વડીલો સહિત સહુ વાચક મિત્રો, આમ તો આપ સહુને મારા મસ્તક પર ચઢાવું છું, પણ ત્યાં બેસાડવામાં ઉભય પક્ષ માટે જોખમ તો ખરું જને? ચાલો, આવી જાવ મારા ખભ્ભા પર... આપણે માનસ-યાત્રાએ નીકળીએ.
મને મનમાં કેટલાય દિવસથી અજંપો પજવી રહ્યો છે. કારણ? આપ સહુની મારા પ્રત્યે અખૂટ કૃપાદૃષ્ટિ, અમૂલ્ય આશીર્વાદ. જો આપ માનતા હો કે હું ખૂબ સારી વ્યક્તિ છું તો એટલું જ કહી શકું કે જીવતેજીવ કોઇની કિંમત સાચી આંકી શકાતી નથી. છતાં પણ મારી મર્યાદા અને ક્ષતિ સાથે જ હું લક્ષ્મણરેખામાં રહેવા માટે સદા પ્રયત્નશીલ રહું છું.
મારા પંચાંગમાં મહાશિવરાત્રીનો પૂણ્યમય દિવસ સહુથી મહત્ત્વનો હોય છે. સામાન્યપણે મહાશિવરાત્રીના પર્વે પ્રાતઃ કાળમાં જ નિસ્ડન સ્વામીનારાયણ મંદિર કે અન્ય કોઇ મંદિરે પહોંચી જઇને ભગવાન આશુતોષને અભિષેક કરવાનો લગભગ દસકાઓથી નિયમ બની ગયો છે. સાથે સાથે જ મારા જેવા બોલકા માટે તો લગભગ વિકટ એવું મૌન પણ બપોર સુધી રાખતો આવ્યો છું. સાચું કહું તો પ્રવાસ જેટલો વધુ મહત્ત્વનો હોય છે તેટલો જ તે વધુ કઠીન પણ હોવાનો જ ને?!
આ વેળા યુવાન ‘ડોસા’ માટે - ભારતીય પરંપરા પ્રમાણે - મહાશિવરાત્રીનું ૮૦મું પવિત્ર પર્વ હતું. આ વર્ષે બપોર સુધી મંદિરે જવાના બદલે ઘર-મંદિરમાં જ મારી રીતે પૂજા - અર્ચન - પ્રાર્થના - સ્તવન - મંત્રોચ્ચાર કર્યા. કેટલાક સત્વશીલ વાંચનનો અદકો લાભ પણ મને મળ્યો.
૧૯૯૬માં ઋષિતુલ્ય સર્જક મકરંદ દવેએ એક નાની શી પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી. શીર્ષક છેઃ પુષ્યદંત રચિત શિવમહિમ્ન સ્તોત્ર (મૂળ, સમશ્લોકી અનુવાદ, મહિમાદર્શન) - મકરંદ દવે
આમેય મકરંદભાઇ માટે વર્ષોથી મને અનોખો અનુરાગ છે તેમ સ્વીકારવામાં નાનપ નથી. પુસ્તકના પાંચમા પાને બે પંક્તિમાં (આઠ શબ્દોમાં) મકરંદભાઇએ લખ્યું છેઃ
શિવજ્ઞાન તણી સુધામયી,
સરિતા ગંગ તરંગ શી વહો !
મકરંદભાઇની આ શબ્દદેહવાળી કાયમી ભેટ તથા અન્ય કેટલાક ધાર્મિક-આધ્યાત્મિક વાંચનનો મને સારો એવો લાભ મળ્યો. મકરંદભાઇ લખે છેઃ
‘આવા એક શક્યને કિનારે મનુષ્ય આવી ઊભે છે ત્યારે પેલા મહત્તની જ કરુણા વહી નીકળે છે. પછી માનવ વાચા નિપજાવતો નથી, તેને વાચા સ્ફુરે છે. અને આ સદ્યોજાત અનાયાસ સ્ફુરિત વાણીથી તે પેલા મહત્તને અભિષેક કરતો જાય છે તેમ તેની પોતાની જ સૂતેલી મહદતા જાગી ઊઠે છે. આવા મનુષ્ય માટે કહેવામાં આવ્યું છેઃ
સોઙવર્ધત, સો મહાનોઙભવત્, સો મહાદેવોઙભવત્,
‘તે ઊંચે વધ્યો, તે મહાન થયો, તે મહાદેવ થયો’
મનુષ્ય પોતે છે ત્યાંથી ઊંચે ન ચડે તો મહત્તની સ્તુતિ શા માટે? આરાધના શા માટે? ઉપાસના શા માટે? અલ્પમાંથી બૃહત્, ક્ષુદ્રમાંથી મહાન, અનિત્યમાંથી નિત્ય ન જાગે તો સ્તવન, ભક્તિ, પૂજાપાઠ નિઃસત્ત્વ જ રહી જશે. જે બીજમાંથી અંકુર ફૂટે એ બીજ અંતરની ધરતીમાં વાવવું જોઇએ. એને માટે પરમ તત્ત્વ સાથે, મહાદેવ સાથે પ્રાણવંતું અનુસંધાન રચાતું આવે તે પહેલી જરૂર. મહિમ્નની અસ્ખલિત વાગ્ધારા, પ્રાણધારા, ભાવધારામાં જેમ પ્રવેશ થતો જશે એમ આ પ્રવાહના મધ્યબિંદુમાંથી જ એક ચિત્તપાવની, ચૈતન્યદાયિની શક્તિ પ્રગટ થશે.’
આધુનિક યુગના આ ઋષિ બહુ જ સુંદર શબ્દોમાં - મારા જેવા - મારગમાં અટવાતા પ્રવાસીને કહે છે...
•‘ વાણી જો ગુણ કથન કહેશે તો અંદર બેઠેલા પુરમથન, પુરબદ્ધને મુક્તિની વાટ બતાવશે.’ આગળ વધતા તેઓ કહે છે... ‘કથનમાત્ર હોઠથી નહીં, પણ હૈયાથી ઊગ્યું હોય તો આ મથનના ઘમ્મર વલોણાને મહિમ્નનું નિત્ય સ્તવન સદાયે ફરતું, ગાજતું, નવનીત-તરતું રાખશે...’
• મન અને વાણીને એક કરવાં એ જ છે ઉત્કૃષ્ટ સાધના...
• બુદ્ધિને એટલે હંમેશા વ્યવસિતા - ઉદ્યમશીલ રાખવી જોઇએ. અહીં વ્યવસિતાનો સામાન્ય અર્થ ‘પ્રવૃત્ત’ લઇશું કે ગીતા એક વિશેષ અર્થમાં પ્રયોજે છે તેમ ‘વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ’ લઇશું? વ્યવસાયાત્મિકા નિર્મળ અને એકાગ્ર બુદ્ધિ છે... પોતાને જે પ્રાપ્ત કરવાનું છે તેની લગની લાગે તો બુદ્ધિ આમતેમ ભટકવાનું છોડી દે, લક્ષ્ય ભણી જતાં તીરની જેમ બુદ્ધિ પોતાના ધ્યેયમાં તન્મય થઇ જાય...
• બુદ્ધિના ત્રણ દોષ છેઃ ભેદ-વિભેદવાળી દૃષ્ટિ, તર્ક-વિતર્કની ટેવ અને શંકા-કુશંકા...
• ‘નૃણાં એકો ગમ્યઃ’ - એ મહામંત્ર માનવની બુદ્ધિમાં વસી જાય તો ધર્મના ઝઘડા બંધ થઇ જાય...
• અહંકારના ત્રણ સ્વરૂપ છેઃ સાત્ત્વિક, રાજસિક અને તામસિક...
આવું સત્વશીલ, શક્તિસભર વાંચન મનને તરબતર, સંતુષ્ટ અને પરમાત્મામાં લીન કરી દે તેમાં નવાઇ શું?
મારી પાસે શિવ આરાધના, શિવ સ્તુતિના સંખ્યાબંધ પુસ્તકો ચારેય ભાષા - ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃતમાં છે. આમાંની એક નાની શી પુસ્તિકા શિવપૂજનમ્ તો વર્ષોપૂર્વે પ્રાપ્ત થઇ હતી. તેનો સંપૂર્ણ ખર્ચ યુ.કે.માં દાક્તરી વ્યવસાયમાં પ્રવૃત્ત ડો. ભાવના અને ડો. કલ્પેશ પંડ્યા તરફથી તેમનાં આદરણીય માતુશ્રી સ્વ. સરોજબહેન વ્રજવલ્લભદાસ શાહની પુણ્યસ્મૃતિમાં ઊઠાવેલો હતો. જો કોઇ કૃપાળુ વાચક આ ‘પંડ્યા સાહેબ’ના સંપર્કમાં હોય કે તેમના વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ જાણકારી ધરાવતા હોય તો પ્લીઝ મને આ માહિતી મોકલી આપવા અનુરોધ છે.
ઘણી વખત ઉત્તરાયણ કરતાં વાસી ઉત્તરાયણને વધુ જોશભેર - ઉમંગ-ઉલ્લાસભેર મનાવવામાં આવે છે. આવું જ કંઇક હોળી પર્વનું છે. હોળીનું આગવું મહત્ત્વ છે, પરંતુ ધુળેટી કંઇ કમ નથી. મહાશિવરાત્રીના પાવક પર્વ સંદર્ભે મારી સાથે પણ કંઇક આવું જ બન્યું.
રામનામ રસલ્હાણ
ગ્વાલિયરમાં ચાલી રહેલી પૂ. મોરારિબાપુની રામકથાની રવિવારે પૂર્ણાહૂતિ થઇ રહી હોવાની નોંધ મારી ડાયરીમાં હતી. સવારે સાડા નવ વાગ્યે જ ટીવી સામે ગોઠવાઇ ગયો. પૂજ્ય મોરારિબાપુ તેમની રામકથાની દરેક બેઠકની શરૂઆતમાં લગભગ ૨૦-૨૫ મિનિટ એક સુંદર પ્રાર્થનામાં શ્રોતાઓને ભક્તિમાં તરબોળ કરી દે છે. એક સજ્જન મિત્રની આ પ્રાર્થના સાથે સંકળાયેલી સત્યઘટના જણાવવાની રજા લઉં છું. આ પ્રસંગ જાણીને તમને ખ્યાલ આવશે કે ધૂન-પ્રાર્થનામાં કેવી પ્રચંડ શક્તિ રહેલી છે.
મારા આ જે મિત્રની વાત કરું છું તેઓ ૬૦-૬૧ની સાલમાં વસવાટ માટે લંડન આવ્યા હશે. કાળક્રમે સ્વાશ્રયથી પોતાના વ્યવસાયમાં ખૂબ પ્રગતિ સાધી. તેમના જ હરહંમેશના શબ્દોમાં કહું તો, ખાધે-પીધે સુખી હતા અને બધી વાતે પૂરા હતા. તેમને ધર્મધ્યાન સાથે કોઇ નિસ્બત નહીં. શું રામાયણ કે શું ભગવદ્ ગીતા? ધર્મગ્રંથોમાં પણ કોઇ રસ નહીં.
એક વેળા બૃહદ લંડનમાં હેરો લેઝર સેન્ટરમાં મોરારિબાપુની રામકથા ચાલી રહી હતી. મિત્રના ઘરથી નજીકના અંતરે જ રામકથાનું સ્થળ હોવાથી જવા-આવવામાં સરળતા રહે તે માટે દક્ષિણ લંડનમાં રહેતા માસી તેના ઘરે રોકાવા આવ્યા હતા. તે વેળા રામકથાની દરરોજ બે બેઠક યોજાતી. યુવાન મિત્ર માસીને દરરોજ સવારે અને બપોરે રામકથામાં મૂકી આવે અને પરત લઇ આવે. જોકે રામકથાના હોલમાં જઇને ન બેસવાની જાણે યુવાને બાધા લીધી હોય તેમ અંદર ડોકિયું પણ ન કરે.
રામકથા દરમિયાન જ યુવાનનો જન્મદિવસ - ૨૪ જુલાઇ - આવ્યો. આ દિવસે યુવાન માસીને રામકથાના હોલ પર ઉતારીને રવાના થઇ રહ્યો હતો કે માસીએ હેતાળ અવાજે કહ્યું, બેટા, આજે તારો જન્મદિન છે, વાંધો ન હોય તો અંદર આવ... અડધો-પોણો કલાક અંદર બેસશે તો મને ગમશે. ભાઇના હૈયે કહો કે રામ વસ્યા. અંદર ગયા. થોડીક વાર હોલમાં ઉભા રહ્યા, પછી બેઠા. હોલ હકડેઠઠ ભરાયેલો હતો.
બાપુ આવ્યા. અને પ્રાર્થના શરૂ થઇ. હનુમાન ચાલીસનો પાઠ થયો. સહુ કોઇએ સાદ પુરાવ્યો. આ પછી બાપુએ લોકાભિરામ...ની તેમની પ્રસિદ્ધ પ્રાર્થના શરૂ કરી. મારા મિત્રને સાચે જ અગોચરનું સરનામું મળી ગયું. તેઓ આખો દિવસ કથામાં બેઠા એટલું જ નહીં, રામકથાના બાકીના દિવસોમાં પણ હાજરી પુરાવી. આ પછી તો જાણે રામનામનો સિલસિલો શરૂ થયો. તેમણે બાપુની દેશ-દેશાવરની રામકથાઓ સાંભળી. રામકથાના એકથી વધુ આયોજનોમાં સહૃદય, શક્ય તેટલો સાથસહકાર પણ આપ્યો. તેમના મન પર છવાઇ ગયેલા સર્વ પ્રકારના આધુનિક વસ્ત્રોનું આવરણ હટી ગયું. જાણે બાપુની પ્રાર્થનાના પારસમણિનો સ્પર્શ થયો. આમ તો બાપુની તમામ પ્રાર્થના-ધૂન-ભજનનો ભારે પ્રભાવ જોવા મળે છે, પરંતુ મંગલ ભવન અમંગલ હારિ...નું ગાન કરે છે ત્યારે સર્જાતા ભક્તિભર્યા માહોલની તો વાત જ અલગ છે. ટીવીના માધ્યમથી રામકથાના વિરામમાં સામેલ થઇને અંતરમનમાં ડોકિયું કરવાનો અને રામરસમાં તરબોળ થવાનો અદભૂત અનુભવ માણ્યો.
•••
પ્રેસ્ટનમાં પાવક સેવા-જ્ઞાન યજ્ઞ
૧૯૮૮માં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અનાવૃષ્ટિના કારણે અછતની કારમી પરિસ્થિતિ સર્જાઇ હતી. ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના સમર્પિત સત્સંગીઓએ તે વેળા પૂ. મોરારિબાપુની રામકથાનું આયોજન કર્યું હતું. યોગાનુયોગ મેઘરાજાએ પણ ભરપૂર મહેર વરસાવી, અને જનતા જનાર્દને પણ. હિન્દુ સમુદાયના માત્ર ૬૦૦ પરિવારોની વસ્તી ધરાવતા વૃંદાવન જેવા ધામમાં ભક્તોએ દાનનો વરસાદ વરસાવ્યો હતો. આયોજન સંબંધિત તમામ ખર્ચ બાદ કરતાં આ રામકથામાં લગભગ ૧.૧૭ લાખ પાઉન્ડનું જંગી ભંડોળ એકત્ર થયું હતું.
આ પછી ૩૦ જ દિવસમાં લેસ્ટરમાં વસતાં માધુભાઇ સોનીના નિવાસસ્થાને બેઠક યોજાઇ. જેમાં પ્રેસ્ટનના અગ્રણીઓ સર્વશ્રી છોટાભાઇ લિંબાચીયા, ઇશ્વરભાઇ ટેલર, દશરથભાઇ નાયી અને તેમના સબળ સાથીઓએ ભંડોળની આ રકમનો ચેક પૂ. બાપુને અર્પણ કરીને દુષ્કાળગ્રસ્ત લોકોના સત્કાર્યમાં વાપરવા અનુરોધ કર્યો હતો. પૂ. બાપુએ પણ આ ઉમદા કાર્યની નોંધ લેતાં એવી લાગણી વ્યક્ત કરી હતી કે ‘ભારત બહાર હજારો માઇલ વસતાં હોવા છતાં માદરે વતનમાં મુશ્કેલીમાં મૂકાયેલા ભાઇભાંડુઓ માટે રામકથાના માધ્યમથી આટલી મોટી રકમ એકત્ર કરવામાં આવી હોવાનો આ પ્રથમ પ્રસંગ છે. ’ પ્રેસ્ટનના હિન્દુ પરિવારોએ માત્ર એક જ મહિનામાં આટલી મોટી રકમ એકત્ર કરીને વિક્રમ કર્યો છે.
બાદમાં પૂ. બાપુના માર્ગદર્શનમાં અને વડોદરામાં વસતાં બાપુના એક સેવક ભાઇશ્રી લલિતભાઈ પટેલની રાહબરીમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ૨૮ સ્થળોએ કૂવા-બોર બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પૂ. બાપુએ આ દરેક સ્થળે જાતે જઇને રૂબરૂ આશીર્વાદ આપ્યા હતા.
ધર્મ એ કંઇ પોથી પઢવાનો વિષય નથી. તેના થકી સેવાયજ્ઞ પણ શક્ય છે. જરૂર હોય છે તો બસ હૈયે સૂઝ અને સામર્થ્યની...
સામંથાની શીખ
વાચક મિત્રો, હું શ્રીમતી સામંથા ડેવિડ કેમરનની વાત કરી રહ્યો છું. તેમને ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટમાં કેટલીય વાર મળ્યો છું. એકાદ વર્ષ પૂર્વેની જ વાત લો ને... વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને સેન્ટ લ્યૂક્સ ચેરિટી માટે સમારોહ યોજાયો હતો.
મુખ્ય કર્તાહર્તા લોર્ડ ડોલર પોપટ હતા. સમારોહની બાજુના જ એક ખંડમાં અમે પાંચેક જણાં ઊભા હતા, જ્યાં સામંથાનો દોરદમામ બહુ નજદીકથી નિહાળ્યો હતો. સામે વાળાને અભિભૂત કરી દે તેવું અતિશય આકર્ષક અને મૃદુભાષી વ્યક્તિત્વ. ફોટોગ્રાફરે ફોટો ખેંચવા તૈયારી શરૂ કરી તો તરત જ તેમણે કહ્યુંઃ સી.બી. મારી બાજુમાં ઉભા રહેશે... વડા પ્રધાનની પ્રતિભા સંપન્ન પત્ની આપણને બાજુમાં ઉભા રહેવાનું આહવાન કરે તો કોઇને પણ આનંદ થાય જ હોં... હું પણ આમાંથી બાકાત નહોતો.
તેઓ વડા પ્રધાનના પત્ની હોવા છતાં એક ફેશન ડિઝાઇનીંગ કંપનીમાં વર્ષોથી પરોવાયેલાં છે. મોટીમસ કંપનીમાં પાર્ટટાઇમ ડિરેક્ટર, પણ... પણ... કાળક્રમે સમયનું ચક્ર ફેરવી નાંખ્યું. ૨૩ નવેમ્બરે બ્રેક્ઝિટ માટે જનમત લેવાયો. ડેવિડ કેમરનની બાજી ઊંધી વળી ગઇ. ૨૪ કલાકમાં રાજીનામું આપ્યું. ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટમાંથી ઉચાળા ભરવા પડ્યા. આ વેળા - જરા કલ્પના કરજો મારા વાચક મિત્રો - વડા પ્રધાનના પત્ની અને પરિવારજનોની માનસિક સ્થિતિ કેવી હશે? પરંતુ આ તો બ્રિટિશ લોકશાહી છે, અને કેમરન પરિવાર - હું ડેવિડને વ્યક્તિગત રીતે જાણું છું - ખૂબ સ્વસ્થ છે.
તાજેતરમાં જ સામંથાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ફેશન ડિઝાઇનીંગનો વ્યવસાય સારો ચાલે છે, આમ છતાં એક અન્ય ક્ષેત્ર તેમને બહુ જ આકર્ષી રહ્યું છે. મિત્રો, જરા કલ્પના કરી શકો છો આ ક્યું ક્ષેત્ર હશે? તજવાળી કેક બનાવવાનું! આ કેક બનાવવામાં સિનામોન (તજ)નો બહુ ઉપયોગ થાય છે. જો સામંથા કેક-મેકિંગના ક્ષેત્રે વધુ પ્રવૃત્ત થયા અને તેમને મળવાનો મને અવસર સાંપડ્યો તો તેમને અચૂક જણાવીશ કે સામંથાબહેન, ભારતના હજારો વર્ષ પુરાણા આયુર્વેદશાસ્ત્રમાં તજના ભરપૂર ગુણગાન ગાવામાં આવ્યા છે.
... અને છેલ્લે છેલ્લે
શનિવારનો દિવસ જે પ્રકારે ‘અણગમતો’ વીત્યો તેનો ભારે પસ્તાવો થઇ રહ્યો છે એમ કહેવું જ રહ્યું. અગાઉના આયોજન મુજબ બર્મિંગહામ પહોંચવાનું હતું. જ્યાં છોટાભાઇ નરોત્તમ ચૌહાણના નેવુંમા જન્મદિન પ્રસંગે તેમના સુપુત્ર દિનેશભાઇએ ભવ્ય સન્માન સમારંભ યોજ્યો હતો. સહુ સગાંસ્વજનોને આમંત્રવામાં આવ્યા હતા. છોટાભાઇ સાહેબને વર્ષોથી જાણું છું. તેઓ ઉમદા સમાજસેવક છે, અને ભજનિક પણ મોટા ગજાના. સવારે જોયું તો વેધર વચકી ગઇ હતી. અને યુવાન ‘ડોસા’ને લાગ્યું કે તબિયતને જરાક સાચવી લેવામાં જ શાણપણ છે. દિનેશભાઇને ફોન કર્યો. સમારંભમાં ઉપસ્થિત રહી શકાય તેમ ન હોવાથી ક્ષમાયાચના માગી અને તેમણે પણ ઉદાર દિલે મારી લાગણી સ્વીકારી.
આપણે ગમેતેવું આયોજન કરીએ, પરંતુ ધાર્યું તો પે’લા ધણીનું જ થતું હોય છે. ખરુંને? (ક્રમશઃ)
•••
મેલી ચાદર ઓઢ કે કૈસે
મેલી ચાદર ઓઢ કે કૈસે,
દ્વાર તુમ્હારે આઉં ।
હે પાવન પરમેશ્વર મેરે,
મન હી મન શરમાઉં ।।
તૂને મુઝકો જગ મેં ભેજા,
નિર્મલ દેકર કાયા ।
આકર ઇસ સંસાર મૈંને,
ઇસકો દાગ લગાયા ।।
જનમ જનમ કી મૈલી ચાદર,
કૈસે દાગ છુડાઉં ।।
મૈલી ચાદર ઓઢ કે કૈસે,
દ્વાર તુમ્હારે આઉં ।
નિર્મલ વાણી પાકર તુજસે,
નામ ન તેરા ગાયા ।
નૈન મૂંદકર હે પરમેશ્વર,
કભી ના તુજકો ધ્યાના ।
મન વીણા કી તારેં ટૂટી,
અબ ક્યા ગીત સુનાઉં ।।
મેલી ચાદર ઓઢ કે કૈસે,
દ્વાર તુમ્હારે આઉં ।
ઇન પૈરોં સે ચલ કર તેરે,
મંદિર કભી ન આયા ।
જહાં જહાં હો પૂજા તેરી,
કભી ના શીશ ઝુકાયા ।
હે હરિહર મૈં હાર કે આયા,
અબ ક્યા હાર ચઢાઉં
મેલી ચાદર ઓઢ કે કૈસે,
દ્વાર તુમ્હારે આઉં ।
તૂ હૈ અપરંપાર દયાલુ,
સારા જગત સંભાલે ।
જૈસે ભી હૂં, મૈં હૂં તેરા,
અપની શરણ લગાલે ।
છોડ કે તેરા દ્વાર દાતા,
ઔર કહીં નહીં જાઉં ।।
મૈલી ચાદર ઓઢ કે કૈસે,
દ્વાર તુમ્હારે આઉં ।
•••

