શીખ મળતી રહે એવું કરો. • જો આપણે ધીરજથી કામ લઈએ તો બાળકો પાસે આપણે આપણું ધાર્યું કરાવી શકીએ છીએ.


comments powered by Disqus