જયપુરઃ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’નું શૂટિંગ જયપુરમાં ચાલી રહ્યું હતું. કરણી રાજપૂત સેનાના જિલ્લા પ્રમુખ નારાયણ દિવરાલાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કરણી સેનાના યુવાનો જયગઢ કિલ્લામાં ૨૭મી જાન્યુઆરીએ સવારે ઘૂસી આવ્યા. આ યુવાનોએ સેટ પર તોડફોડ સહિત સંજયને થપ્પડો મારીને તેના વાળ ખેંચી લીધા હતા. સેનાના યુવાનોએ ફિલ્મમેકર પર આરોપ મૂક્યો છે કે, રાજપૂતાના રાણી પદ્માવતીની કથાને તોડી-મરોડીને સંજય ફિલ્મ બનાવી રહ્યા છે. કરણી સેનાનો એ પણ આરોપ છે કે પદ્માવતીનું પાત્ર ભજવતી દીપિકા પદુકોણ અને અલાઉદ્દિન ખિલજીની ભૂમિકા ભજવી રહેલા રણવીર સિંહ વચ્ચે પ્રેમદૃશ્યો ફિલ્માવાયા છે. સપનાંમાં પણ આવા દૃશ્યો ઇતિહાસને ખરડી શકે છે.
કરણી સેનાનું કહેવું છે કે, પદ્માવતીને વીરાંગના તરીકે યાદ કરાય છે અને ફિલ્મમાં તેના કોઈ પણ પ્રકારના પ્રેમદૃશ્યો હોવા ન જોઈએ. તેથી ભણસાલીએ ફિલ્મનું નામ બદલી નાંખવું જોઈએ અને ફિલ્મમાંથી રાણી અંગેના તમામ સીન જ હટાવી લેવા જોઈએ. આ સાથે વિશ્વ હિંદુ પરિષદે પણ જણાવ્યું હતું કે, જો ફિલ્મમાં રાણીની છબિ ખરડાય તેવું કંઈ પણ હશે તો તેના ગંભીર પરિણામ ભોગવવા સંજય લીલા ભણસાલીએ તૈયાર રહેવું પડશે. વિહિપની મહિલા શાખા માતૃશક્તિની પ્રમુખ મીનાક્ષીતાઈ પેશવે અને દુર્ગાવાહિનીનાં રાષ્ટ્રીય સંયોજિકા માલા રાવલે સંયુક્ત નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ઇતિહાસના નામે ધંધો કરનાર ફિલ્મકારો રાજસ્થાનની ગૌરવશાળી રાજપૂત પરંપરાનું અપમાન કરે તે સહન નહીં કરાય.
સુશાંતે રાજપૂત અટક ફગાવી
કરણી રાજપૂતોએ ‘પદ્માવતી’ના સેટ પર ધમાલ કર્યા પછી ફિલ્મના સમર્થનમાં ટ્વિટ કરી હતી કે, હું મારા નામ સાથેથી રાજપૂત અટક દૂર કરું છું. કોઈ પણ કલાકાર સાથે આવું ગેરવર્તન ગેરવાજબી છે.
સંજયનો ખુલાસો
કરણી રાજપૂતો અને વિહિપના ફિલ્મ પ્રત્યેના વલણ પછી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ ફિલ્મના દૃશ્યો વિશે ચોખવટ કરતાં કહ્યું છે કે, ફિલ્મમાં રાણીની છબિને નુક્સાન પહોંચે એવો એક પણ સીન ફિલ્માવાયો જ નથી અને ફિલ્માંકન થવાનો જ નથી. ત્યાં સુધી કે મુસ્લિમ રાજા અલાઉદ્દિન ખીલજીના સ્વપ્ન સ્વરૂપે પણ તેના અને રાણી પદ્માવતીના પ્રેમદૃશ્યો ફિલ્મમાં નહીં હોય.
ફિલ્મમેકરના આ નિવેદન પછી જોકે રાજપૂતો થોડા ઠંડા પડ્યાનું કહેવાય છે. અલબત્ત રાજપૂત કરણી સમાજે ફિલ્મ બને એ પછી પ્રથમ જોયા બાદ રિલીઝ કરવાની પરવાનગી આપવાની માગ કરી છે. આ ઉપરાંત ફિલ્મનું નામ બદલવાનું સૂચન કર્યું છે.

