છ એવોર્ડ સાથે ‘લા લા લેન્ડ’નો ઓસ્કારમાં દબદબોઃ બેસ્ટ ફિલ્મ ‘મૂનલાઈટ’

Wednesday 01st March 2017 05:38 EST
 
ઓસ્કાર વિજેતા મહેરશલા અલી, એમા સ્ટોન, વિઓલા ડેવિસ અને એન્ડ્રુ ગાર્ફિલ્ડ
 

ઓસ્કાર એવોર્ડ સમારંભમાં આ વર્ષે બેસ્ટ ફિલ્મ તરીકે ‘મૂનલાઈટ’ મેદાન મારી ગઈ છે, પણ ‘લા લા લેન્ડ’ સાથે તેની જોરદાર ટક્કર રહી હતી. એટલું જ નહીં, સમારંભમાં સ્ટેજ પર બેસ્ટ ફિલ્મની જાહેરાતમાં પણ ગોેટાળો થઈ ગયો હતો. ‘મૂનલાઈટ’ને બદલે ભૂલમાં ‘લા લા લેન્ડ’ને જ બેસ્ટ ફિલ્મ જાહેર કરી દેવાઈ હતી. જોકે ભૂલ સુધારવામાં આવી હતી. ‘લા લા લેન્ડ’ને કુલ છ ઓસ્કાર એવોર્ડ મળ્યા છે, જેમાં બેસ્ટ ડિરેક્ટર (ડેમિયન ચઝેલા) અને બેસ્ટ એક્ટ્રેસ (એમા સ્ટોન)નો સમાવેશ છે.
વોરેન બેટ્ટી અને ફેય ડનેવેએ ભૂલમાં ‘લા લા લેન્ડ’ને બેસ્ટ ફિલ્મ જાહેર કર્યા બાદ જોર્ડન હોરોવિટ્ઝે જાહેરાત કરી કે આ એવોર્ડ ‘મૂનલાઈટ’નો છે. દર્શકોને થયું કે તે મજાક કરે છે. આથી સ્થિતિ જોઈને તેણે કાર્ડમાં રહેલું લખાણ બતાવ્યું હતું કે ખરેખર ‘મૂનલાઈટ’ને જ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ગરબડ કરનારા બેટ્ટીએ ખુલાસો કર્યો કે, ખરેખર શું બન્યું તે હું કહેવા માગું છું. મેં કવર ખોલ્યું અને તેમાં એમા સ્ટોન, ‘લા લા લેન્ડ’ લખેલું હતું. આથી મેં જોર્ડન તરફ જોયું. હું બિલકુલ મજાક કરવા માગતો ન હતો. બેસ્ટ ફિલ્મની જાહેરાતમાં ગરબડ થઈ ગઈ તે માટે એકેડેમીએ માફી માગી છે. એકેડેમીએ તેના નિવેદનમાં કહ્યું છે કે વોરેન કે ફેય ડનેવેની આ ભૂલ નથી. કારણ કે તેમને ભૂલથી ખોટું કવર અપાયું હતું. આ ઘટનાની તપાસ થઈ રહી છે તેમ પણ એકેડેમીએ કહ્યું છે. ‘મૂનલાઈટ’ ફિલ્મની સ્ટોરી ટેરેલ ઓલ્વીન મેકક્રેનીના આત્મકથારૂપ નાટક ‘ઈન મૂનલાઈટ બ્લેક બોય્ઝ લૂક બ્લૂ’ પરથી બની છે. મિયામીમાં રહેતા એક યુવાન અશ્વેત પુરુષની પાડોશી સાથેના તેના જાતીય સંબંધના વિષય આધારિત આ ફિલ્મ છે.
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા, એક્ટર દેવ પટેલ, સન્ની પવાર પણ ઓસ્કાર એવોર્ડમાં દેખાયા હતા. પ્રિયંકા ચોપરા એવોર્ડ સેરેમનીમાં રાલ્ફ એન્ડ રુસો ગાઉનમાં સજ્જ હતી.
મહેરશલા અલી ઓસ્કાર જીતનાર પ્રથમ મુસ્લિમ
ફિલ્મ ‘મૂનલાઈટ’માં નશીલી દવાઓનો કારોબાર કરનારા માણસની ભૂમિકા માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે મહેરશલા અલીને ઓસ્કાર એનાયત થયો છે. ઓસ્કાર જીતનારો તે પ્રથમ મુસ્લિમ છે. ૪૩ વર્ષીય અલીને અભિનેત્રી એલિશીયા વિકેન્ડરે આ એવોર્ડ એનાયત કર્યો હતો. એલિશીયાને ગયા વર્ષે સર્વશ્રેષ્ઠ સહઅભિનેત્રી તરીકે ઓસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. અલીને એવોર્ડ મળ્યા પછી તેણે કહ્યું હતું કે, હું મારા શિક્ષકો તથા પ્રોફેસર્સને થેંક યુ કહેવા માગું છું. તેઓએ કહ્યું હતું કે, તારું આ પાત્ર ખૂબ જ દમદાર હતું.
ઓસ્કારમાં છવાયા ટ્રમ્પવિરોધી ભાષણો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં આ વખતે પ્રથમ ઓસ્કાર એવોર્ડ સમારંભ યોજાયો હતો. આથી સ્વાભાવિક રીતે જ તેમાં રાજકીય રંગ દેખાય. ઓસ્કાર એવોર્ડ માટે સૌ પ્રથમવાર હોસ્ટ તરીકે કામ કરનારા જીમી કિમેલે ટ્રમ્પ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. કિમેલે કહ્યું હતું કે, આ એવોર્ડ સમારંભ લાખો અમેરિકનો અને ૨૨૫થી વધુ દેશના લોકો જોઈ રહ્યા છે જે આપણને ધિક્કારી રહ્યા છે.
હું પ્રેસિડેન્ટ ટ્રમ્પનો આભારી છું. મારો મતલબ એ છે કે ગયા વર્ષે એવું લાગતું હતું કે ઓસ્કાર એવોર્ડ્સમાં વંશવાદ છે કે કેમ? ફિલ્મો માટે અદભુત વર્ષ રહ્યું. અશ્વેત લોકોએ નાસાને બચાવી લીધું અને શ્વેત લોકોએ જાઝને બચાવી લીધું. આ જ પ્રગતિ છે. ત્યાર પછી કિમેલે ટ્રમ્પના મેરિલ સ્ટ્રીપ વિશેના ટ્વીટનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કટાક્ષ કરીને ટ્રમ્પની ટીકા અને મેરિલના વખાણ કર્યા હતા. ત્યારબાદ મેરિલને સ્ટેન્ડિંગ ઓવેશન પણ અપાવ્યું હતું. સમારંભના આરંભમાં બેસ્ટ મેક અપ અને હેરસ્ટાઈલિંગ માટે ઓસ્કાર જીતનારા ઈટાલિયન કલાકાર પૈકી એક કલાકારે પણ ટ્રમ્પ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, હું ઈમિગ્રન્ટ છું અને આ ઓસ્કાર ઈમિગ્રન્ટ્સને અર્પણ કરું છું.
ઓડિયન્સે તેના આ નિર્ણયને વધાવી લીધો હતો. બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિચર માટે ઓસ્કાર મેળવનારા એઝરા એડલમેનને ટ્રોફી અપાઈ ત્યારે તેણે પણ કહ્યું હતું કે, પોલીસના અત્યાચારનો ભોગ બનેલા, પોલીસની ક્રૂરતાનો ભોગ બનેલા અને ક્રિમિનલ અન્યાયનો ભોગ બનનારા લોકો વતી તે આ એવોર્ડ સ્વીકારે છે. આ તેમની જ સ્ટોરી છે તેમ તેમણે કહ્યું હતું. મેક્સિકન એક્ટર-ડિરેક્ટર ગાયેલ ગાર્સિયાએ ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિનો વિરોધ કરીને કહ્યું કે માનવીને અલગ કરતી કોઈપણ દીવાલનો તે વિરોધ કરે છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અમેરિકા-મેક્સિકો સરહદ પર દીવાલ ચણી દેવાની જાહેરાત કરી દીધી છે. ઈરાનના ફિલ્મ નિર્દેશક અસગર ફરહાદીની ફિલ્મ ‘સેલ્સમેન’ને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ઓસ્કાર મળ્યો હતો. અસગરે કહ્યા મુજબ જ તેઓ એવોર્ડ મેળવવા અમેરિકા ગયા ન હતા. તેમનું નિવેદન વાંચવામાં આવ્યું હતું, જેમાં તમણે કહ્યું હતું કે છ મુસ્લિમ દેશો પર પ્રતિબંધ મૂકવામાં આવે અને હું હાજર રહું તે મારા દેશવાસીઓનું અપમાન છે.

•••

ઓસ્કાર એવોર્ડસની યાદી

• બેસ્ટ ફિલ્મઃ મૂનલાઈટ • શ્રેષ્ઠ અભિનેતાઃ કૈસી એફ્લેક (મેન્ચેસ્ટર બાય ધ સી) • શ્રેષ્ઠ અભિનેત્રીઃ એમા સ્ટોન (લા લા લેન્ડ)  • શ્રેષ્ઠ નિર્દેશકઃ ડેમિયન ચઝેલા (લા લા લેન્ડ) • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ વિઓલા ડાવિસ (ફેંસ) • શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ મહેર્શાલા અલી (મૂનલાઈટ) • શ્રેષ્ઠ પટકથાઃ માન્ચેસ્ટર બાય ધ સી • બેસ્ટ સ્ક્રીનપ્લેઃ મૂનલાઈટ • શ્રેષ્ઠ ગીતઃ સિટી ઓફ સ્ટાર્સ (લા લા લેન્ડ) • બેસ્ટ ઓરિજિનલ સ્કોરઃ લા લા લેન્ડ • બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ લા લા લેન્ડ • બેસ્ટ એનિમેટેડ ફિચરઃ જુટોપિયા • બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મઃ પિપર • શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મઃ ધ સેલ્સમેન • બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિચરઃ એજરા એડલેમેન અને કેરોલિન વોટરલો • બેસ્ટ વિઝુઅલઃ ધ જંગલ બૂક • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનઃ લા લા લેન્ડ • બેસ્ટ સાઉન્ડ એડિટિંગઃ અરાઈવલ શ્રેષ્ઠ સાઉન્ડ મિક્સિંગ - હૈક્સો રિઝ • બેસ્ટ મેકઅપ એન્ડ હેરઃ સુસાઈડ સ્ક્વોડ • બેસ્ટ ડ્રેસ ડિઝાઈનઃ ફેંટાસ્ટિક બિસ્ટ અને વેર ટુ ફાઈન્ડ ધેમ

•••


    comments powered by Disqus