વોશિંગ્ટનઃ દુનિયાભરમાં લાખો લોકો કિડનીની બીમારીથી પરેશાન છે. આ દર્દીઓએ ક્યાં તો બીજાની કિડનીનું પ્રત્યારોપણ કરાવવું પડે તેમ છે અથવા તો ડાયાલિસિસ કરતા રહીને જીવન ગુજારવું પડે. ડાયાલિસિસમાં ઘણો સમય જાય અને તેમાં પીડા ભોગવવાની સાથે માથે ખર્ચ પણ વધતો રહે છે. એક વખત ડાયાલિસિસ થાય એટલે આખી જિંદગી ડાયાલિસિસના સહારે જ જીવવું પડે છે. ડાયાલિસિસ બંધ થાય એટેલ મૃત્યુ ભરખી જાય જ જાય. જોકે ભવિષ્યમાં આવા લોકોના જીવન બચી જાય તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. વિજ્ઞાનીઓને આશા છે કે ૨૦૨૦ સુધીમાં કૃત્રિમ કિડની મળતી થઈ જશે.
વિજ્ઞાનીઓ કૃત્રિમ કિડની બનાવવામા સફળ રહ્યા છે અને હાલમાં અમેરિકામાં દર્દીઓ ઉપર તેનું પરીક્ષણ થઈ રહ્યું છે. આ પરીક્ષણ દ્વારા વિજ્ઞાનીઓ કૃત્રિમ કિડનીની સુરક્ષા તથા તેની ક્ષમતા કેવી છે, તે અંગે જાણકારી મેળવી લેવા માંગે છે.
યુનિવર્સિટી ઓપ કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોના સંશોધક ભારતીય-અમેરિકી વિજ્ઞાની ડોક્ટર શુભા રોયે કૃત્રિમ કિડની બનાવી છે. પરીક્ષણમાં આ કિડની સફળ રહી તો અમેરિકાનું ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તેને મંજૂરી આપી દેશે અને કિડની મળતી થઈ જશે. અત્યારે તો તેની કિંમત શું હશે એ અંગે કોઈ જાણકારી અપાઈ નથી, પરંતુ એમ કહેવાય છે કે તે સામાન્ય ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટ કરતાં ઘણી સસ્તી હશે.
કૃત્રિમ કિડની કઈ રીતે કામ કરશે?
ડોક્ટર રોય કહે છે કે હાથની મુઠ્ઠી વાળીએ અને જેવી દેખાય એવા આકારવાળું આ મશીન પેટમાં બેસાડી શકાશે. આ મશીનને હૃદયમાંથી ઊર્જા મળશે. કૃત્રિમ કિડની લોહીને સાફ કરશે. હોર્મોનને નિયંત્રિત કરશે અને લોહીના દબાણને પણ નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થશે. હાલમાં થતાં ડાયાલિસિસની સરખામણીએ આ મશીન કિડનીનું કામ વધુ સારી રીતે કરશે.

