વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ સુજ્ઞજનોને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે ગઇકાલે - રવિવારે - લંડન, લેસ્ટર, બર્મિંગહામ, માંચેસ્ટરના કેટલાક ન્યૂઝ એજન્ટ્સ સાથે ટેલિફોન પર વાતચીત કરવાનો મને સોનેરી અવસર સાંપડ્યો. એક જમાનામાં હું પણ દુકાનદાર જ હતોને! ગ્રાહકોની સેવામાં સદૈવ સસ્મિત હાજર રહેતા આ દુકાનદારોમાંના કેટલાકે મને સરસ વાત જણાવી. અલબત્ત, આમ જૂઓ તો આમાં કંઇ નવું નથી, પણ વાત વિચારવા જેવી તો ખરી જ.
ધારો કે આપણા અમરિશભાઇ દર રવિવારે સવારે આઠ વાગ્યે શોપ ખોલતા હોય છે, પણ આ રવિવારે જરા જૂદું થયું. કારણ? શનિવારે મધરાતે બ્રિટિશ સ્ટાન્ડર્ડ ટાઇમનું ઘડિયાળ એક કલાક પાછળ ગયું હતું. આ વાત કેટલાક ગ્રાહકોના ધ્યાન બહાર જતી રહી. આથી તેઓ તો નિયત સમયે જ તેમના અખબાર મેળવવા પહોંચી ગયા. વાતાવરણ સારું હતું. લંડનમાં એકંદરે ઉઘાડ હતો. ઠંડીનો ખાસ ચમકારો નહોતો. કેટલાક વડીલ ગ્રાહકોના હાથમાં વોકીંગ સ્ટીક હતી તો વળી કેટલાક બન્ને હાથમાં ટેકા સાથે હતા. અમરિશભાઇ પહોંચ્યા કે તરત જ આ કાયમી ગ્રાહકોએ થોડી હળવાશ સાથે, પણ ઠપકાભર્યા સૂરમાં કહ્યું કે આજે શોપ ખોલવામાં આટલા મોડા કેમ? અમરિશભાઇએ ઘડિયાળ સામે ઇશારો કરતાં કહ્યું કે ભૂલી ગયાં? ગઇ રાતથી ઘડિયાળ બદલાઇ ગયું છે...
ખેર, ઘડિયાળ તો એનું એ જ હતું, પણ સમય જરૂર બદલાઇ ગયો હતો. ‘વહેલાં’ પહોંચી ગયેલા ગ્રાહકોમાંથી મોટા ભાગનાએ કહ્યું કે લે અમે તો ભૂલી જ ગયેલા સમય બદલવાનું... કેટલાકે વળી બળાપો કાઢ્યો કે આ સરકારેય ખરી છે, આ સમય તે વળી શા માટે વારંવાર બદલવાનો? ક્યારેક આગળ કરે છે ને ક્યારેક પાછળ કરે છે... મિત્રો, આવા લોકોને શું કહેવું? પોતે સજાગ રહે નહીં, અને દોષ અન્યોને આપવાનો. સહેલું છેને?
બીજા વિશ્વયુદ્ધના અરસાથી, ઊંડી તપાસ બાદ, બ્રિટિશ સમર ટાઇમની પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. પાનખર શરૂ થાય. દિવસ ટૂંકો થાય. સવારે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે અંધારે અંધારે નીકળવું પડે. પેરન્ટ્સ સ્કૂલ રનમાં દોડાદોડી કરે. અકસ્માત થવાના સંજોગો પણ વધી જાય. ઘડિયાળમાં કાંટા પાછળ થાય એટલે દિવસ વહેલો ઉગે, સૂર્યાસ્ત પણ વહેલો થાય. રાત લાંબી લાગે. સમયમાં ફેરબદલ ભલે અગવડદાયક જણાતી હોય, પણ સાચી વાત એ છે કે તેથી કાર્યદક્ષતામાં વધારો થાય છે અને દેશના અર્થતંત્રને અબજો પાઉન્ડનો ફાયદો પણ થાય છે. ઘડિયાળ એક યંત્ર છે, તેમાં સમય આગળપાછળ કરવાનું એક તંત્ર છે. આપણને દરેકને - પરમાત્મા કહો કે કુદરતની કૃપા થકી - સાંપડ્યું છે માનવશરીર. આપણા જીવનવ્યવહારનું તંત્ર સારી રીતે ગોઠવાય તો આ શરીરયંત્ર દીર્ઘ સમય માટે કાર્યદક્ષ રહે છે, બશર્તે કે તેને કોઇ કુટેવનો કાટ ન લાગે. આપણે સહુએ કોઇ બુરી આદતના ગુલામ ન બનીએ તેની કાળજી રાખવાની. જીવનના દરેક ક્ષેત્રે, દરેક તબક્કે વિજ્ઞાન અને વાસ્તવિક્તાનો સંબંધ સમજીને જો આપણું તંત્ર ગોઠવીએ તો સમજો કે ફાયદા હી ફાયદા જ છે.
ભારતમાં આપણા ભાઇભાંડુઓ વસે છે તેના પ્રમાણમાં બ્રિટન જેવા વિકસિત દેશોમાં વસતાં આપણે સહુ કેમ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યા છીએ? અહીં સરકાર, સમાજના વહિવટીમાળખામાં તંત્ર કાર્યરત છે ને? તાજેતરમાં બ્રિટિશ સરકારે સમાજના વિવિધ વર્ગોનો અભ્યાસ કરીને એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. ઊંડા અભ્યાસના આધારે તૈયાર થયેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય મૂળની વસાહત શિક્ષણ, વ્યવસાય, વેપાર-ઉદ્યોગો તેમજ અન્ય ક્ષેત્રોમાં સમૂહ તરીકે સૌથી આગળ સ્થાન ધરાવે છે. સાથે સાથે જ ગુનાખોરીમાં (જેલમાં કેદ ગુનેગારોમાં) તેમની સંખ્યા સૌથી અલ્પ છે. આ અહેવાલમાં સરકારે એમ પણ જણાવ્યું છે કે બ્રિટનમાં ૩૫ ટકા ભારતીય પરિવારોની સરેરાશ સાપ્તાહિક આવક ૧૦૦૦ પાઉન્ડ કે તેનાથી વધારે છે જે અત્યંત નોંધપાત્ર છે. સાથે સાથે જ અહેવાલમાં એ વાતની પણ નોંધ લેવામાં આવી છે કે એક યા બીજા કારણસર અકસ્માત, પારિવારિક પળોજણ, અસાધ્ય બિમારી કે અકાળે અવસાન જેવા કારણસર આપણે ત્યાં ૨૭ ટકા પરિવારની આવક રાષ્ટ્રીય સરાસરી કરતાં ઓછી જોવા મળે છે. આપણે ત્યાં સદભાગ્યે સંપત્તિની છનાછન પણ છે જોવા મળે છે તો બીજી તરફ અછતવાળા પણ છે. આમેય પાંચેય આંગળીઓ પણ ક્યાં એકસરખી હોય છે ખરું ને?! અછતવાળા પ્રત્યે દુર્લક્ષ એ સ્વસ્થ સમાજનું લક્ષણ નથી. અનુકંપા અત્યંત ઉચ્ચ પ્રકારની માનવીયતા છે, માનવતા છે, માણસાઇ છે. સદભાગ્યે, મહદઅંશે, આપણા ભાઇભાંડુને આ વિશે કોઇ બોધપાઠની જરૂર નથી.
•••
સમય સમય બલવાન હૈ...
૧૯૫૦માં જ્યારે ઓસ્ટ્રેલિયાથી ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ રમવા આવતી હતી ત્યારે જળમાર્ગે પ્રવાસ કરીને અહીં પહોંચતા દસ દિવસનો સમય લાગતો હતો. ટીમના સભ્યો પર્થથી સ્ટીમરમાં બેસીને કોલંબો, બોમ્બે, એડન, પોર્ટ સઈડ, માર્સેલ્સ, જિબ્રાલ્ટર માર્ગે થઇને દસમા દિવસે લંડન ડોક પર ઉતરતા હતા. આજે સ્થિતિ શું છે? ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડ આવે તો તે પર્થથી પ્લેનમાં રવાના થશે અને અબુધાબી થઇને વીસેક કલાકમાં લંડન પહોંચી જશે. આ યંત્રની કમાલ છે.
કેટલાક પરિવારોના ઘરમંદિરમાં યંત્રોની રીતસર ઉપાસના કરવામાં આવે છે. આમ કરીને આપણે આપણા ઋષિ-મુનિઓ કે પૂર્વજોના કોઇ એક વિચાર, દૃષ્ટિનો - કદાચ આપણે ચીલાચાલુ કે રાબેતા મુજબનો - ઉપયોગ તો નથી કરી રહ્યાને? મિત્રો, સનાતન ધર્મ સાથે સંકળાયેલા શ્રદ્ધા, આકાર-નિરાકાર, એકાંતવાદ કે તેના જેવા વિષયોની ચર્ચામાં અટવાવું નથી કે આપ સહુને પણ મારે ચકરાવે ચઢાવવા નથી. પરંતુ આપણો જે સંસ્કાર-વારસો છે, જે આપણી ધાર્મિક કે આચાર-વિચાર આધારિત પરંપરા છે તે મહદ્ અંશે વિજ્ઞાન આધારિત છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ તો નથી જ.
આજથી ૫૦૦ વર્ષ પૂર્વે પશ્ચિમના દેશોમાં ખ્રિસ્તી સમાજ અંદરોઅંદર ઝઘડતો હતો, વિરોધી જૂથના લોહીનો તરસ્યો હતો એમ પણ કહી શકાય. જ્યારે ગેલિલિયોએ દસકાઓના અભ્યાસ બાદ જાહેર કર્યું કે પૃથ્વી ગોળ છે ત્યારે તે ‘પાપી’ કે ‘નાસ્તિક’ની હત્યા કરવા કેટલાક ધર્મગુરુઓ સુદ્ધાં તૈયાર થઇ ગયા હતા. બાપલ્યા, ગેલિલિયોએ બહુ મોડું મોડું આ તારણ કાઢ્યું હતું. આપણા ઋષિ-મુનિઓ, ખગોળશાસ્ત્રીઓ, સંશોધકોએ તો હજારો વર્ષપૂર્વે જ આ સત્ય પુરવાર કરી નાખ્યું હતું.
તાજેતરમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટ્રેટેજીક સ્ટડીઝ ખાતે વિદ્વાનોની એક ચર્ચાસભા યોજાઇ હતી. આ નિષ્ણાતોને સાંભળવા હું પણ ગયો હતો. ચર્ચા દરમિયાન એક સૂર એવો પણ રજૂ થયો કે વિજ્ઞાન-ટેક્નોલોજી અને અવકાશ સંશોધન ક્ષેત્રે ભારત હરણફાળ ભરી રહ્યું છે. અવકાશ વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે તો ભારતને અગ્રીમ હરોળમાં મૂકી શકાય.
‘ઇસરો’ નામે જાણીતા ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેને તો અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવ્યું છે. જે પ્રકારે તેના વિજ્ઞાનીઓ શોધ-સંશોધન કરીને અંતરીક્ષમાં નીતનવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે તે કાબિલે તારીફ છે. ઇસરોએ વિક્સાવેલી ટેક્નોલોજી અતિ આધુનિક અને એકદમ સુરક્ષિત હોવા ઉપરાંત ઓછી ખર્ચાળ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો હોલિવૂડ સાય-ફાય (સાયન્સ ફિક્શન) ફિલ્મ બનાવવામાં જેટલા ડોલર ખર્ચે છે તેના કરતાં પણ ઓછા ખર્ચે ભારતીય વિજ્ઞાનીઓ અંતરિક્ષમાં સેટેલાઇટ મોકલી આપે છે.
વાચક મિત્રો, આ સિદ્ધિ નાનીસૂની નથી. આવા શોધ-સંશોધનો થકી તેઓ વિજ્ઞાન-ટેક્નોલોજી ક્ષેત્રે તો સીમાચિહ્ન અંકિત કરે જ છે, સાથોસાથ ભારતનું મહામૂલું વિદેશી હૂંડિયામણ પણ બચાવે છે. થોડાક વર્ષ અગાઉ ભારતને પોતાનો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકવા માટે પશ્ચિમના દેશો ભણી નજર માંડવી પડતી હતી. અઢળક નાણાં ખર્ચવા પડતા હતા. આજે આ જ પશ્ચિમી દેશોમાંથી ઘણા તેમના ઉપગ્રહોને અવકાશમાં પહોંચાડવા માટે ભારત ભણી આશાભરી નજર માંડે છે. ભારતીયો વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઘણી ઓછી ફી ચાર્જ કરીને અંતરીક્ષમાં ઉપગ્રહ ફરતો કરી દે છે. વિશ્વના બહુ જૂજ દેશો અવકાશમાં સેટેલાઇટ તરતો મૂકવાની સજ્જતા-ક્ષમતા ધરાવે છે.
આ ચર્ચાસત્રમાં મારો પ્રશ્ન હતોઃ અવકાશ ક્ષેત્રે કે કમ્પ્યુટર ક્ષેત્રે ભારત આજે આગળ પડતું સ્થાન ધરાવે છે તેનું કારણ શું? એક ભારતીય મિત્રે કહ્યું કે આપણા હજારો વર્ષ પુરાણા વેદો, સંસ્કૃત ભાષા બધું વિજ્ઞાન આધારિત છે. આપણા શાસ્ત્રોમાં જ્ઞાન, ગણિત અને તર્કનો અદભૂત સમન્વય છે. ભારતીયોને જ્ઞાનની સાથોસાથ મેથેમેટિક્સ અને લોજિક ગળથૂંથીમાં જ મળ્યા હોવાથી તેનો ગણિતનો પાયો પાકો છે. ભારતીય બાળકોને પલાંખાં મોઢે હોય છે તેનું કારણ જ એ છે કે આ વાત તેના ડીએનએમાં વણાયેલી છે.
‘ઇસરો’ની સ્થાપના ગરવા ગુજરાતી ડો. વિક્રમ સારાભાઇએ કરી છે એ વાત તો આખી દુનિયા જાણે છે, પરંતુ આજે તેના ટોચના વિજ્ઞાનીઓમાંથી બહુધા દક્ષિણ ભારતીયો છે. સંસ્થામાં લગભગ ૬૦થી ૭૦ ટકા વિજ્ઞાનીઓ કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક જેવા દક્ષિણ ભારતીય રાજ્યોના વતની જોવા મળે છે. મેં પૂછ્યું કે આવું કેમ? તો એક વિદ્વાને મને હસતાં હસતાં સમજાવ્યું કે ગુજરાતીઓ વેપારીઓ છે, ઉદ્યોગસાહસિક પ્રજા છે. મહારાષ્ટ્રીયન અને મધુર ભાષી બંગાળીઓ સંગીત અને સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તો દક્ષિણ ભારતીયો ભારતીય જ્ઞાન-વિજ્ઞાનના સંવર્ધક છે.
આ વિદ્વાને તેમની દલીલના સમર્થનમાં તર્ક રજૂ કરતાં સમજાવ્યું કે ભારત વર્ષ પર ભૂતકાળમાં જ્યારે પણ વિદેશી આક્રમણખોરોએ હુમલા કર્યા છે ત્યારે મોટા ભાગે નૈઋત્ય, ઉત્તર ભારત તેનો ભોગ બન્યા છે. દક્ષિણ ભારતીય પ્રદેશો આવા હુમલાથી બચી ગયા છે. આથી જ આ પ્રદેશોમાં આપણને પૌરાણિક હિન્દુ પરંપરાઓથી માંડીને રીતરિવાજો, ધર્મસ્થાનો, આશ્રમો જળવાયેલા જોવા મળે છે.
આ વિદ્વાને એક બીજી પણ સરસ વાત કરી કે હિન્દુ ધર્મપરંપરામાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર આદિ શંકરાચાર્યનું માત્ર ૩૨ વર્ષની વયે નિધન થયું પરંતુ તેઓ જ્ઞાનનો ભંડાર હતા. કેરળમાં નદીકિનારે વસેલા એક નાનકડા ગામમાં જન્મેલા આદિ શંકરાચાર્યે આ ધરતી પરથી વિદાય લીધી તે પૂર્વે ભારતભ્રમણ કરી લીધું હતું, અને એ પણ તે જમાનામાં - અત્યારના સાધનો વિના. તેમણે રચેલા શ્લોકો, ઋચાઓ આજે પણ પૌરાણિક શાસ્ત્રોમાં આગવું સ્થાન ધરાવે છે.
વાચક મિત્રો, ભારતની એકતા, અખંડિતતા આ અને આવા બધા ટોચના ઋષિ-મુનિઓ, વિદ્વાનોને આભારી છે. ૧૦૦ વર્ષ પૂર્વે આપણું રાષ્ટ્રગીત રચાયું. તેમાં એક પંક્તિ છેઃ પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રવિડ, ઉત્કલ બંગા... આ પંક્તિ આપણી વિવિધતામાં એકતાની વાત કરે છે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલા જ્યોતિર્લિંગોનું સ્તુતિગાન કરતો આદિ શંકરાચાર્ય રચિત દ્વાદશ જ્યોર્તિલિંગ સ્તોત્રમ્ આજે પણ શિવ આરાધનામાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. યાદ આવ્યું?!
સૌરાષ્ટ્રે ચ સોમનાથં, ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્,
ઉજ્જયિન્યાં મહાકાલમોકાર્મમલેશ્વરમ્
પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્
સેતુબંધે તુ રામેશં નાગેશં દારુકાવને
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે
હિમાલયે તુ કેદારં ઘુશ્મેશં ચ શિવાલયે
એતાની જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ
એતેશાં દર્શનાદેવ પાતકં નૈવ તિષ્ઠતિ
કર્મક્ષયો ભવેત્તસ્ય યસ્ય તુષ્ટો મહેશ્વરાઃ
આશરે ૧૦૦૦ વર્ષ પૂર્વે આદિ શંકરાચાર્યે આપણી પર મોટો ઉપકાર કર્યો છે તેનું આ ઉજળું ઉદાહરણ છે. આને આપણો વારસો કહો કે પરંપરા કહો, કાશ આ બધું વાંચી, જાણી, સમજીને અંધશ્રદ્ધા, વ્યક્તિપૂજા, સ્વાહિલીભાષામાં કહું તો ન્ડિયો બ્વાના (હા જી હામાં રચ્યાપચ્યા રહેનારાઓ)માં કંઇક સુધારો થાય તો ભયો ભયો. ધંધાદારી સંતો-મહંતો કે બની બેઠેલા ધર્મગુરુઓ અને સ્થાપિત હિતો આ મુદ્દે કંઇ કરશે તેવી આશા તો તદ્દન નિરર્થક છે.
•••
સંસ્કાર સિંચનનો અક્સીર ઈલાજ
વાચક મિત્રો, આ પ્રસંગકથાના પ્રારંભે જ સ્પષ્ટ કરી દઉં કે આની રજૂઆતનો હેતુ આત્મશ્લાઘા કરવાનો લેશમાત્ર નથી. આપણા - ભારતીય - પરિવારોમાં કેટલી હદે વડીલો પ્રત્યે આદર-સત્કારની લાગણી સચવાઇ રહી છે તેની ઝાંખી દર્શાવવા આ પ્રસંગ રજૂ કર્યો છે. આ ઉજવણીમાં તમને માતૃશક્તિ પ્રત્યેની ભક્તિ છલકતી જોવા મળશે, આપણા સંસ્કાર વારસાના મૂલ્યોનું જતન-સંવર્ધન થતું જોવા મળશે. આમાં આપણો વારસો છે, પરંપરા છે અને તેને જાળવવા માટેની પ્રતિબદ્ધતા જોવા મળશે. શનિવારે મને આ મહામૂલા પ્રસંગમાં સામેલ થવાનો અવસર સાંપડ્યો, અને જે સ્વાનુભૂતિ થઇ તેની ઝલક અહીં દર્શાવી છે.
દોઢેક મહિના પૂર્વે મને હિન્દુજા પરિવારના મોભી ગોપીચંદભાઇનો ફોન આવ્યો. શનિવારે, ૨૮ ઓક્ટોબરે તેમના નિવાસસ્થાને દુર્ગાપૂજા યોજાઇ હતી તેનું આમંત્રણ આપ્યું. સાથોસાથ પાંચ-સાત અન્ય મહાનુભાવોને આ અંગે જાણ કરીને તેમને પણ આ આમંત્રણ પહોંચાડવાનો આદેશ આપ્યો. આટલું આગોતરું, અને ગોપીચંદભાઇનું આમંત્રણ હોય તેને નકારવાનો સવાલ જ નહોતો. આમંત્રણ સ્વીકાર્યું. ડાયરીમાં નોંધ કરીને મારી હાજરી કન્ફર્મ કરી.
એક મહિના પહેલાં મને એક બહેનનો ફોન આવ્યો. પોતાની ઓળખ ભારતીબહેન ઠક્કર તરીકે આપી અને કહ્યું કે આપણે ક્યારેય મળ્યા તો નથી, પણ ગુજરાત સમાચાર દ્વારા તમને જાણું છું. અમારા પરિવારે શનિવારે, ૨૮ ઓક્ટોબરે એક સંગીતમય જલ્સો યોજ્યો છે એમાં તમે ઉપસ્થિત રહો એવી અમારા પરિવારની લાગણી છે. તેમણે આ ભાવભર્યા આગ્રહનું બેકગ્રાઉન્ડ આપતાં કહ્યું કે મારા માતુશ્રી આપના ગુજરાત સમાચારના ચાહક છે, અને સવિશેષ તો જીવંત પંથના ચાહક છે. તમારી હાજરીથી તેમને અત્યંત આનંદ થશે. સાથોસાથ તેમણે કહ્યું કે આ અંગે મારે તેમના માતુશ્રીને જાણ કરવાની નથી, કેમ કે મારી હાજરી તેમના માતુશ્રી માટે ‘સરપ્રાઇઝ’ છે.
મેં કહ્યું કે બહેન તમારા પરિવાર સાથે આ પહેલો સીધો સંપર્ક છે. સરનામું પણ જાણતો નથી, ત્યાં તમારા માતુશ્રીને મારી હાજરી અંગે જાણ કરવાનો તો સવાલ જ નથી. ઘણા લાંબા સમય અગાઉ જ આમંત્રણ સ્વીકાર્યું હોવાથી હિન્દુજા પરિવારના કાર્યક્રમમાં મારી હાજરી જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો તો બહેને તરત જ ઉમેર્યું કે તમે જ નક્કી કરજો, અમારે ત્યાં આવી શકાય તેવો પ્રયાસ અવશ્ય કરજો. મારા માતાને ખરેખર બહુ જ આનંદ થશે. ભારતીબહેને નિમંત્રણ પત્રિકા મોકલાવી. સ્થળ લંડનની બહાર આવેલા અલસ્ટ્રી વિસ્તારમાં હતું.
મિત્રો, મારા માટે બે પ્રકારે ધર્મસંકટ સર્જાયુંઃ એક તો હિન્દુજા પરિવારનું કન્ફર્મ કરેલું આમંત્રણ. અને બીજું આ બહેનનું આમંત્રણ. હું રહ્યો પબ્લિક ટ્રાન્સપોર્ટનો માણસ. ટ્યુબ, ટ્રેન કે બસમાં બધે ફરનારો. કેબનો ઉપયોગ પણ જવલ્લે જ કરવાનો. સાથોસાથ તબિયતનો પણ ખ્યાલ તો રાખવો પડે ને?! સમી સાંજના પ્રોગ્રામ માટે લંડનની બહાર અલસ્ટ્રી એરિયામાં પહોંચવાનું હતું. મેં ભારતીબહેનને મારા ‘ધર્મસંકટ’ની વાત કરી. તેમણે વાહનની વ્યવસ્થા કરવા તૈયારી દર્શાવી, પણ આ આયોજન મારા સ્વભાવને મંજૂર નહોતું. કોઇ આપણને પ્રેમભાવે તેડાવતું હોય ત્યારે તેમને બોજારૂપ તો ન જ બનવું જોઇએને?
મેં ઠક્કર પરિવારના લાગણીભર્યા આમંત્રણને માન આપીને કોઇ પણ સંજોગોમાં તેમને ત્યાં પહોંચવાનું નક્કી કર્યું. વાચક મિત્રો, ઇરાદો સારો હોયને ત્યારે પરમાત્મા પણ તમને મદદ કરવા તૈયાર જ બેઠો હોય છે. હું આ કાર્યક્રમમાં આવવાનો છું તે જાણીને એક સેવાભાવી પરિચિત બહેને ફોન કર્યો. એજવેર સ્ટેશનથી ત્યાં લઇ જવાની અને પરત કરવાની લિફ્ટ ઓફર કરી. અને બંદા પહોંચી ગયા ઠક્કર પરિવારના સંગીત સમારોહમાં.
ખરેખર અદભૂત કાર્યક્રમ હતો. નેવું વર્ષના માતુશ્રીના જન્મદિનમાં ૨૦૦ જેટલા સગાં-સ્વજનો-મિત્રો પરિવારસહ હાજર હતા. બાળકથી માંડીને વડીલો... સહુ કોઇના ચહેરા પર આનંદ-ઉમંગ તરવરે. ગીત-સંગીત એટલે ગીત-સંગીત... કોઇ પ્રવચનબાજી નહીં. સંપૂર્ણ શાકાહારી ભોજન, સહુ કોઇના અંતરમનમાં સમાયેલી તમામ લાગણી-પ્રાર્થના ગીત-ભજનના માધ્યમથી રજૂ થઇ. ખરા અર્થમાં માતૃશક્તિનું સન્માન થતું નિહાળ્યું. એક અનોખા પ્રસંગનો સાક્ષી બન્યો. ભારતીય પરિવારોમાં જોવા મળતી સંયુક્ત કુટુંબની ભાવના અહીં ધબકતી જોવા મળી.
વાચક મિત્રો, ભારતીય સમાજમાં અમુક પરિવારો, અમુક જ્ઞાતિઓએ અનેકવિધ ક્ષેત્રે સિદ્ધિના શીખરો સર કર્યા છે. અને આજે પણ પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યા છે. આ બધાના મૂળમાં આખરે તો સંસ્કાર-વારસો, પરંપરા, પારિવારિક મૂલ્યો, એકતા-સંપ, ભાઇચારો વગેરે હોય છે. કોઇ પણ વૃક્ષ ત્યારે જ ઊંચું, ઘેઘુર બની શકે છે જ્યારે તેના મૂળિયા ઊંડા હોય. આ કાર્યક્રમમાં પણ કંઇક આવું જ જોવા મળ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત કરોડાધિપતીથી માંડીને મારા જેવો અદનો આમંત્રિત.. સહુ કોઇને એકસમાન આદર-સત્કાર-સન્માન મળ્યા હતા. સંતાનોના વાણી-વર્તનમાં પરિવારના વડીલો પ્રત્યે આદર-સત્કાર છલકતા હતા તો વડીલોના વ્યવહારમાં સંતાનો પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ નીતરતો હતો. અને આ બધું સહજપણે થતું જોવા મળતું હતું, સમગ્ર આયોજનમાં ક્યાંય પણ કૃત્રિમતાનો ભાર નહોતો. વાણી-વર્તન-વ્યવહાર થકી ભાવિ પેઢીને વગર કહ્યે એક જ સંદેશો અપાઇ રહ્યો હતોઃ સંપ ત્યાં જંપ.
ભારતીબહેન, એક લાગણીસભર, ઉમદા કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર આપવા બદલ હાર્દિક ધન્યવાદ... (ક્રમશઃ)

