અમદાવાદઃ આમેરિકામાં આવેલા વર્જિનિયાના ૨૫મા જ્યુડિશિયલ ડિસ્ટ્રીક્ટના જજ તરીકે સૌ પ્રથમવાર ઇન્ડિયન અમેરિકન તરીકે નિમણૂક મેળવવાનો વિક્રમ રૂપેન આર. શાહના નામે નોંધાયો છે.
ઇન્ડિયન અમેરિકન લોયર રૂપેન શાહ વર્જિનિયામાં આવેલી ઓગસ્ટા કાઉન્ટી કોમનવેલ્થ એટર્નીની ઓફિસમાં ચીફ ડેપ્યુટી તરીકે ફરજ બજાવે છે. તેમની જજના હોદ્દા પર ૧૯ જાન્યુઆરીએ રોજ નિમણૂક થઈ છે અને હવે તેઓ પહેલી ફેબ્રુઆરીથી ૬ વર્ષની ટર્મ માટે હોદ્દો સંભાળશે.
છેલ્લા ૨૦ વર્ષથી ઓગસ્ટા કાઉન્ટીના પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવતા શાહ વર્જિનિયા લોયર્સ મીડિયા દ્વારા ‘લિડર ઓફ ધ લો’ એવોર્ડ મેળવી ચૂક્યા છે. તેઓ વર્જિનિયા સ્ટેટ બાર કાઉન્સિલના એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર રહી ચૂક્યા છે. તેમજ ડાઇવર્સિટી કોન્ફરન્સ ઓફ વર્જિનિયા સ્ટેટ બારમાં નામાંકિત પદે સેવાઓ આપી ચૂક્યા છે. આ ઉપરાંત ઓગસ્ટા કાઉન્ટી બાર એસોસિએશનના પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
શાહ મૂળ અમદાવાદના છે. અમદાવાદમાં તેમણે આઈસીડબલ્યુએની ડિગ્રી લીધા પછી ૧૯૮૪માં અમેરિકા જઈ વકીલાત કરી હતી. હાલમાં પણ તેમનો બંગલો અમદાવાદમાં છે. અમદાવાદમાં તેમનું કુટુંબ ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રીઓ ધરાવે છે.

