બે બાળક સાથે સારું જીવન વીતાવવા દંપતી માટે ૪૦ હજાર પાઉન્ડની આવક જરૂરી

Wednesday 02nd August 2017 07:52 EDT
 
 

લંડનઃ યુકેમાં બે બાળક ધરાવતા દંપતીને સારું જીવન જીવવા માટે લઘુતમ વાર્ષિક ૪૦,૦૦૦ પાઉન્ડથી વધુ આવક જરૂરી હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. જોસેફ રોનટ્રી ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર બંને પેરન્ટ્સ કામ કરતા હોય તેવા પરિવારને પણ સારા જીવન પાછળના ખર્ચનું ધોરણ ઊંચે ગયું છે. આ આવક લઘુતમ આવક ધોરણથી થોડી ઊંચે છે.
બેનિફિટ સિસ્ટમમાં ફેરફારના લીધે સિંગલ પેરન્ટ્સના પરિવાર ગયા વર્ષે લિવિંગ સ્ટાન્ડર્ડ્સ ટેબલમાં નીચેની તરફ ઉતર્યા છે. જોકે, એક કમાનાર સાથેના પરંપરાગત પરિવારોને વધુ સહન સહન કરવું પડે છે. લધુતમ ધોરણનો ખર્ચ ગયા વર્ષે ત્રણથી ચાર ટકા વધ્યો છે.
બે બાળક સાથેના પરિવારને સાપ્તાહિક ૮૦૦ પાઉન્ડનો ખર્ચ ભોગવવો પડે છે, જેમાં ચાઈલ્ડકેર (૨૩૪.૫૫), ખોરાક (૧૦૨.૯૨), સામાજિક-સાંસ્કૃતિક ખર્ચ (૯૫.૪૪), ભાડું (૯૧.૦૫), મોટરિંગ (૫૯.૯૩), ક્લોધિંગ (૪૬.૫૯), અંગત સામાન (૩૯.૮૦), ઘરેલુ સામાન (૨૫.૯૧)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફ્યૂલ, પ્રવાસ, કાઉન્સિલ ટેક્સ, પાણીવેરો, ઘરેલુ સર્વિસીસ, આલ્કોહોલ, ઈન્સ્યુરન્સ અને મકાનના નિભાવ ખર્ચા પણ કરવાના રહે છે.
આ હિસાબે એક વ્યક્તિને મિનિમમ સ્ટાન્ડર્ડ જાળવવા વાર્ષિક ૧૭,૯૦૦ પાઉન્ડની આવક જરૂરી બને છે. પ્રી-સ્કૂલ બાળક સાથેના સિંગલ પેરન્ટને ૨૫,૯૦૦ પાઉન્ડ, જ્યારે બે બાળક સાથેના વર્કિંગ કપલને બંને માટે ૨૦,૪૦૦ પાઉન્ડ જરૂરી બને છે, જેમની સંયુક્ત આવક ૪૦,૦૦૦ પાઉન્ડથી વધુ આવશ્યક ગણાય.
ફાઉન્ડેશનની ગણતરી અનુસાર બે પેરન્ટ પ્રતિ કલાક ૭.૫૦ પાઉન્ડનું રાષ્ટ્રીય જીવન વેતન મેળવતા હોય તો તેમના આવકના ધોરણે પહોંચવા સપ્તાહે ૫૯ પાઉન્ડની ઘટ પડશે. આ રીતે સિંગલ પેરન્ટને સાપ્તાહિક ૬૭ પાઉન્ડ અને એક માત્ર કમાનાર સાથેના પરિવારને મિનિમમ વેજ પે પેકેટમાં ૧૨૦ પાઉન્ડની ઘટ પડશે.


    comments powered by Disqus