જેમ જેમ ઓછી કેલરીયુક્ત ભોજનનું લોકોને વળગણ થતું ગયું છે એમ એમ ઝીરો કેલરી શુગરની માગ વધી રહી છે. ઝીરો કેલરી એટલે કે આર્ટિફિશ્યલ શુગર. ખોરાકને ગળ્યો બનાવતી ખાંડ, સાકર અને ગોળમાં સિમ્પલ કાર્બોહાઇડ્રેટ હોવાને કારણે કેલરીનું પ્રમાણ વધારે હોય છે. ૧૦૦ ગ્રામ ખાંડમાં ૪૮ કેલરી હોય છે. આ કેલરીથી બચાય અને છતાં ખોરાકમાં ગળ્યો સ્વાદ મળી રહે એ માટે અત્યારે માર્કેટમાં આર્ટિફિશ્યલ શુગરની બોલબાલા વધી ગઈ છે. આ આર્ટિફિશ્યલ શુગર શું હોય છે, એ બાબતે અનેક વિવાદો ચાલી રહ્યા છે. મેડિકલ યુનિવર્સિટી ઓફ મિસિસિપીના ન્યુરોસાયન્ટિસ્ટ ડો. રસેલ બ્લેયલોકે તો એસ્પાર્ટિક એસિડ ધરાવતી આર્ટિફિશ્યલ શુગરને કારણે શરીરને કેટલા પ્રકારનું નુકસાન થઈ શકે છે એ વિશે એક આખું પુસ્તક લખ્યું છે.
આર્ટિફિશ્યલ શુગર શું છે?
ખાંડમાં ગ્લુકોઝ હોય છે અને એ નેચરલી જ ગળી હોય છે. બીજી તરફ કેટલાંક એવા કેમિકલ્સ હોય છે જે અત્યંત સૂક્ષ્મ માત્રામાં વાપરવાથી જીભ પર ગળપણનો સ્વાદ પારખતી ગ્રંથિઓમાં ભ્રમણા પેદા થાય છે અને એ ચીજ આપણને સ્વીટ લાગે છે. જે સ્વીટ નથી છતાં મગજને સ્વીટ લાગે એવી ચીજો એટલે આર્ટિફિશ્યલ શુગર.
માર્કેટમાં અવેલેબલ તમામ ઝીરો કેલરી શુગરમાં એસ્પાર્ટમ નામનું કેમિકલ વપરાય છે. આ કેમિકલ એસ્પાર્ટિક એસિડ, ફેનાઇલલેનિન તેમજ મિથેનોલ જેવા કેમિકલનું સંયોજન છે. સફેદ રંગનો ગંધ વિનાનો આ કેમિકલનો પાઉડર ખાંડ કરતાં લગભગ ૨૦૦ ગણો વધારે ગળ્યો હોય છે. જે ચીજ અતિ ગળી થઈ જાય એ કડવા સ્વાદવાળી થઈ જાય છે. આથી જ જો તમે ક્યારેક બજારમાં મળતી ઝીરો કેલરી શુગરનો પાઉડર ચાખશો તો એ ગળ્યો નહીં, કડવો લાગશે.
એસ્પાર્ટમની શોધ ક્યારે થઇ?
૧૯૬૫માં જેમ્સ સ્ક્લેટર નામના સાયન્સિટસ્ટે એન્ટિ-અલ્સર ડ્રગ વિશે પરીક્ષણ કરતી વખતે એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ તેમજ મિથેનોલ જેવા કેમિકલનું સંયોજન શોધ્યું હતું. એન્ટિ-અલ્સર ડ્રગની શોધ તો પૂરી ન થઈ, પરંતુ એસ્પાર્ટમની આર્ટિફિશ્યલ શુગર તરીકેની શોધ થઈ ગઈ. આ ડ્રગને ૧૯૭૪માં યુએસમાં આર્ટિફિશિયલ શુગર તરીકે માર્કેર્ટિંગ કરવાની પરવાનગી મળી. જોકે એ પછી તરત જ એની આડઅસરોને લઈને વિવાદો ઊભા થયા. છેક ૧૯૮૧થી લઈને હજી સુધી એસ્માર્ટમ કેમિકલ ખરેખર વાપરવું જોઈએ નહીં એ વિશે અનેક સંશોધનો થયાં છે.
ગ્લુટામિક એસિડની આડઅસરો
એસ્પાર્ટમમાં ગ્લુટામિક એસિડ હોય છે એ એમએસજી એટલે કે મોનો-સોડિયમ ગ્લુટામેટમાં પણ વપરાય છે. ગ્લુટામેટ અને એસ્પાર્ટેટનું સંયોજન ન્યુરોટ્રાન્સમીટર્સનું કામ કરે છે. જો વધુ પડતું એસ્પાર્ટેટ અથવા તો ગ્લુટામેટા હોય તો એ બ્રેઇનના ન્યુરોન્સને વધુ પડતા કેલ્શિયમથી બ્લોક કરી દે છે. રક્તના પ્લાઝમા કણોમાં એસ્પાર્ટમ અથવા તો એની બનાવેલી પ્રોડક્ટ ઇન્સર્ટ કરવામાં આવે તો એનાથી બ્રેઇનના ખાસ ભાગોમાં વધુ પડતા ન્યુરોટ્રાન્સમીટર્સ એક્ટિવેટ થઈ જવાની શક્યતાઓ રહે છે. આ કેમિકલને કારણે બ્રેઇનની કામગીરીમાં અત્યંત ગરબડ થઈ શકે છે.
મિથેનોલની આડઅસરો
આ એક પ્રકારનું પોઇઝન છે. આલ્કોહોલમાં જ્યારે મિથેનોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે એનાથી અચાનક જ દૃષ્ટિ ચાલી જાય છે ને કેટલાક કેસમાં તો જીવ પણ જાય છે. એસ્પાર્ટમવાળી ચીજ નાના આંતરડામાં જાય અને પછીથી એમાંથી મિથેનોલ છૂટું પડે છે. જ્યારે આર્ટિફિશ્યલ શુગરવાળી ચીજને ૩૦ ડિગ્રીથી વધુ ગરમ કરવામાં આવે છે ત્યારે ફ્રી મિથેનોલ છૂટું પડે છે. મિથેનોલ શરીરમાંથી બહાર નીકળવા માટે ફોર્મિક એસિડ અને ફોર્માલ્ડિહાઇડમાં રૂપાંતરિત થાય છે. આ બંને ચીજો ઝેરી છે ને ચેતાતંતુઓને કડક અને સંવેદનહીન બનાવી શકે છે. જો દરરોજ ૭.૮ મિલિગ્રામથી વધુ માત્રામાં મિથેનોલ શરીરમાં જાય તો એ હાનિકારક બની શકે છે.
કેટલું એસ્પાર્ટમ લેવાય?
નિષ્ણાતોના મતે એસ્પાર્ટમ કેમિકલ પચાવવાની દરેક વ્યક્તિની ક્ષમતા જુદી જુદી હોય છે. એ માટે તેઓ વ્યક્તિના વજન અનુસાર લેવાની ભલામણ કરે છે. પ્રતિ એક કિલોએ દિવસમાં વધુમાં વધુ ૪૦ મિલિગ્રામ રેકમન્ડેડ ડોઝ ગણાય છે. એટલે કે જો વ્યક્તિનું વજન પચાસ કિલો હોય તે દિવસમાં વધુમાં વધુ ૨૦ ગ્રામ જેટલું એસ્પાર્ટમ લઈ શકે છે. અતિશય માત્રામાં આર્ટિફિશ્યલ સ્વીટનરનો ઉપયોગ થાય તો એ શરીર માટે ખતરનાક નીવડે છે. માટે ખૂબ સમજી-વિચારીને આ નવા આવિષ્કારનો ઉપયોગ કરવો હિતાવહ છે. (લેખનો બીજો અને અંતિમ ભાગ આવતા સપ્તાહે...)

