જસ્ટિન બીબર અને એડલના શોની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરનારી વોલસોલમાં રહેતી ઈંગ્લેન્ડ વિમેન્સની ૨૫ વર્ષીય ક્રિકેટર અને લો સ્ટુડન્ટ ઝૈનાબ પરવેઝે બિયોન્સના પ્રશંસકોને ૭,૦૦૦ પાઉન્ડથી વધુની નકલી ટિકિટો વેચીને ઠગાઈ કરી હોવાનું કબૂલ્યું હતું. પેમેન્ટ લેવા માટે તેણે તેના મિત્રના દાદાના પે પાલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. ગ્રાહકોએ ફરિયાદ કરતા બીકનેલે આ રકમ ચૂકવવી પડી હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી.
• બ્રિટનમાં ત્રણમાંથી એક કાર ડ્રાઈવરને દર વર્ષે દંડ
RAC ફાઉન્ડેશનના અભ્યાસમાં જણાયું હતું કે દર ૨.૫ સેકન્ડે એક કાર ડ્રાઈવરને પેનલ્ટી નોટિસ સાથે દર વર્ષે લગભગ ૧૨ મિલિયનને એટલે કે દર ત્રણમાંથી એક ડ્રાઈવરને આ નોટિસ મળે છે. દંડની રકમની ૮૦૦ મિલિયન પાઉન્ડની આવક થાય છે. ઓટોમેશન ટેક્નોલોજીને લીધે આ બાબત કાઉન્સિલ અને પોલીસ માટે દૂઝણી ગાય બની ગઈ છે. લંડનની કાઉન્સિલોને પાર્કિંગ અને ટ્રાફિક દંડથી ૩૭૧ મિલિયન પાઉન્ડ અને ઈંગ્લેન્ડ અને વેલ્સની બાકીની લોકલ ઓથોરિટીને લગભગ ૨૧૧ મિલિયન પાઉન્ડની આવક થઈ હોવાનો અંદાજ છે.
• વેતનવધારાના ખર્ચને પહોંચી વળવા NHS બચત કરેઃ હેમન્ડ
ચાન્સેલર ફિલિપ હેમન્ડે હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટને જણાવ્યું હતું કે NHS વધુ કાર્યદક્ષ નહીં થાય તો ડોક્ટરો અને નર્સોના વેતનવધારાની ચૂકવણી માટે તેઓ વધારાની રકમ આપશે નહીં. હેમન્ડે જણાવ્યું હતું કે કાર્યદક્ષતા સુધરે તેને માટે ચર્ચા કરીને તેનો રસ્તો શોધાય તે પછી જ વધારાનું ભંડોળ આપવાની શક્યતા વિશે તેઓ ચર્ચા કરશે.
• મોડીફાઈડ ડીઝલ ફીલ્ટર્સના ઉપયોગ માટે કાર ચાલકોને દંડ થશે
ડીઝલ એક્ઝોસ્ટ ફીલ્ટર્સ વિનાની મોડીફાઈડ કાર ગેરકાયદે ચલાવતા યુકેના હજારો ચાલકોને દંડ થશે. ડીઝલના ઉપયોગથી મોટા પ્રમાણમાં કચરો જામી જાય છે અને ફીલ્ટર તૂટી જવાની શક્યતા રહે છે. તૂટેલું ફીલ્ટર બદલવામાં થતો ૧,૦૦૦ પાઉન્ડનો ખર્ચ ટાળવા માટે ડ્રાઈવર ફીલ્ટર જ કાઢી નાખે છે. મોડીફાઈડ વાહન ચલાવવું ગૂનો હોવાથી કાર માટે ૧,૦૦૦ પાઉન્ડ અને વાન માટે ૨,૫૦૦ પાઉન્ડનો દંડ થઈ શકે છે.
• સાયનસના ઈલાજમાં લેમસીપ સહિતની દવાઓ બિનઅસરકારક
માથામાં ભરાયેલી શરદીથી રાહત આપવામાં લેમસીપ અને સુડોફેડ જેવી દવાઓની કોઈ અસર થતી ન હોવાનું NHS દ્વારા સૂચવાયું હતું. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (Nice)એ જણાવ્યું હતું કે ઓરલ ટેબ્લેટથી સાયનસના દર્દીને રાહત મળતી હોવાના ખૂબ ઓછા અથવા નહીંવત પૂરાવા છે. તેથી દર્દીઓએ પેરાસિટામોલ લેવાનું ચાલુ રાખવું જોઈએ. મોટાભાગના કિસ્સામાં બેથી ત્રણ અઠવાડિયામાં કોઈપણ જાતની સારવાર વિના દર્દીને સારું થઈ જતું હોય છે. પેરાસિટામોલ તાવ અથવા દુઃખાવામાં રાહત માટે લેવાની હોય છે.
