છ માસ સ્તનપાન કરાવનાર માતાને કેન્સરનું ઓછું જોખમ

Wednesday 02nd August 2017 07:58 EDT
 

લંડનઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ની ભલામણ મુજબ સંતાનને છ મહિના સુધી સ્તનપાન કરાવતી માતાને સ્તનપાન નહીં કરાવતી અન્ય માતાની સરખામણીમાં એન્ડોમેટ્રિયલ કેન્સર થવાનું જોખમ ૧૧ ટકા ઘટી જતું હોવાનું ૧૭ અભ્યાસના વિશ્લેષણમાં જણાયું છે.
સંતાનને છ મહિના કરતા વધુ સમય સ્તનપાન કરાવતી મહિલાઓમાં તો તેનું જોખમ ખૂબ ઘટી જાય છે. અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં મહિલાઓમાં સામાન્ય ગણાતા કેન્સરમાં તે ચોથા ક્રમે છે.   
 ઓસ્ટ્રેલિયાના QIMR બર્ગહોફર મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના જણાવ્યા પ્રમાણે ગર્ભાશયનું કેન્સર કોમન બની રહ્યું છે અને તેને અટકાવવાનો પ્રયાસ કરવો પડશે. મહિલાઓ કેન્સર વિશે જેટલી માહિતગાર થશે તેટલું તે ભવિષ્યમાં કેન્સર થવાના જોખમને ઘટાડી શકશે. સંશોધકોએ બાળક થયું હોય અને વધુ કે ઓછા સમય માટે સ્તનપાન કરાવ્યું હોય કે ન કરાવ્યું હોય તેવી ૨૬ હજારથી વધુ મહિલાની વિગતો ચકાસી હતી. તેમાંથી ૯ હજાર મહિલાને એન્ડોમેટ્રિયલ કેન્સર હતું. ઉંમર, જાતિ સહિત અનેક પરિબળને નજરમાં રાખીને થયેલા અભ્યાસમાં જણાયું હતું કે સ્તનપાન કરાવ્યું હોય તો તેની રક્ષણાત્મક અસર રહે છે.


    comments powered by Disqus