બાળાના હેડસ્કાર્ફ પર પ્રતિબંધના મુદ્દે મુસ્લિમ સમાજમાં મતભેદ

Tuesday 31st January 2017 12:09 EST
 

બર્મિંગહામઃ હેન્ડ્સવર્થ,બર્મિંગહામની રોમન કેથોલિક સ્કૂલ - સેન્ટ ક્લેર્સ સ્કૂલ - દ્વારા ચાર વર્ષની મુસ્લિમ બાળાને હેડસ્કાર્ફ પહેરવા પર ફરમાવાયેલા પ્રતિબંધ બાદ તેના પિતાએ સ્થાનિક સત્તાવાળા હસ્તક્ષેપ કરવાનું કહેતા મુસ્લિમ સમાજના અગ્રણીઓમાં મતભેદ સર્જાયો હતો.

બર્મિંગહામ સિટી કાઉન્સિલના લેબર કેબિનેટ મેમ્બર ફોર ઈક્વલિટીઝ વસીમ જાફરે જણાવ્યું હતું કે તેઓ સ્કૂલના હેડ ટીચરને મળ્યા હતા અને સ્કાર્ફ (હિજાબ) પર પ્રતિબંધ ઈક્વલિટી એક્ટની વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. જોકે, તેમના કેબિનેટ સાથી કાઉન્સિલર માજિદ મહમ્મદે જણાવ્યું હતું કે મુસ્લિમ ધર્મની સ્કૂલમાં છોકરીએ હેડસ્કાર્ફ પહેરવો જરૂરી હોય છે તે જ રીતે સેન્ટ ક્લેર્સ પણ ધાર્મિક સ્કૂલ છે તેથી તે ચોક્કસ ડ્રેસકોડ માટે ફરજ પાડે તો તે તેના અધિકારમાં છે.

કાઉન્સિલના ઈક્વલિટીના પૂર્વ વડા ડો. માશુક અલીએ જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાની બાળાઓએ હિજાબ પહેરવો જોઈએ તેવી ધાર્મિક જરૂરિયાત નથી. મુસ્લિમ પેરન્ટ્સે તેમના બાળકને રોમન કેથોલિક સ્કૂલે ભણવા મોકલતા પહેલા ઝીણવટપૂર્વક વિચારવું જોઈએ અને પહેરવેશ નીતિની બાબતે પણ વિચારણા કરવી જોઈએ. આ બધી ચર્ચા જાહેરમાં અને રાજકીય જગતમાં નહિ પણ સ્કૂલ અને પેરન્ટ્સ વચ્ચે થવી જોઈએ.

ચીલ્ડ્રન,ફેમિલી અને સ્કૂલના કેબિનેટ મેમ્બર બ્રીજીડ જોન્સે જણાવ્યું હતું કે દરેક સ્કૂલની સંચાલન સમિતિ પોતાની પહેરવેશ નીતિની રચના અને અમલ માટે જવાબદાર હોય છે. જોકે, લોકલ ઓથોરિટી તે સ્કૂલની નીતિ કાનૂની જરૂરિયાતોને સુસંગત છે કે નહિ તે સુનિશ્ચિત કરવા મદદ કરે છે.


    comments powered by Disqus