લંડનઃ બદલાતી સામાજિક તાસીર પ્રમાણે લગ્નને બંધન માનવાની માનસિકતા વધી છે. નવી પેઢી લગ્નની પળોજણ વિના માત્ર રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરતા થયા છે. આના પરિણામે, લગ્ન વિના જન્મતા બાળકોની સંખ્યા તેમજ સિંગલ મોમ કે સિંગલ ડેડની સંખ્યામાં સતત વધારો થયો છે.
બ્રિટનની ફેમ-રિલ નામની સામાજિક સંસ્થાના વાર્ષિકમાં લગ્નેત્તર સંબંધોમાં જન્મતા બાળકોની સંખ્યામાં સતત વધારો થતો હોવાનું કહેવાયું છે. અમેરિકા મુક્ત વિચારો ધરાવતો દેશ હોવાથી મુક્ત સંબંધોનું વધુ પ્રમાણ સહજ છે પરંતુ, રૂઢિચુસ્ત ગણાતા બ્રિટનમાં પણ આંકડો મોટો છે.
૧૯૭૯માં કુંવારી માતાની કૂખે જન્મનારા બાળકોની સંખ્યા ૧૧ ટકા હતી, જે ૧૯૮૮માં વધીને ૨૫ ટકાએ પહોંતી હતી. ૨૦૧૪માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં લગ્નસંબંધો વિના જન્મેલા બાળકોની સંખ્યા કુલ બાળકોના ૪૫ ટકા અથવા ૩,૪૬,૫૯૫ હતી. ૨૦૧૫માં આ સંખ્યા વધીને ૪,૧૩,૧૮૭ સુધી પહોંચી હતી. ૨૦૧૭માં તેમાં આઠ-દસ હજારનો વધારો થાય એવી શક્યતા નકારી શકાતી નથી.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧.૧ કરોડ લોકો અપરણિત છે અને ૫૦ લાખ લોકો લગ્ન વગર જ પાર્ટનર સાથે રહે છે. જો આ આંકડો આમ જ વધતો રહેશે તો આવતા વર્ષે લગ્ન વગર બંધાયેલા સંબંધના પરિણામે જન્મનારા બાળકોની સંખ્યા ૫૦ ટકાએ પહોંચી જશે.
