મુંબઈઃ મહારાષ્ટ્રમાં ૧૦ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૨૫ જિલ્લા પરિષદ અને ૨૮૩ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે જ્વલંત સફળતા હાંસલ કરી છે. સૌથી મહત્ત્વની બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ચૂંટણીમાં શિવ સેનાને સૌથી વધુ ૮૪ બેઠક મળી છે. તો ભાજપ તેનાથી માત્ર બે બેઠક પાછળ રહ્યો છે.
તમામ પાલિકાઓમાં કોંગ્રેસનો લગભગ સફાયો થઈ ગયો છે. શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નું જોર નબળું પડી ગયું છે તો રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ને પણ હાર વેઠવી પડી છે.
લાંબા અરસા પછી ભાજપ અને શિવ સેના એકબીજાની સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ ૨૨૭ બેઠકો ધરાવતી બીએમસી માટે લોકોએ જે પ્રકારે ચુકાદો આપ્યો છે તે જોતાં લાગે છે કે બન્નેએ ફરી એક વખત યુતિ માટે હાથ મિલાવવા પડશે. જોકે, ભાજપે સંકેત આપ્યો છે કે તે અપક્ષો સાથે મળીને સત્તા કબજે કરશે. તો બીજી તરફ, શિવ સેનાએ દાવો કર્યો છે કે મેયર પદ તો કોઇ પણ ભોગે તે જ મેળવશે.
૧૦ પૈકી આઠ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મુંબઈ અને થાણેમાં શિવ સેના સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો છે. જિલ્લા પરિષદની કુલ ૧૫૧૪ બેઠકોમાંથી જાહેર થયેલી ૧૨૨૩માં ભાજપના ફાળે ૩૪૧, શિવ સેનાના ફાળે ૨૧૩ બેઠકો, એનસીપીને ૩૦૪ બેઠકો અને કોંગ્રેસને ૨૪૬ બેઠકો મળી છે.
બીએમસીઃ સૌથી મોટી મહાનગરપાલિકા
દેશની સૌથી મોટી નગરપાલિકા બૃહદ મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)નું કુલ બજેટ અંદાજે ૪૦ હજાર કરોડ રૂપિયા છે. ૨૩ ફેબ્રુઆરીએ સવારે શરૂઆતના પરિણામ આવ્યાં ત્યારે જણાતું હતું કે શિવ સેના બીએમસી પર એકલા હાથે કબજો કરશે. જોકે દિવસ ચઢતા ભાજપે ઝડપથી બેઠકો કબજે કરવા માંડી અને છેલ્લે તો લગોલગ આવી ગયો.
કુલ ૨૨૭ બેઠકો પૈકી શિવ સેનાને ૮૪ અને ભાજપને ૮૨ બેઠકો મળી છે. કોઈ પણ પક્ષને સાદી બહુમતી માટે જરૂરી ૧૧૪ કોર્પોરેટરોનું સંખ્યાબળ મળ્યું નથી. બીએમસીમાં કોંગ્રેસ ત્રીજા ક્રમે રહી છે, પરંતુ તેને માત્ર ૩૦ બેઠક મળી છે. નબળા પરિણામને પગલે મુંબઈ કોંગ્રેસના પ્રમુખ સંજય નિરુપમે રાજીનામું આપી દીધું છે. એનસીપીને માત્ર ૧૦ બેઠક મળી છે. રાજ ઠાકરેની મનસે બે આંકડામાં પણ પહોંચી શકી નથી. અસદુદ્દીન ઓવૈસીના પક્ષને ત્રણ બેઠક મળી છે.
ભાજપની બેઠકો વધી, બીજા બધાની ઘટી
વર્ષ ૨૦૧૨માં યોજાયેલી બીએમસીની ચૂંટણીમાં શિવ સેનાને ૮૯ બેઠક મળી હતી. આમ તેની બેઠક ઘટી છે. ભાજપની માત્ર ૩૨ બેઠક હતી, જેમાં અઢી ગણો વધારો થઈ ગયો છે. કોંગ્રેસની ૫૧ બેઠક હતી, જે ઘટીને ૩૧ થઈ ગઈ છે. એનસીપીની ૧૪ બેઠક હતી, જે ઘટીને ૧૦ અને મનસેની ૨૮ બેઠક હતી, જે ઘટીને સાત થઈ ગઈ છે. ચૂંટણી અગાઉ મુંબઈ અને થાણેમાં શિવ સેના અને ભાજપનું સંયુક્ત શાસન હતું.
નાસિકની કોર્પોરેશન રાજ ઠાકરેની ‘મનસે’ના કબજામાં હતી. નાગપુર, અકોલા ભાજપના કબજામાં હતા, જ્યારે પિમ્પરી-ચિંચવડ, પુણે અને ઉલ્હાસપુર એ ત્રણ કોર્પોરેશન એનસીપીના કબજામાં હતા. કોંગ્રેસ સોલાપુર અને અમરાવતીમાં સત્તા પર હતી. થાણે શિવ સેનાએ જાળવી રાખ્યું છે. કોંગ્રેસને ચાર કોર્પોરેશનમાં તો ૧૦થી પણ ઓછી બેઠક મળી છે, એનસીપીને સાત કોર્પોરેશનમાં ૧૦થી ઓછી બેઠક મળી છે.
પિંપરી-ચિંચવડમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી, જ્યારે એનસીપીને અમરાવતીમાં એક પણ બેઠક મળી નથી. શિવ સેનાને પણ ચાર કોર્પોરેશનમાં ૧૦થી ઓછી બેઠક મળી છે અને એકમાં ૧૦ બેઠક મળી છે.
ભાજપનો વિજય પારદર્શકતા અંગેનો ચુકાદો
ભાજપની પ્રચંડ સફળતા અંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ વિજય પારદર્શકતા અને નોટબંધીના નિર્ણયની તરફેણમાં છે. લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણય અને રાજ્યમાં પારદર્શક વહીવટને આવકાર્યા છે. અમારી રાજનીતિ વિશ્વાસ અને પારદર્શકતાની રાજનીતિ છે. ૨૫ વર્ષમાં આવું પરિણામ આવ્યું નથી.
મેયર જ નહીં, મુખ્ય પ્રધાન પણ શિવ સેનાનાઃ ઉદ્ધવ
શિવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપની સફળતામાંથી બોધ લેવાને બદલે પોતે જ સર્વોપરી હોય તેવું નિવેદન કર્યું છે. તેમણે દાવો કર્યો હતો કે મુંબઈના મેયર તો શિવ સેનાના જ હશે, પરંતુ આગામી મુખ્ય પ્રધાન પણ શિવ સેનાના જ હશે. પક્ષે સારું પ્રદર્શન કર્યું હોવાનું કહીને ઉદ્ધવે કહ્યું કે આ વખતે મુસ્લિમોએ શિવ સેનાની તરફેણમાં મતદાન કર્યું છે. ઉદ્ધવે મુખ્ય પ્રધાન પણ શિવ સેનાના હશે તેવું નિવેદન કરીને રાજ્યમાં નવેસરથી ચૂંટણી યોજાય શકે છે તેવો અણસાર આપ્યો છે.
•••
૨૮ ગુજરાતી ઉમેદવારો જીત્યા
મુંબઈઃ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતી મતદારોએ નિર્ણાયક ભૂમિકા ભજવ્યાનું રાજકીય નિષ્ણાતોનું માનવું છે. મહારાષ્ટ્રમાં વસતાં ગુજરાતીઓએ જ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા હતા. આથી ભાજપે શિવ સેનાથી માત્ર બે ઓછી બેઠક મેળવી છે. પાલિકાની ચૂંટણીમાં કુલ ૨૮ ગુજરાતી ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે. એમાં એક શિવ સેનાના ઉમેદવારનો સમાવેશ થાય છે. મુંબઈમાં સૌથી વધુ અને વિક્રમજનક મતથી બોરીવલીના ભાજપના નગરસેવક તથા ઉમેદવાર પ્રવીણ શાહ ૧૯૫૫૬ મતથી ચૂંટાઈને આવ્યા હતા.
બોરીવલીમાં વોર્ડ નં. ૧૫થી વર્તમાન નગરસેવક તથા ત્રીજી ટર્મ માટે ચૂંટાઈને આવેલા પ્રવીણ શાહને બોરીવલી જનતાએ ૧૯૫૫૬ મતોથી વિજયી બનાવ્યા હતા. વોર્ડ નં. ૧૫માં ૫૪,૩૭૧ મતદારો પૈકી ૩૧,૧૭૭ મતદારોએ મતદાન કર્યું હતું. એમાંથી પ્રવીણ શાહને ૨૨,૮૬૦ મત મળ્યા હતા. તેમના નજીકના પ્રતિસ્પર્ધી પરેશ સોનીને ૩૩૦૪ મત મળતાં પ્રવીણ શાહ ૧૯,૫૫૬ મતની સરસાઈથી જીતી ગયા હતા.
૨૫ વર્ષથી નગરસેવક પદ પર બિરાજમાન ભાજપના સીનિયર નગરસેવક ડો. રામ બારોટ મલાડથી છઠ્ઠી વખત ભારે મતોથી એટલે કે ૧૦,૭૯૮ની સરસાઈથી ચૂંટાઈને આવ્યા છે. તેઓ વર્ષ ૧૯૯૨થી ૨૦૧૨ સુધી પાંચ ટર્મ અને હવે વર્ષ ૨૦૧૭થી શરૂ થતી પાલિકાની નવી ટર્મમાં ફરી ચૂંટાઈને આવતાં પાલિકામાં સૌથી સીનિયર નગરસેવક બનશે.
આ સિવાય દહિંસર (પૂર્વ)થી જગદીશ ઓઝા, બોરીવલીથી હરેશ છેડા, જીતેન્દ્ર પટેલ, બીના દોશી, કાંદિવલી (પશ્ચિમ)થી લીના પટેલ દેહેલકર મલાડથી સેજલ દેસાઈ, દક્ષા પટેલ, ગોરેગામથી સૌથી યુવાન ઉમેદવાર હર્ષ ભાર્ગવ પટેલ, સંદીપ પટેલ, અંધેરી (પશ્ચિમ)થી રેણુ હંસરાજ, સુનીતા મહેતા, હેતલ શાહ ચૂંટાઈને આવ્યા છે.
હર્ષ પટેલ બાબત તો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવા શબ્દો ઉચચાર્યા હતા કે શિવ સેનાવાળા ભલે હાર્દિક પટેલને બોલાવે તેની સામે અમારો હર્ષ પટેલ કાફી છે. મુલુંડમાં ભાજપના સાંસદ કીરીટ સોમૈયાએ તનતોડ મહેનત કરીને ત્યાંની છએ છ બેઠક ભાજપને જીતાડી આપી હતી. એમાં ગુજરાતી ઉમેદવારમાં પાલિકાના ગ્રૂપ લીડર તથા સતત બે ટર્મથી ચૂંટાઈને આવેલા મનોજ કોટક, નીલ સોમૈયા સમાવેશ થાય છે. ઘાટકોપરથી પરાગ શાહ અને બિંદુ ત્રિવેદી જીત્યા હતા.
વૈભવશાળી વિસ્તાર તરીકે જાણીતા મલબાર હિલથી જ્યોત્સના મહેતા ચૂંટાઈને આવ્યા હતા. તેમની બીજી મદત માટે ચૂંટાઈને આવ્યા છે. આ સિવાય ભાજપના નેહલ શાહ, મલબાર હિલથી મીનલ પટેલ, ઠાકુરદ્વાર-ગિરગામથી રીટા મકવાણા, ભુલેશ્વર-કુંભારવાડાથી અતુલ શાહ, અંધેરીથી કેસર પટેલ અને તેમના પત્ની મુરજ પટેલ ચૂંટાઈને આવ્યા હતા. જ્યારે જોગેશ્વરીથી શિવ સેનાના ભૂતપૂર્વ નગરસેવક તથા ઉમેદવાર રાજુલ પટેલ ચૂંટાઈને આવ્યા છે. શિવ સેનાએ ઊભા રાખેલા નવ પૈકી એક ગુજરાતી ઉમેદવાર ચૂંટાઈને આવી હતી.
•••
ચૂંટણીમાં શિવ સેનાએ છેડો ફાડ્યો છતાં ભાજપની બેઠકમાં ૧૭૫ ટકા વધારો
મુંબઈઃ નોટબંધી બાદ ફરી એક વાર ભાજપને મોટો ફાયદો મળ્યો છે. શિવ સેના
સાથે સંબંધ તોડ્યા બાદ મહારાષ્ટ્ર સ્થાનિક એકમોની ચૂંટણીમાં તેને ઐતિહાસિક સફળતા મળી છે. એશિયાની સૌથી શ્રીમંત (૪૦ હજાર કરોડ બજેટ)
મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં તેને ૨૨૭માંથી ૮૨ સીટ મળી છે. ગઈ વખતે ભાજપને ૩૧ સીટ મળી હતી. આમ સમગ્ર મહારાષ્ટ્રમાં આ આંકડામાં ૧૭૫ ટકાનો વધારો રહ્યો છે.
૧૦ કોર્પોરેશનોમાંથી આઠમાં તે સૌથી મોટો પક્ષ બનીને સામે ઉભરી છે. એટલું નહીં, કોર્પોરેશનોમાં તેની બેઠકો ૭૪ ટકા વધીને ૨૫૦૦ ટકા જેટલી વધી ગઇ છે. જોકે, બીએમસીમાં ૮૪ સીટ જીતીને શિવ સેના સૌથી મોટો પક્ષ બન્યો છે, પણ બહુમતી (૧૧૪)થી તે ઘણી દૂર છે. મુંબઈ સિવાય શિવ સેના થાણેમાં સૌથી મોટી પાર્ટી બની છે. કોંગ્રેસને પિંપરી ચિંચવાડમાં કોઇ સીટ નથી મળી અને રાજ ઠાકરેની એમએનએસને ૬ કોર્પોરેશનોમાં સીટ નથી મળી. કોંગ્રેસના પિંપરીમાં સૂપડાં સાફ થઇ ગયા છે. જ્યારે ચાર પાલિકામાં તે ત્રીજા નંબરે છે. રાજ ઠાકરેની એમએનએસને છ પાલિકામાં તો કોઈ સીટ મળી નથી.
• નાગપુરઃ કુલ ૧૫૧ બેઠક. ભાજપને ૧૦૮ બેઠક, એટલે કે પાછલી વખત કરતા ૭૪ ટકા વધારે. શિવ સેનાને માત્ર ૨ બેઠક.
• પૂણેઃ કુલ ૧૬૨માંથી ભાજપને ૯૮ બેઠક મળી. ૨૦૧૨માં ૨૬ બેઠક હતી. એટલે કે ૨૭૭ ટકા સીટ વધી.
• ઉલ્હાસનગરઃ કુલ ૭૮ બેઠકમાંથી છેલ્લે ભાજપ ૧૧ બેઠક પર હતી. આ વખતે ૩૨ એટલે કે ૧૯૧ ટકા વધારે સીટો જીતીને આગળ છે.
• નાસિકઃ ૧૨૨ બેઠકમાંથી ૨૦૧૨માં ભાજપ ૧૪ પર હતી. વખતે ૬૬ બેઠક એટલે કે ૩૭૧ ટકા વધુ જીતી.
• થાણેઃ કુલ ૧૩૧ બેઠકો પૈકી શિવ સેનાને ૬૭ સીટ મળી, જ્યારે ભાજપને ૨૩ બેઠક. તે પાછલી ચૂંટણી કરતાં ૧૮૭ ટકા વધારે છે.
• અકોલાઃ કુલ ૮૦ બેઠકમાંથી ભાજપે ૩૧ બેઠક જીતી. પાછલી વખતે ૧૮ બેઠક હતી. એટલે કે ૭૨ ટકા વધારે.
• અમરાવતીઃ ૮૭ બેઠકોમાંથી ભાજપે ૪૫ જીતી. ૨૦૧૨માં ૭ હતી. ૫૪૩ ટકા બેઠકો વધારે સીટ મળી.
• પિંપરી ચિંચવડઃ કુલ ૧૨૮ બેઠક, ભાજપની ત્રણ બેઠક હતી વખતે ૭૮ એટલે કે ૨૫૦૦ ટકા વધારે.

