સરકારે પ્રિસ્ક્રિપ્શનોની પરત ચૂકવાતી રકમમાં મૂકેલા કાપને ધ્યાને લઈને લોઈડ્ઝ ફાર્મસી તેના ૧૯૦ સ્ટોર બંધ કરશે અથવા વેચી દેશે. યુરોપિયન હેલ્થ કેર કંપની સેલેસીઓની માલિકીની આ કંપનીના ૧,૫૦૦ આઉટલેટ અને ૧૭,૦૦૦ કર્મચારી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડમાં ૧૨,૦૦૦ પ્રાઈવેટ કોમ્યુનિટી ફાર્મસી છે અને બંધ થનારા સ્ટોર્સની ટકાવારી માત્ર ૧.૬ છે.
• ઈરાકના વેપન્સ ઈન્સ્પેક્ટરનો મૃતદેહ ખસેડાયો
ઓક્સફર્ડશાયરના લોંગવર્થમાં સેન્ટ મેરી પેરિશ ચર્ચના કબ્રરસ્તાનની કબરમાં દફનાવાયેલા ઈરાકના વેપન્સ ઈન્સ્પેક્ટર ડેવિડ કેલીના મૃતદેહને તેમના પરિવારે બહાર કાઢીને અન્યત્ર ખસેડ્યો હતો. ૨૦૦૩માં કેલીનું મૃત્યુ થયું હતું. તપાસમાં તેમણે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ, તેમનું ઈન્ક્વેસ્ટ કરાયું ન હતું. તેમના ઈન્ક્વેસ્ટની માગણી સાથે જસ્ટિસ ફોર કેલી ગ્રૂપ કબર પર પ્લેકાર્ડ મૂક્યા હતા.
• માઈગ્રેશન ઘટતા યુકેની વસતિ અંદાજથી ૨ મિલિયન ઓછી રહેશે
નેટ માઈગ્રેશન અને બાળકોના જન્મ દરમાં ઘટાડાને લીધે ૨૫ વર્ષના સમયગાળાના ૨૦૧૫માં મૂકાયેલા અંદાજથી યુકેની વસતિ બે મિલિયન ઓછી રહેશે તેમ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) દ્વારા જણાવાયું હતું. ૨૦૪૧ સુધીમાં યુકેની વસતી લગભગ ૭૩ મિલિયન થશે. આ અંદાજ વાર્ષિક જન્મ અને મૃત્યુ દર, સરેરાશ આયુષ્ય અને નેટ માઈગ્રેશન પર આધારિત છે.
• અશ્વેત વિદ્યાર્થીઓએ સાંસદ લેમીના દાવાને વખોડ્યો
ઓક્સફર્ડ યુનિવર્સિટીની આફ્રો-કેરેબિયન સોસાયટીએ લેબર MP ડેવિડ લેમીએ કરેલી દખલગીરીની ટીકા કરતા જણાવ્યું હતું કે જાતીય અસમાનતા માટે યુનિવર્સિટીના વડાઓને વખોડવા જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે લેમીએ ઓક્સબ્રીજ એડમિશન પોલીસીની કરેલી ટીકાથી સારું થવાને બદલે વધુ નુક્સાન થશે. લંમીએ તેને 'સામાજિક રંગભેદ' ગણાવી હતી. ત્રણ ઓક્સફર્ડ કોલેજમાંથી એક કોલેજે એક પણ A લેવલના અશ્વેત બ્રિટિશ વિદ્યાર્થીને એડમિશન આપ્યું ન હતું તેની લેમીએ ટીકા કરી હતી.
• હાર્ટ એટેક પછી મહિલાનું મૃત્યુ થવાની શક્યતા વધુ
હાર્ટ એટેક આવે તેના એક વર્ષમાં પુરુષો કરતા મહિલાઓનું મૃત્યુ થવાની શક્યતા ૫૦ ટકા વધારે હોય છે. હાર્ટ એટેક આવ્યા પછી રોજિંદા જીવનમાં પુરુષ કરતા સ્ત્રીને વિવિધ અપેક્ષાઓનો સામનો કરવો પડતો હોય છે. હૃદયની તકલીફમાં ઉંમર અને જાતિના તફાવતને ધ્યાનમાં લેતા અને કથિત સુપર મમ સિન્ડ્રોમ તથા ઝડપથી સાજા થઈને પોતાની મેળે બધું કામ કરવાના સ્ટ્રેસને કારણે આવું થતું હોવાનું ટેક્નિકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિકના કાર્ડિયોલોજીસ્ટ પ્રોફેસર જ્યોર્જ શ્મિતે જણાવ્યું હતું.
-------------
