લંડનઃ ગોલ્ફને કેટલાક લોકો ધનાઢયોની અને પૂરતી ફુરસદ ધરાવતા લોકોની રમત ગણાવે છે. જોકે ગોલ્ફને આવી ઓળખ આપતી વેળા તેનાથી મળતા લાભોની ઉપેક્ષા કરવામાં આવે છે. ગોલ્ફની રમત ફુટબોલ, રગ્બી કે ટેનિસ કરતાં પણ વધુ ઊર્જા માગી લે છે. આમ ગોલ્ફ રમવાથી તંદુરસ્તી પણ ખૂબ સારી રહે છે. નિષ્ણાતોના મતે ગોલ્ફના એક રાઉન્ડથી એક સપ્તાહની કસરત થઇ જાય છે.
મેકમિલીન કેન્સર સપોર્ટ સંસ્થાનું કહેવું છે કે ગોલ્ફના ખાસ મોકાના સિંગલ રાઉન્ડ દરમિયાન ખેલાડીને ચારથી આઠ માઈલ ચાલવું પડતું હોય છે. આ માટે ૧૧૨૪૫થી ૧૬૬૬૭ ડગલા માંડવા પડે છે. આ રાઉન્ડ ૨૪૦ મિનિટનું હોય છે.
આરોગ્ય નિષ્ણાતો સ્વસ્થતા માટે આમ તો ૧૫૦ મિનિટની સઘન શારીરિક પ્રવૃત્તિ કરવાની ભલામણ કરતાં હોય છે. આમ ગોલ્ફ તે ભલામણ કરતાં પણ વધુ સમય માટે સક્રિય ભૂમિકા માગી લે છે. ખેલાડી ઉત્સાહી હોય તો પ્રૌઢ વયે પણ ગોલ્ફ રમી શકતો હોય છે. લોંગ ડે ચેલેન્જ નામે આયોજિત ફંડ રેઇઝિંગ ઇવેન્ટ પૂર્વે આયોજકોએ આ લાભો જણાવ્યા હતા. કેન્સર પીડિતો માટે ભંડોળ ઊભું કરવા આ ઈવેન્ટ યોજાઇ હતી. જેમાં ચાર ખેલાડીની ટીમે ૭૨ હોલ્સ પર આશરે ૩૦૦ શોટ રમવાના હોય છે. તમે અંદાજ લગાવી શકો છે કે ખેલાડીએ રમત દરમિયાન કેટલું ચાલવું પડ્યું હશે.

