નવી દિલ્હીઃ ખગોળશાસ્ત્રીઓએ બ્રહ્માંડનો સૌથી નાનો તારો શોધી કાઢ્યો છે. આ નવો તારો આકારમાં શનિ ગ્રહથી થોડોક મોટો છે અને તેની કક્ષામાં પૃથ્વીના આકારના ગ્રહ મોજૂદ હોવાનું મનાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ ૬૦૦ પ્રકાશ વર્ષ દૂર સ્થિત તારો શોધી કાઢ્યો છે. તેને EBLM J0555-57Ab નામ અપાયું છે.
સંશોધકોના કહેવા મુજબ આનાથી નાનો તારો હોય તે શક્ય નથી, કેમ કે હાઇડ્રોજનના પરમાણુને હીલિયમમાં વિલય માટે જેટલું વજન હોવું જોઇએ તેટલું તારાનું વજન છે. તેનાથી ઓછું વજન હશે તો તારાની અંદરનું દબાણ પ્રક્રિયાને સંપૂર્ણ થવા દેશે નહીં. શનિ ગ્રહથી થોડાક મોટા તારાની સપાટીનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ આપણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ૩૦૦ ગણું વધુ છે. સંશોધકોના કહેવા મુજબ આ શોધ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે તેની ભ્રમણકક્ષામાં પૃથ્વી જેવા ગ્રહો મોજૂદ છે, જેમની સપાટી પર પાણી હોવાની સંભાવના છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્ટુડન્ટ એલેક્ઝાન્ડર બોયટિશરે જણાવ્યું કે સંશોધનથી જાણવા મળ્યું કે કોઇ તારો કેટલો નાનો હોઇ શકે છે. જો તારાનું વજન થોડું પણ ઓછું હોત તો તારો બનવાની પ્રક્રિયા પૂરી થઇ શકી હોત.

