દાળમાં નાંખવામાં આવતું કોકમ કેન્સરની સારવારમાં ઉપયોગી

Wednesday 02nd August 2017 07:33 EDT
 
 

વડોદરાઃ ગુજરાતી ઘરોમાં બનતી દાળમાં કોકમના ઉપયોગની નવાઈ નથી. જોકે રોજબરોજ દાળમાં સ્વાદ વધારવા માટે નાંખવામાં આવતા કોકમમાં કેન્સર મટાડવાના પણ ગુણો રહેલા છે તેમ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રીસર્ચના ડાયરેક્ટરેટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ રીસર્ચના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ડો.સત્યાંશુ કુમારનું કહેવુ છે. તેઓ કોકમની વિવિધ પ્રજાતિઓમાં રહેલા ઔષધિય ગુણો પર છેલ્લા ૧૪ વષથી રીસર્ચ કરી રહ્યા છે. ડાયરેક્ટરેટ ઓફ મેડિસિનલ પ્લાન્ટ એન્ડ એરોમેટિક પ્લાન્ટ રીસર્ચ આણંદ નજીક બોરીયાવી ખાતે કાર્યરત છે.
ડો. સત્યાંશુ કુમાર વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં ચાલી રહેલા વર્કશોપમાં વિદ્યાર્થીઓને લેક્ચર આપવા માટે આવ્યા હતા. એક વાતચીતમાં તેમનુ કહેવું હતું કે કોકમના ફળની છાલમાં પોલીઆઈસો-પ્રીવીનાઈલેટેડ નામનું એક તત્વ મળે છે. પીઆઈવીના ટુંકા નામથી ઓળખાતા આ તત્વ કેન્સર સામે અસરકાર છે તેવું અમને જાણવા મળ્યું છે. કોકમની છાલમાં તેનુ પ્રમાણ ત્રણ થી ચાર ટકા હોય છે.
કોકમની અલગ અલગ પ્રજાતિમાંથી અમે તેના ૫૦ જેટલા સેમ્પલ લઈને મુંબઈની ટાટા કેન્સર હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જ્યાં તેનું કેન્સરગ્રસ્ત સેલ પર લેબોરેટરીમાં વધુ પરીક્ષણ હાથ ધરાશે. તેના પરિણામોની અમે રાહ જોઈ રહ્યા છે. એ પછી અમે માનવશરીર પર તેનુ પરીક્ષણ કરવાની પરવાનગી માંગીશું.


comments powered by Disqus