ન્યૂયોર્કઃ અમેરિકામાં રહેતી ભારતીય મૂળની એક મહિલાને પોલીસે અટકાવી અને સવાલ કર્યો કે શું તે અમેરિકામાં ગેરકાયદે રહે છે? શાહરુખ ખાન અભિનીત ફિલ્મ ‘સ્વદેશ’ આ મહિલા અને તેના પતિથી પ્રેરિત હતી. આ ઘટના અમેરિકાનાં મેરિલેન્ડની છે. આ ઘટનાને કારણે ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન પોલીસીને લઈને પ્રવાસીઓમાં ડરની લાગણી પ્રબળ બનવાની શંકાને બળ મળ્યું છે.
અમેરિકામાં ૩૦ વર્ષથી રહેતી ૪૭ વર્ષીય અરવિંદ પિલ્લાલ મારી ગત ૨૨મી ડિસેમ્બરે બેલ એર વિસ્તારમાં આંટા મારતી હતી તે દરમિયાન એક પોલીસઅધિકારીએ તેને અટકાવી હતી. સ્થાનિક મીડિયા અનુસાર પોલીસે તેને સવાલ કર્યો કે તે શું કરી રહી છે? તો તેણે જવાબ આપ્યો કે તે અહીં આંટા મારી રહી છે. અધિકારીએ તેને કેટલાક સવાલ કર્યા અને ઓળખપત્ર માગ્યું. અરવિંદે કહ્યું કે, તે ખાલી આંટા મારવા માટે જ બહાર નીકળી છે તેથી ઓળખપત્ર સાથે નથી રાખ્યું. જવાબમાં પોલીસે કહ્યું કે તે ગેરકાયદે અમેરિકામાં રહે છે કારણ કે તેની પાસે ઓળખપત્ર નથી. આ વખતે પોલીસે અરવિંદને એમ કહ્યું કે, તેમના સવાલોના જવાબ આપ્યા પછી જ તે ત્યાંથી જઈ શકે છે, કારણ કે તેની સામે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ત્યારબાદ પોલીસે પોતાનાં કમ્પ્યુટરમાં તેની વિગતો ચકાસ્યા પછી તેને ત્યાંથી જવા દીધી.

