વડોદરાઃ અમેરિકાના નોર્થ ડાકોટા સ્ટેટના એર પોર્ટ પર બોમ્બની ધમકી આપી આતંક ફેલાવવાના આરોપમાં વડોદરાના બિઝનેસમેન પરમાન રાધાક્રિષ્નની ૨૮મીએ અટકાયત થઈ છે. બીજી તરફ ભારત સરકારે આ અંગે કોઈ માહિતી હોવાનો ઇનકાર કર્યો છે. પરમાનના સ્વજનોએ ટ્વિટર પર આ અંગે સુષ્મા સ્વરાજને હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.
નોર્થ ડાકોટા સ્ટેટના ગ્રાન્ડ ફોર્ક્સ એર પોર્ટ પર પરમાનને એરપોર્ટના કર્મચારી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. પરમાન પર આરોપ છે કે તેણે એરપોર્ટ કર્મચારીઓને ધમકી આપી હતી કે તેની બેગમાં બોમ્બ છે. ધમકી પછી એર પોર્ટ પર આવન-જાવનની કાર્યવાહી રોકી દેવાઈ હતી અને બોમ્બ સ્કવોડને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. જેની તપાસમાં કંઈ શંકાસ્પદ હાથ લાગતા ફરી એરપોર્ટ ચાલુ કરવામાં આવ્યું હતું.
દેવકી એનર્જીના ડાયરેક્ટર
૫૩ વર્ષીય પરમાન રાધાક્રિષ્નન વડોદરાની દેવકી એનર્જી કન્સલ્ટન્સીના ડાયરેક્ટર છે. એમ એસ યુનિવર્સિટીમાંથી બી.ઇ. ઇલેક્ટ્રિકલ છે. તેઓ કોલેજોમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે.
