મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામના રાજકીય સૂચિતાર્થ

Tuesday 28th February 2017 15:47 EST
 

મહારાષ્ટ્રમાં પાલિકા ચૂંટણીઓના પરિણામો શાસક ભાજપ, વિપક્ષ કોંગ્રેસ, મુંબઇ ‘પોતીકું હોવાનો’ દાવો કરતી શિવ સેના અને મુંબઇને ‘પોતીકું બનાવવા’ માટે હવાતિયાં મારી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) એમ સહુ કોઇ માટે આગવા રાજકીય સંકેત લઇને આવ્યા છે. ભાજપ માટે પરિણામો ઉત્સાહવર્ધક છે, શિવ સેના માટે ચેતવણીદર્શક છે અને કોંગ્રેસ માટે અનહદ ચિંતાજનક. આંગળીના વેઢે ગણાય તેટલી બેઠકો પર સમેટાઇ ગયેલી ‘મનસે’ને તો જાણે પ્રજાએ કહી જ દીધું છે કે ‘રાજ’ તો બસ તમારા નેતાના નામ પૂરતું સીમિત રહે તે જ મોટી જનસેવા છે.
બૃહદ મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)માં શિવ સેના ભલે ૮૪ બેઠકો મેળવીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હોય, પરંતુ ૨૨૭માંથી ૮૨ બેઠકો સાથે ભાજપ પણ મજબૂત બનીને ઉભર્યો છે. ૧૦ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઇ હતી, જેમાંથી આઠમાં ભાજપ નંબર વન છે. માત્ર મુંબઇ અને થાણેમાં શિવ સેના પહેલા સ્થાને છે.
મહારાષ્ટ્રમાં ૧૦ કોર્પોરેશન, ૨૫ જિલ્લા પરિષદ અને ૨૮૩ પંચાયતોની ચૂંટણીમાં ભાજપે જ્વલંત દેખાવ કર્યો છે. પરિણામને ટકાવારીની દૃષ્ટિએ મૂલવીએ તો ભાજપની બેઠકોમાં ૧૭૫ ટકા વધારો નોંધાયો છે. પરિણામોના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશનોમાં ભાજપને મળેલી મળેલી કુલ ૪૩૧ બેઠકો કરતા અડધે (૨૦૪) શિવસેના છે અને કોંગ્રેસને તો એનાથી ય અડધી - ૧૦૨ બેઠકો મળી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓથી કોંગ્રેસ સંકોચાઇ રહી છે, અને ચૂંટણી દર ચૂંટણી આ પ્રમાણ વધી રહ્યું છે. રાજયો તો એના હાથમાંથી સરક્યા જ છે, પરંતુ પંચાયતો અને પાલિકાઓમાં પણ વર્ચસ ઘટતું જાય છે.
મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે શુભ સંકેત નથી જ નથી. લોકસભા ચૂંટણીમાં કારમી પછડાટ પછી પણ કોંગ્રેસ જાતને સંભાળી શકી નથી તે વાતનો પુરાવો આ ચૂંટણી પરિણામો પરથી મળે છે. પહેલાં મહારાષ્ટ્ર તથા હરિયાણા, અને પછી અસમમાં પક્ષને સત્તા ગુમાવવી પડી છે. મહારાષ્ટ્રની સ્થાનિક નગરપાલિકાઓની ચૂંટણીમાં તો કોંગ્રેસને અનેક શહેરોમાં ત્રીજું-ચોથું સ્થાન મેળવીને સંતોષ માનવો પડ્યો છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસને સમાજવાદી પાર્ટી સાથે યુતિ રચીને ચૂંટણી લડવી પડી છે. આજે સ્થિતિ એવી છે કે એકમાત્ર કર્ણાટકને બાદ કરતાં કોઇ મોટા રાજ્યમાં કોંગ્રેસના હાથમાં સત્તા નથી. કોંગ્રેસ માટે સવાલ માત્ર સત્તાનો જ નથી, પક્ષના નબળા સંગઠનનો પણ છે. પક્ષના નાના-મોટા તમામ નેતાઓ જૂથબંધીમાં વ્યસ્ત થઇને પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે. ‘પક્ષે ચૂંટણીમાં ઉતારેલા ઉમેદવારનું કે પક્ષનું જે થવાનું હોય તે થાય, હું મારા નીતિરીતિમાં કોઇ બાંધછોડ નહીં કરું’ - નેતાઓની આવી સ્વાર્થી નીતિ જ પક્ષને ખાડે લઇ ગઇ છે. મહારાષ્ટ્રની હાર પણ પક્ષની અંદર જ જામેલી ટાંટિયાખેંચનું પરિણામ છે. મુંબઇ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય નિરુપમ અને પક્ષના વરિષ્ઠ નેતા ગુરુદાસ કામત વચ્ચેની ખેંચતાણ તો જગજાહેર છે. રાજ્યમાં કોંગ્રેસને મજબૂત બનાવવાની નૈતિક જવાબદારી જેમના શિરે છે તેવા બે મોટા ગજાના નેતાઓ જ એકબીજાને નીચાજોણું કરાવવામાં વ્યસ્ત રહેતા પાયાના કાર્યકરો પાસેથી નિષ્ઠાપૂર્વકના પ્રયાસોની અપેક્ષા પણ કઇ રીતે રાખી શકાય?
અધૂરામાં પૂરું, દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે રાહુલ ગાંધી હજુ પરિપકવ ન હોવાનો મુદ્દો ઉઠાવીને નવી જ ચર્ચા છેડી છે. રાજકારણમાં દોઢ દસકાનો અનુભવ કંઇ નાનોસૂનો સમયગાળો નથી. કોંગ્રેસ દેશનો સૌથી જૂનો પક્ષ છે અને અને દેશના લોકતંત્રને આગળ વધારવામાં તેનું ખાસ્સું યોગદાન રહ્યું છે. ચઢતી-પઢતી તો જીવનનું અભિન્ન અંગ છે. દરેક રાજકીય પક્ષની જેમ કોંગ્રેસ પણ આજે કપરા કાળમાંથી પસાર થઇ રહી છે. પરંતુ અફસોસની વાત એ છે કે આ કપરો સમય પૂરો ક્યારે થશે તેનો કોઇને અંદાજ નથી. વર્ષોજૂનો પક્ષ આજે ગાંધી પરિવાર કેન્દ્રીત બનીને રહી ગયો છે. પરિણામે પક્ષમાં બીજી હરોળના નેતાઓની ખોટ પણ વર્તાવા લાગી છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ ૧૧ માર્ચે આવી જશે. આમાં કોંગ્રેસનો દેખાવ ઝમકદાર રહેવાની શક્યતા બહુ ઓછી હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે. આ પછી ગુજરાત, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ જશે. આ સંજોગોમાં કોંગ્રેસના નેતૃત્વએ (મતલબ કે ગાંધી પરિવારે) આત્મમંથન કરવું જ રહ્યું. પક્ષનું નેતૃત્વ ખામીઓ દૂર કરીને કાર્યકર્તાઓમાં જોશ અને ઉત્સાહનો સંચાર કરવામાં નિષ્ફળ રહ્યા તો આગામી દિવસોમાં કોંગ્રેસની હાલત વધુ કફોડી બનશે તેમાં બેમત નથી.


comments powered by Disqus