કેલિફોર્નિયાઃ ૧૭ વર્ષના ભારતીય-અમેરિકન વિદ્યાર્થી શાલીન શાહે ગ્લુકોમા એપ વિકસાવવા બદલ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES) કન્વેન્શનના મોબાઈલ એપ્સ શોડાઉનમાં ‘Young Innovator to Watch’ એવોર્ડ હાંસલ કરી નામના પ્રાપ્ત કરી છે. શાલીન રાન્ચો સાન્ટા માર્ગારિટા, સધર્ન કેલિફોર્નિયાની ટેસોરો હાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે. શાલીનનું લુમોસ એપ લોકોને તેમની ગ્લુકોમાની તકલીફના પરીક્ષણમાં મદદરૂપ બની શકશે. આ મોબાઇલ એપ લોકોને પરવડે તેવી છે, જેમાં શાલીને વિકસાવેલો ૩૦ ડોલરનો લેન્સ છે, જેનાથી વ્યક્તિને ગ્લુકોમાના પરીક્ષણમાં મદદ મળશે.
મોબાઈલ એપ્સ શોડાઉનના નિવેદન અનુસાર, શોડાઉનમાં વિજેતા ચાર ટીનેજર્સમાંથી એક શાલીન શાહને ૨૦૦૦ ડોલર અને હાઈ-ટેક ગિયર, લાસ વેગાસમાં CESની મુલાકાત, આંતરરાષ્ટ્રીય સન્માન તેમજ ભારે પ્રચાર કરાયેલા એવોર્ડ સમારંભમાં ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ, જર્નાલિસ્ટ્સ અને વગદાર લોકોને મળવાની તક સાંપડશે. શાલીનના માતા એકાઉન્ટન્ટ છે અને પિતા કેમિસ્ટ છે. તેઓ ૧૯૯૯માં ભારતથી અમેરિકા આવ્યાં હતા. ઓરેન્જ કાઉન્ટી રજિસ્ટરના રિપોર્ટ અનુસાર અંધ લોકોની સ્વૈચ્છિક સેવાના કામમાં જોડાયા પછી શાલીનને આ એપનો વિચાર આવ્યો હતો. તેણે UCI મેડિકલ સેન્ટરના ડો. આનંદ ભટ્ટના માર્ગદર્શનમાં મહિનાઓની મહેનત બાદ એપ વિકસાવી છે.
ગ્લુકોમાની તપાસ કરાવવા ડોક્ટર પાસે જવું પડે છે. શાલીને સ્માર્ટફોન સાથે જોડી શકાય અને આંખની ડિજિટલ ઈમેજ લઈ શકે તેવા લેન્સની રચના કરી હતી. શાલીને કહ્યું હતું કે, ‘આંખની ઈમેજ મેળવવા હજારો ડોલરનો ખર્ચ કરવો પડે, પરંતુ મારો લેન્સ ફક્ત ૩૦ ડોલરમાં પડતો હોવાથી પરવડી શકે તેવો છે.’
શાહે જણાવ્યું હતું કે, ‘હું હંમેશા CES જવાનું પસંદ કરું છું કારણ કે ટેકનોલોજી કઈ દિશામાં જઈ રહી છે તે જાણવા મળે છે. તે ભવિષ્યની ઝાંખી કરાવે છે. જે લોકો આવું કાર્ય કરી રહ્યા હોય તેમજ મારા પ્રોજેક્ટને વિસ્તારવામાં મદદરૂપ બની શકે તેમને મળી શકાય.’

