કોંગ્રેસે તેવું કરવાની ઘસીને ના પાડી દીધી. ૧૯૩૬ના જાન્યુઆરીમાં સુભાષ ઇંગ્લિશ ચેનલ થઈને અમેરિકન જહાજમાં આયર્લેન્ડના કોમ્બ બંદરગાહે પહોંચ્યા. ડબલિનમાં તેમણે વિશ્વના સ્તરે નવો અગ્નિ સર્જનાર દ વેલેરાની સાથે ઘનિષ્ઠ વાતચીત કરી. આઇરિશ અખબારોએ ‘ચંદ્ર બોઝ’નું અગ્રીમ મથાળાં સાથે સ્વાગત કર્યું.
આઇરિશ દંતકથા સરખી મેડમ મોઉદ ગોન્ની મેકબ્રાઇડના અધ્યક્ષપદે આઇરિશ-ઇન્ડિયા આંદોલનની યે શરૂઆત થઈ.
અને તુર્કી?
‘યંગ ટર્કી’ ક્રાંતિ તો અહીં છેક ૧૯૦૮માં થઈ હતી. મુસ્તફા કમાલ પાશા અને તેનો પક્ષ ‘યુનિટી એન્ડ પ્રોગ્રેસ પાર્ટી’એ સામાજિક - આર્થિક - રાજકીય પરિવર્તનનો માહોલ પેદા કરી લીધો. તેણે સમગ્ર વિશ્વના ઇસ્લામિક રાષ્ટ્રોમાં પણ ચહલપહલ સર્જી હતી. જર્મન સહાયથી કમાલ અતુર્કે દેશની તસવીર જ બદલાવી નાખી. સુભાષે તેમને ‘સદીના મહાન સર્જક રાજનીતિજ્ઞ’ ગણાવ્યાં.
એપ્રિલ ૧૯૩૫.
રોમા રોલાંની મુલાકાત.
રોલાંએ પોતાના લેખોમાં આ ઉદિત બૌદ્ધિક અને આઝાદી પ્રત્યે ઊંડી નિસબત ધરાવનાર ભારતીય નેતાને નવાજ્યા.
આ દિવસોમાં - ધોમધખતા તાપની વચ્ચે - એક પુષ્પ ખીલ્યું તે એમિલી શેન્કલનું મિલન! વિદેશ-ભ્રમણનો એ પણ એક પડાવ હતો... ‘ઇન્ડિયન સ્ટ્રગલ’.
પુસ્તકને માટે આ ઓસ્ટ્રિયન યુવતીને પુસ્તક લિપિબદ્ધ કરવા માટે - જાહેરાત આપીને - રોજના થોડાક કલાકો માટે બોલાવી હતી. સુભાષ બોલતા, તે લખતી. ફરી સુધારા કરાવે તો તે પ્રમાણે લખતી. પોતાના કેટલાક મુદ્દાઓ સૂઝતા તે જણાવતી, સુભાષ વિચારતા અને ઉમેરવા જેવા હોય તે સામેલ કરાવતા.
અહીં મિત્ર જવાહરલાલનાં બીમાર પત્ની કમલા નેહરુની સુકોમળ છબિનો સુભાષને અંદાજ આવ્યો હતો. ૧૯૩૫માં જૂન મહિનાના મધ્યાંતરે વિયેનામાં ‘ગોલ બ્લેડર’ (સ્વાદુપિંડ)નું ઓપરેશન કરાવીને સુભાષ ચેકોસ્લોવેકિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે કમલા નેહરુ તેમની સાથે હતાં. ‘આનંદભવન’ના નેહરુ-પરિવારની પુત્રવધૂ, કોમળ ઋજુ સ્વભાવ, થોડાંક એકાંતિક અને પતિ જવાહરનાં દેશકાર્યને લીધે જેલવાસથી સાથસંગાથ વિનાની જિંદગી... હા, ફિરોઝ નામે આનંદભવનમાં સક્રિય પારસી યુવક તેની બરાબર સંભાળ રાખી રહ્યો હતો. પણ કમલાને ક્ષયની ઘાતક બીમારી હતી. દિવસ - પ્રતિદિવસ કરમાતા પુષ્પ જેવી હાલત. ડો. કાત્યાર તેમની સાથે હતા. સુભાષને ઓસ્ટ્રિયાના હોફગેસ્ટિન સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવાર લેવાની હતી. આ યાત્રામાં જર્મનીનાં બેડેનવિલેર હેલ્થ રિસોર્ટમાં કમલા નેહરુ દાખલ થયાં. છેવટે બ્રિટિશ સરકારે નેહરુને કારાગારમાંથી મુક્ત કર્યા, તે કમલાને મળવા આવી પહોંચ્યા. સુભાષ પણ તેમની સંગાથે રહ્યા...
પણ કમલાની અંતિમ સફર નિશ્ચિત હતી. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૩૬ના તેણે શ્વાસ છોડ્યા. ઇન્દિરા, જવાહર અને સુભાષ - ત્રણે યે તેને અંતિમ વિદાય આપી.
સુભાષે વિયેનામાં વિઠ્ઠલભાઈની જિંદગીનો યે અનુભવ લીધો હતો. આ તેજસ્વી, તર્કશીલ અને બુદ્ધિમાન રાજપુરુષની પાસે ભારતીય સ્વાતંત્ર્યના અગણિત પડાવોનો અંદાજ હતો. મિત્ર લોકમાન્ય અને ચિત્તરંજનદાસ હવે આ દુનિયામાં રહ્યા નહોતા. સુભાષમાં તેમણે પોતાની ‘સ્વરાજ’ ત્રિપુટીની મજબૂત વારસદારી નિહાળી. જગત - રાજ - દર્શનનો અહીં જ સુભાષને અનુભવ થયો. ગુજરાતી ‘ગાંધી’ સાથે તો તેમનો વૈચારિક તંતુ બંધાયો નહીં, પણ આ કરમસદના વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ તેમને માટે પ્રિય વડીલ સ્વજન બની ગયા.
કેવી ઊંચાઈ ધરાવતો હતો આ રાજઋષિ? ૧૯૨૬માં લોર્ડ ઇરવિને વાઇસરોયનો હોદ્દો સંભાળ્યો ત્યારથી ભારતનાં ભવિષ્ય વિશે જાણવા વિઠ્ઠલભાઈ આધિકારિક વ્યક્તિ ગણાતા. તેમણે જ સૂચવ્યું હતું કે ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ જવું જોઈએ નહીં. ‘હું અને મારો ભગવાન પૂરતા છીએ’ એવો જવાબ ગાંધીજીએ વાળેલો. કેન્દ્રીય વિધાનસભા પરિષદના અધ્યક્ષ પણ બન્યા અને પ્રબળ વિરોધ દર્શાવવાની ઘડીએ રાજીનામું પણ આપ્યું...
સુભાષની આંખોમાં વિઠ્ઠલભાઈની સ્મૃતિએ અશ્રુબિન્દુનું રૂપ ધારણ કર્યુંઃ શુભ્ર દાઢી, આંખો પર ચશ્મા, વિશાળ ભાલ પ્રદેશ, હોઠ પર હાસ્ય અને દિમાગ સદૈવ તાર્કિક. મોહમ્મદઅલી જિન્ના તેમને કાયમ ‘પંડિત’ કહીને બોલાવતા!
વસિયતનામામાં તેમણે પોતાની મિલકતનો મોટો ભાગ સોંપતાં જણાવ્યું હતુંઃ સુભાષ રાષ્ટ્રના વિરાટ જંગમાં નેતૃત્વ માટે તારાથી વિશેષ કોઈ સજ્જતા પ્રાપ્ત વ્યક્તિ મને દેખાતી નથી... આ નાણાં રાષ્ટ્રકાર્યમાં જ્યાં જરૂર પડે ત્યાં વાપરજે... ગો અહેડ...
અને ૨૨ ડિસેમ્બર, ૧૯૩૩. ‘વીર’ વિઠ્ઠલભાઈએ વિદેશી ધરતી પર જ આંખો મીચી લીધી. પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, લાલા હરદયાળ, અંબાપ્રસાદ સૂફી, મદનલાલ ધિંગરા, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, તારકનાથ દાસ જલાવતન સરખા આ ક્રાંતિકારોને અંતિમ શ્વાસ લીધા દેશથી દૂ...ર, વિદેશભૂમિ પર.
વિઠ્ઠલભાઈ તેમાં ઉમેરાયા.
પણ તેમની છેલ્લી ઇચ્છા સુભાષને કહી હતી, માતૃભૂમિની ગોદમાં વિરામ પામવાની. તેમણે માર્સેલ્સ બંદરગાહથી મુંબઈ મૃતદેહ પહોંચાડવાની વ્યવસ્થા કરી...
સુભાષ માટે વિઠ્ઠલભાઈનો એક પત્ર જ સ્મૃતિસ્તંભ હતોઃ
‘A great fighter with an incomparable determination to carry on India's struggle without any kind of compromise. Even at this early age he has all the merits of a great leader, and his statesmanship and diplomacy are something which I have not seen in any other young man in India. Where can you find such a man? It is for this reason that all my hopes are centred on him, and I am leaving all my monies to him to be disposed of for any foreign propaganda that he may decide upon for the uplift of India.’
સુભાષ એની સાથે પડછાયાની જેમ રહેલા પ્રસંગને ભૂલવા મથ્યા કે આ વસિયતનામાને ભારતમાં, સરદાર વલ્લભભાઈ અને સ્વજનોએ જ અદાલતમાં પડકાર્યું હતું. વિઠ્ઠલભાઈએ સ્વયં ગાંધીજીને લખેલો પત્ર પણ નષ્ટ થઈ ગયો હતો.
ચંદ્ર બોઝ પોતાના ટેબલ તરફ પાછા વળ્યા. યુરાલની પહાડી પર ઠંડાગાર પવન શરૂ થઈ ગયા. બરફની વર્ષાનો તે સંકેત હતો. છાવણી વેરાન જેવી હતી, ક્યાંક વીજળીના દિવાનો પ્રકાશ અને પહેરેગીરોની હલચલ.
તેમણે ટેબલના ખાનામાં પડેલા એક બંધ પેકેટને લીધું...
તેમાં એમિલી શેંકલ પરના પત્રાચારની કરુણ અને મીઠી મહેક હતી...
પત્રો જ પત્રો...
દરેક પત્રનું સંધાન સંવેદનાથી ભર્યું ભર્યું...
નરગીસના પાન જેવું સોહામણું પણ દરેકના પડછાયે એક અદૃષ્ટ ભવિષ્યની ગમગીની.
વિદાય-પળની ગમગીની.
અને સ્વાતંત્ર્ય જંગ માટેના સમર્પણની આગ!
યુવા ઓસ્ટ્રિયન યુવતી એમિલીએ ‘Bleigiessen’ની વિધિ સમયે, વિયેનામાં નૂતન વર્ષ ૧૯૩૬ની સાંજે સુભાષના વિધાનને આત્મસાત્ કરી લીધું હતુંઃ ‘ભારત એ મારો પ્રથમ અને એકમાત્ર પ્રેમ છે.’ આ યુવતીએ સસ્મિત તેનો સ્વીકાર કરીને જ સુભાષચંદ્ર બોઝનો હાથ પકડ્યો. જાણે કહેતી હતીઃ ‘મારા યાત્રિક, તારી નિયતિ હું સમજું છું. તેં જ કહ્યું હતું ને-’
‘જાત્રા કેર,
જાત્રા કેરો, જાત્રી દલ!
એશે છે આદેશ...
બન્ધરેર બન્ધન
કાલ હોબો શેષ!’
તું ક્યાં કોઈ એક નિવાસે, સુખસુવિધાથી સભર એવી જિન્દગી જીવવાનો છે!
પણ, હસ્તમેળાપ સમયે એ.સી.એન. નામ્બિયારે એમિલીને કહ્યુંઃ ‘He is a one-idea man, singly for the independence of India... but he is deeply love with you.’
૧૯૩૪ના વર્ષે બંને સુભાષ અને એમિલી પહેલી વાર મળ્યાં. ‘ઈન્ડિયન સ્ટ્રગલ’ પુસ્તકમાં ૨૯ નવેમ્બર ૧૯૩૪ના દિવસે લખાયેલી પ્રસ્તાવનામાં સુભાષે લખ્યું હતુંઃ ‘ફ્રોલિન ઈ. શેન્કલે આ પુસ્તકલેખનમાં મને સહયોગ આપ્યો તેને માટે આભારી છું.’
આ-ભારનો બોજ પછીથી ખભા પરથી ઉતર્યો અને પ્રેમબંધનના ગીતમાં પલ્ટાઈ ગયો. બ્રિટિશરોએ તો તેમને ભારતમાં ‘ભયજનક’ ગણીને હદપાર કર્યા હતા. નિયતિએ તેમને પ્રકૃતિના પરમ પ્રેમની ભેટ આપી દીધી. પ્રથમ પત્રમાં જ - ૩૦ નવેમ્બર, ૧૯૩૪ - ભારત તરફના પ્રયાણમાં - રોમથી - તેમણે એમિલીની લખ્યું, ‘રોમ તરફની આ સફર ખરેખર સરસ છે. સૂર્યકિરણના સ્નાન અને વાદળોની સવારી વચ્ચે પહેલાં વેનિસ, પછી રોમ... મારા બધા પત્રો, અને બીજી સામગ્રી નષ્ટ કરી નાંખજે. માત્ર પુસ્તકો જ મોકલજે. ફ્રેન્ચ ભાષાનું લેશન ચાલુ રાખજે. ભારત પહોંચ્યા પછી જ હવે તને પત્ર લખીશ. હું સારો પત્રવ્યવહાર કરનાર વ્યક્તિ નથી. હા, સારો માણસ જરૂર છું! માત્ર તને જ એર-મેઈલથી આ પત્ર લખું છું. બીજા કોઈને નહીં. તેઓ જાણશે તો ખોટું લગાડશે. આખી રાત પુસ્તકનું કામ કરતો રહ્યો.’
પછીના પત્રોમાં સાવ નજીવી લાગતી બાબતો, પણ કેવા અંતરંગ સાથે વણાયેલી હતી? ‘ટાઈપરાઈટર’ની ખરીદી, વેનિસમાં ઉતાવળે ભોજન, એથેન્સ સુધી પહોંચતાં થોડો થાક, ‘હજુ બીજા ઘણા પત્રો અંધારું થાય તે પહેલાં લખવાના છે’ એવો સંકેત, ઈજિપ્તમાં પિરામીડ, મસ્જિદો વગેરે નિહાળ્યાનો રોમાંચ (‘૪૦૦૦ વર્ષ આ બધું જૂનુંપુરાણું છે’), આકાશે ભવ્ય સૂર્યોદય, (We have above the clouds in the early morning and saw a gorgeous sunrise, which we can see only in the East). કેરો અને ઈરાક પછી કરાચી થઈને કોલકતા. સુભાષ વિમાનયાત્રાના દરેક પડાવે એમિલીને પત્રો
લખે છે.
પત્રોમાં છલકાયું સુભાષનું વ્યક્તિત્વઃ સ્વાધીનતા અને આદર્શો, રઝળપાટ અને ખોજ. વાંચન અને લેખન. ચિંતનનું આકાશ. એમિલી પ્રત્યેની દરેક શબ્દમાં ચાહના. પ્રથમ અગિયાર મહિના - ૨૯ નવેમ્બર ૧૯૩૪થી ૨૬ જાન્યુઆરી ૧૯૩૫ - કેવો સમયરંગ લઈને આ પત્રો પ્રગટ થાય છે? ઈટાલી, ગ્રીન, ઈજિપ્ત, ઈરાક, પિતા જાનકીનાથનું અવસાન, બેનિતો મુસોલિની સાથેનો વાર્તાલાપ અને પોતાનું ભુલક્કડપણું (‘અરે, મારો જન્મદિવસ હું ભૂલી ગયો હતો!’) અને અ-વિરત ઘટનાઓ.
શબ્દસ્થ કરવાનું મનોજગત. આ પત્રોએ સુભાષના શબ્દસામર્થ્યનો યે અંદાજ આપ્યો.
સુભાષ તેમાંના કેટલાક પત્રો વાંચવામાં મગ્ન બની ગયા, ક્યારેક જર્મન ભાષાનો યે આત્મીય પ્રયોગ કરી લે છેઃ
‘૩૮/૨, એલ્ગિન રોડ,
કલકત્તા,
૮ જાન્યુ, ૧૯૩૫’
‘પ્રિય મિત્ર શેન્કલ,
તને નવાઈ લાગશે કે આજે હું યુરોપ જવા રવાના થઈ રહ્યો છું. મુંબઈથી વીસમી તારીખે એમ. વી. વિક્ટોરિયા જહાજમાં જિનુઆ અને પછી ઈટાલી પહોંચીશ. દુઃખના સમયે તારી સહાનુભૂતિ માટે આભારી છું. માતા-પિતાને મારા નમસ્તે.
અહીં આવ્યા પછી શારીરિક પીડા વધી છે. ઓપરેશન તો કરાવવું જ પડશે. ભેટ મળી ગઈ, આભાર. તેની સાથે તારો પત્ર પણ મળ્યો. હવે તારી શરદી મટવામાં હશે.
નવાં વર્ષની શુભેચ્છાઓ.
શુભેચ્છક, સુભાષ.’
•
નેપલ્સ
૨૦-૧-૧૯૩૫
પ્રિય મિત્ર શેન્કલ,
નેપલ્સ સકુશળ પહોંચી ગયો તે જણાવવા આ પત્ર લખું છું. મૌસમ ખરાબ હોવાથી અહીં રોકાઈ ગયો છું. વિયેના જતાં પહેલાં એક સપ્તાહ અહીં રોકાઈશ. ઈટલીની રેલવે વિદેશી પ્રવાસીઓને પચાસ ટકાની રાહત આપે છે. મને કુશળ અંતર એક્સેલસિયર હોટેલના સરનામે મોકલજે.
અહીંથી હું પોંપાઈ ગયો હતો. આજે સોલફાલારા જ્વાળામુખી જોવા માટે જઈશ, અત્યારે તે જ્વલંત સ્થિતિમાં છે!
તારો શુભેચ્છક,
સુભાષ
•
નેપલ્સ
૨૨-૧-૧૯૩૫
સમય - ચાર.
લખું છું અહીં અને પોસ્ટ રોમમાં કરીશ. ત્રણ દિવસ ભાષણ કર્યું. પોંપાઈ, સોલફાલારા, વિસુવિયસ, સંગ્રહાલય વગેરે નિહાળ્યાં.
નેપલ્સની બરફવર્ષા વિશે તને આશ્ચર્ય થશે. છેલ્લા ત્રીસ વર્ષમાં આટલો બરફ પડ્યો નથી! એટલે વિસુવિયસ ફરી વાર જવાને બદલે વિયેનાની ટિકિટ ખરીદી લીધી છે.
તારો પત્ર મળતાં આનંદ થાય છે. મારે હિન્દુસ્તાન જલ્દીથી છોડવું પડ્યું હતું. છેલ્લી ઘડી સુધી અહીં આવવા વિશે મને ખબર નહોતી! સ્વામી વિવેકાનંદની ‘થોટ્સ ઓફ વેદાન્ત’ તારા માટે.
મારા લેખો વાંચી શકે છે?
એસ. સી. બોઝ
•
રોમ
૩૧-૧૧-૧૯૩૪
પ્રિય સુશ્રી શેન્કલ
તારો પત્ર મળ્યો. આનંદપૂર્વક વાંચ્યો. મારી રોમ-સફર સારી થઈ. ઘણી બધી વાર અમે વાદળોની ઊપર ઊડ્યાં અને તાપમાં ન્હાયાં, નીચે પૃથ્વી ધુમ્મ્સથી ઢંકાયેલી નિહાળી.
અઢી કલાકે વેનિસ પહોંચી ગયા.
હું તને કાગળ કે બોક્સ પાછા મોકલવાનું કહું ત્યારે કાગળનો નાનો સરખો ટુકડો પણ નષ્ટ કરી નાંખજે. દરેક લેખ, દરેક પત્રો. માત્ર મુક્તિ પુસ્તકો જ મોકલજે. ફ્રેન્ચ ભાષા શીખવાનું ચાલુ રાખજે. કવરમાં મેં તને ૨૧૦ શિલિંગ આપ્યા તેમાંથી શક્ય હોય તો ટાઈપરાઈટર ખરીદજે. પુસ્તકનાં પ્રૂફ અને બીજી સામગ્રી ભૂલો રાખ્યા વિના મોકલી આપી હશે.
વિતેલી રાતે સવારના સાડા છ સુધી પુસ્તક લખ્યું એટલે બિલ્કુલ ઊંઘ લઈ શક્યો નહીં.
તારો
સુભાષચંદ્ર બોઝ
•
વેનિસ
તા. ૧-૧૨-૧૯૩૪
હમણાં ૧-૩૦ pm અહીં પહોંચ્યો.
એસ. સી. બોઝ
•
એથેન્સ
ટેલિગ્રામ મળ્યો. એક પુસ્તકની પ્રત મોકલી છે, બીજીમાં સંમતિના હસ્તાક્ષર જરૂરી નથી.
•
ઈજિપ્ત
૧-૧૨-૩૪
પિરામિડ, મસ્જિદ, સ્તૂપ નિહાળ્યા. ૪૦૦૦ વર્ષ પુરાણા છે. હવે હું પૂર્વના હૃદયમાં પ્રવેશી ગયો! યુરોપમાં આવો ચમકતો સૂર્ય ઓછો નિહાળવા મળે.
કાલે સવારે વળી વિમાન-સફર શરૂ થશે.
એસ. સી. બોઝ
•
(ક્રમશઃ)

