રાજ્યસભાની બેઠકો પરની ચૂંટણી અને એક અઠવાડિયા સુધી વરસાદી અતિવૃષ્ટિઃ આ બે ઘટનાઓએ ગુજરાતની સરહદ પાર કરીને હિલચાલ મચાવી દીધી છે. મીડિયાએ તો કોંગ્રેસમાં ‘ભૂકંપ’ની ઓળખ આપી. કારણ એટલું જ કે ચારેક વાર રાજ્યસભામાં ચૂંટાઈ આવેલા અહમદ પટેલ પાંચમી વાર ઊભા તે દરમિયાન તો કોંગ્રેસના ધારાસભ્યોમાં અસંતોષની શરૂઆત થઈ ગઈ, આવો સમય કોઈ પણ પક્ષમાં આવે જ છે.
૧૯૯૬માં ભાજપમાં વ્યાપક અસંતોષ થયો ત્યારે ફાયર ફાઇટર બ્રિગેડ (અગ્નિશામક દળ)ની જેની સીધી જવાબદારી હતી તેવાં દિલ્હીનાં નેતૃત્વે ખાસ દરકાર જ કરી નહીં. લાલ કૃષ્ણ અડવાણી સોમનાથ દર્શને તો ગયા પણ અમદાવાદમાં અસંતોષનો તણખો જાહેર અનશન સુધી પહોંચવા છતાં આવ્યા નહીં, તેમાંથી ભડકો થયો. ધારાસભ્યો છૂટા પડ્યા. છેવટે અટલ બિહારી વાજપેયી, ભૈરો સિંહ શેખાવત, જસવંત સિંહ, પ્રમોદ મહાજન અને કૃષ્ણાલાલ શર્માએ ગાંધીનગરમાં ડેરો નાખ્યો ત્યારે સમાધાનનો માહૌલ રચાયો હતો.
કોંગ્રેસે તો પહેલેથી જ કોઈ સમજૂતી અને નુકસાન ન થાય તેવું વાતાવરણ પેદા કરવાની તૈયારી જ ના કરી! ખાલી ‘પ્રભારી’નો કર્મકાંડ કર્યો. એકને મોકલ્યા પછી તેને બદલાવીને બીજાને મોકલ્યા. આ બીજા પ્રભારીએ તો બળતામાં ઘી હોમ્યું. ‘શંકરસિંહ કોઈ મોટા દબાણ હેઠળ પક્ષમાંથી છૂટા થયા છે’ એવું જાહેરમાં કહ્યું અને કોશિશ કરી કે વાઘેલા પર ઇન્કમટેક્સનો દરોડો પાડ્યો હતો એટલે બચવા માટે કોંગ્રેસથી અલગ થયા છે. ગેહલોતના આ વિધાને શંકરસિંહને વધુ ગુસ્સે કરી મૂક્યા અને તેમણે જાહેર કર્યું કે ગેહલોતે આ આક્ષેપો પાછા ખેંચી લેવા જોઈએ.
શંકરસિંહ વાઘેલાનું સંમેલન ઘણું મોટું હતું. ભાજપ-કોંગ્રેસ તો માત્ર દર્શક હતા. બાપુએ પોતાનાં રાજકીય જીવનની દાસ્તાન કહી. પોતે દરેક નિર્ણય પ્રજાને કેન્દ્રમાં રાખીને જ કરે છે એવું જણાવ્યું. ‘કોંગ્રેસને હું મારાથી મુક્ત કરું છું’ એમ જણાવીને એક જ શ્વાસમાં બીજું વિધાન કર્યું કે ‘હું ભાજપમાં જોડાવાનો નથી’, પરંતુ ‘જાહેર જીવનને છોડવાનો નથી.’ કેટલાક રાજકીય પંડિતોને લાગ્યું કે બાપુ અલ્પેશ ઠાકોર – હાર્દિક પટેલ – જિજ્ઞેશ મેવાણીના ‘આંદોલનો’ની સાથે થઈ, તેને સાથે લઈને નવો મોરચો ખોલશે. પણ એ શક્ય નથી. આ ત્રણે નેતાઓની સાર્વજનિક સંગઠન માટેની નબળાઈઓ ઘણી મોટી છે. ક્રમશઃ તેમનું જોર ઘટી ગયું છે અને આંતરિક વિખવાદમાં વધુ નબળા પૂરવાર થઈ ચૂક્યા છે.
શંકરસિંહ જનસંઘમાં પૂર્ણકાલીન સંગઠન મંત્રી તરીકે ૧૯૬૭માં સક્રિય થયા અને થોડાંક વર્ષોમાં જ નવનિર્માણ આંદોલન થયું. એ સંઘર્ષ તો એવો હતો કે વિદ્યાર્થી નેતાઓ ધારે તો નવો પક્ષ કે પરિબળ તરીકે ગઠિત થઈ શક્યાં હોત, પણ તેવું બન્યું નહીં. બહુ જલદીથી આ મધ્યમ વર્ગીય યુવક નેતાઓ એકબીજાની ખિલાફ થઈ ગયા. ચતુર ચીમનભાઈ પટેલે તેમાંના કેટલાકને તો કોંગ્રેસી પણ બનાવી દીધા હતા!
નવનિર્માણની સફળતા તત્કાલીન સરકારનાં રાજીનામાની હતી, પણ પછીની ચૂંટણીમાં તો અસ્તિત્વ ધરાવતા વિવિધ રાજકીય પક્ષો - સંસ્થા કોંગ્રેસ, જનસંઘ, ભાલોદ વગેરે-નો મોરચો જ કામે લાગ્યો. તેમાં આંગળીના વેઢે ગણાય એટલા જે. પી. વાદી લોકસ્વરાજ આંદોલકો હતા, સમય જતાં તે પણ નિસ્તેજ બની ગયા. રાજકીય રંગપટ પર શંકરસિંહ પોતે એક મોટી પાર્ટી - જેને હજુ સત્તા સુધી પહોંચવાની કામિયાબી મળી નહોતી - તેના નેતા હતા અને વ્યૂહરચના મુજબ જનસંઘ વર્ત્યો, મોરારજીભાઈ તેમના પર સૌથી વધુ ખુશ રહ્યા. મોરચા-સરકારમાં કેશુભાઈ, મકરંદ દેસાઈ અને હેમાબહેન આચાર્ય મંત્રી બન્યા.
જનસંઘને માટે તેની શક્તિના વિસ્તારની તે પ્રથમ સીડી પૂરવાર થઈ. પછી ઇમર્જન્સી આવી. તે સમયે સંઘર્ષશીલ ગુજરાતી નેતાઓમાં બાબુભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, મકરંદ દેસાઈ, ઇન્દુભાઈ પટેલ વગેરે મુખ્ય રહ્યા. જેલની બહાર સૌથી મજબૂત સંઘર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જેમને સક્રિય રહેવા જણાવ્યું હતું તે નરેન્દ્ર મોદી ભૂગર્ભ પ્રવૃત્તિ દરમિયાન વિવિધ રાજકીય – બિનરાજકીય પક્ષો - પરિબળોના સંપર્કમાં આવ્યા. છેક ભીતર સુધીનો પરિચય મેળવ્યો, નેતાઓની કાર્યશૈલીનો અભ્યાસ કર્યો. આજના કુશળ અને સાવધાની સાથેના સજ્જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મૂળિયાં ૧૯૭૫-૭૬-૭૭નાં વર્ષોમાં પડ્યાં છે. સાર્વજનિક જીવનની રાજકીય તાકાત તરીકે તો બે રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ-જ રહ્યા. રાજપાનો સંકેલો કરવાનું બન્યું ત્યારે શંકરસિંહ કોંગ્રેસને બદલે ભાજપમાં જોડાયા હોત કે જોડાઈ શક્યા હોત તો?
આ ‘જો’ અને ‘તો’ રાજકીય જીવનના બે બડકમદારો છે, કોઈનો યે પીછો તે છોડતો નથી. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક માત્ર રહ્યા હોત અને રાજકારણમાં ના આવ્યા હોત તો? એ સવાલના જવાબમાં અટકળો અને અનુમાનોનો સિલસિલો ચાલુ થઈ જાય!
કોંગ્રેસમાં બાપુ પ્રવેશ્યા ત્યારે પ્રાદેશિક સ્તરના - ભાવિ મુખ્ય પ્રધાન તરીકે આભા ઊભી કરી શકે તેવા - નેતાનો અભાવ હતો અને આજે પણ છે. હા, તેના એક ગુજરાતી નેતા અહમદ પટેલનો દિલ્હીમાં ઘણા લાંબા સમયથી દબદબો રહ્યો છે પણ ગુજરાતમાં નેતૃત્વના પ્રશ્ને કોંગ્રેસમાં પ્રવેશેલા શંકરસિંહ વાઘેલાને આધારશિલા તે વર્ષોની છે, એ નોંધવા જેવી ભૂમિકા છે. મોદીએ પ્રદેશથી દેશ સુધી પહોંચવાનો ‘રોડ મેપ’ ત્યારથી જ માનસિક રીતે તૈયાર કરી રાખ્યો. તેમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા. ૧૯૯૫માં ભાજપને પહેલી વાર ગુજરાતમાં સંપૂર્ણ સત્તા મળી એ તેમને માટે મુશ્કેલી સાથેની કસોટી સાબિત થઈ, તેમાંથી તેમણે અનેક બોધપાઠ લીધા.
શંકરસિંહ વાઘેલાને માટે ય કસોટી ઓછી નહોતી. ભાજપથી છૂટા પડીને નવો પક્ષ રચવામાં તેમની દ્વિધા તો હતી જ અને તે સાચી પડી. હા, ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે તેમને થોડા મહિનાઓ મળ્યા તેમાં કાબેલ, ઝડપી નિર્ણયો અને પ્રજાના પ્રશ્નો સમજવાની તેમની શક્તિનો અનુભવ થયો. પરંતુ દેશના એક મોટા ‘રાષ્ટ્રીય’ ગણાતા પક્ષ કોંગ્રેસનો ટેકો ભારે પડ્યો અને પછીની ચૂંટણીમાં જે તક હતી તે ગુજરાત કોંગ્રેસે જ નેસ્તનાબૂદ કરવાનો કાર્યક્રમ ઉપાડી લીધો તેનાં માઠાં પરિણામો હવે દેખાય છે.
શંકરસિંહ તો ગયા, બીજા ધારાસભ્યો પણ રાજીનામાં આપવા માંડ્યા છે. તેમના પોતાનાં પણ કારણો છે, પણ મૂળ વાત એટલી જ કે ચૂંટાયેલા ધારાસભ્યોને સંતુલિત રીતે પોતાને ત્યાં જાળવી રાખવામાં પક્ષ તદ્દન નિષ્ફળ પૂરવાર થયો. ત્યાં સુધી કે તેનો ધારાસભામાં મુખ્ય નેતાઓમાંનો એક છૂટો થઈને ભાજપમાં અહમદ પટેલની સામેનો, રાજ્યસભાનો ઉમેદવાર બને છે! જેમણે કોંગ્રેસમાં વધુ અસરકારક કામ કરવાનું હતું તેઓ આમ કઈ રીતે છેડો ફાડીને ચાલ્યા ગયા તેના કોંગ્રેસ નેતાઓના ખુલાસા કોઈને ય ગળે ઉતરે એવા નથી. શંકરસિંહના સગા થાય છે એ કારણ તર્કહીન છે. શંકરસિંહ છૂટા થયા એ કોંગ્રેસમાં કોના સગા હતા?
ખરી વાત એ છે કે નેતૃત્વની સજ્જતા બાબતમાં આ રાજકીય પક્ષ વેરવિખેર છે અને સત્તા પ્રાપ્તિ ન થતાં તેના કાર્યકર્તાઓમાં હતાશા અને બહાવરાપણું દેખાઈ રહ્યું છે. પક્ષની પાસે મજબૂત વિચારધારા, પ્રતિબદ્ધતા અને તેને માટે જ કામ કરવાની માનસિકતા - આ ત્રણે વાનાં હોય તો પક્ષ ટકી શકે એ વાત તમામ પક્ષોએ સમજી લેવા જેવી છે. વર્તમાન ગુજરાતની રાજનીતિનો આ બોધપાઠ તમામ પ્રદેશોમાં લાગુ પડે છે.

