વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે ‘ખાડો’ પાડવા બદલ દિલગીર છું. પણ શું વાત કરું? અત્યારે હું જ્યાં છું ત્યાં ચોમેર ખાડાખડબાનું એવું તો સામ્રાજ્ય છવાયું હતું કે મનેય ખાડો પાડવાનું મન થઇ ગયું. મેઘરાજાએ ગુજરાતભરમાં વરસાવેલી અનરાધાર મહેરનું પ્રતિબિંબ ઉબડખાબડ રસ્તામાં જોવા મળી રહ્યું છે. તંત્ર રસ્તા સમાનમા કરવાના કામે લાગ્યું છે, પણ સમય તો લાગે ને?!
આપ સહુ જાણો છો તેમ વીતેલા સપ્તાહથી ગુજરાતભ્રમણ કરી રહ્યો છું. જોકે આપ સહુની શુભકામના, આશીર્વાદથી હું સર્વ પ્રકારે હેમખેમ છુંઃ થેન્કસ...
ગુજરાત મુલાકાતને આજે સોમવારે બરાબર એક સપ્તાહ થયું છે. આ સમયગાળા દરમિયાન અનેકને મળ્યો છું, કેટલાય મિલન-મેળાવડામાં હાજરી આપી છે અને હજુ કેટલાય લોકોને મળવાનું આયોજન છે. આપ સહુ જાણો છો તેમ આ બંદો તો ભઇ ફરે તે ચરેની ઉક્તિને અનુસરનારો છે. સમાજના જુદા જુદા વર્ગ, સમુદાયના લોકોને મળીને કેટલું બધું જાણવા-સમજવા મળતું હોય છે.
અત્યારે સૌરાષ્ટ્રમાં મેળાની ભરમાર જામી છે. શ્રાવણ એટલે સૌરાષ્ટ્રમાં મેળાની મોસમ. આપણે તે ભલા શ્રાવણે સૌરાષ્ટ્ર ક્યાં જઇ પહોંચીએ? આથી અમદાવાદમાં જ મિલન-મુલાકાતનો મેળો જમાવ્યો છે...
•••
‘બોબી’થી ઉતરતી નથી ગુજરાત પોલીસ
ભારત-ગુજરાત પ્રવાસ દરમિયાન મારો મુકામ મોટા ભાગે અમદાવાદમાં (માયાબહેન-દીપકભાઈના નિવાસસ્થાને) હોય છે. સગાં-સ્વજનો કે મિત્રો-મહાનુભાવોની મુલાકાતે એકાદ-બે દિવસ બીજા નગર-મહાનગર કે રાજ્યમાં આંટો જરૂર મારી આવું, પણ કાયમી થાણું તો અમદાવાદ જ હોય. બીજા શહેરના લોકો અહીંના લોકોને વ્યંગમાં ‘અમદાવાદી’ (ક્યા અર્થમાં તે કહેવાની જરૂર ખરી?) તરીકે ઓળખાવતા હોય છે. ‘અમદાવાદી’ શબ્દનો ઉલ્લેખ થાય એટલે કેટલાક હરખપદુડા કટાક્ષમાં ચવાઇ ગયેલી જોક પણ ફટકારી દે કે આ શહેરમાં તમે કોઇને સરનામું પૂછો તો સામેવાળો જવાબ આપીને રૂપિયો માગી લે! જોકે આ તો વાત થઇ લોકમોઢે થતી ચર્ચાની. પરંતુ શું ખરેખર આ શહેરના લોકો ચિંગૂસ, લોભી, બેજવાબદાર કે સંવેદનહીન છે? ના, રતિભાર પણ નહીં.
મારા માટે તો આ શહેર ઉદારમના લોકોનું નગર છે, સાચે જ. આ શહેરમાં મને તો અનેક મિત્રો, સ્વજનો, પરિવારોની દરિયાદિલી, નિસ્વાર્થ પ્રેમ, ઉષ્માભર્યો સંગાથ સાંપડ્યા છે. આ નગરમાં ચીર-પરિચિત તો ઠીક, અજાણ્યા પણ એટલો જ આદર-સન્માન પામતા હોય છે. આ લો ને સોમવારની જ વાત કરું... વાત બહુ નાની છે, પણ રાઇના દાણા જેવી હોવાથી અહીં ટાંકી છે.
હું સોમવારે મારા નારણપુરા સ્થિત મુકામેથી નેહરુનગર સર્કલ પાસે આવેલા આપણા સાપ્તાહિકોના કાર્યાલયે જઇ રહ્યો હતો. યજમાન પરિવારનો તરવરિયો યુવાન કુંજન ગાડી ડ્રાઇવ કરતો હતો. અમે બન્ને અલકમલકની વાતો કરતા હતા. અંધજન મંડળ ક્રોસ રોડના ટ્રાફિક જંકશન પર પહોંચ્યા કે તરત રેડ લાઇટ થઇ ને અમારી કાર અટકી. અમદાવાદથી, અને તેમાં પણ આ ચાર રસ્તાથી, પરિચિત લોકો જાણતા હશે કે આ ચાર રસ્તા પર દિવસરાત ટ્રાફિકથી ધમધમતા રહે છે. કોર્નર પર જાણીતું અંધજન કલ્યાણ મંડળનું સંકુલ છે. સ્વાભાવિક છે કે પ્રજ્ઞાચક્ષુઓની અવરજવર અહીં વધુ રહે જ.
મેં કારમાંથી જ જોયું કે સામેની બાજુ બે પ્રજ્ઞાચક્ષુ બહેનો રસ્તો ક્રોસ કરવાની રાહમાં ફૂટપાથની ધાર પર આવીને ઉભી હતી. તેમના ચહેરા પર જરાક મૂંઝવણ હતી, કદાચ તેઓ ‘કાન’ વડે ટ્રાફિકનો તાગ મેળવી રહ્યા હતા. આ દૃશ્ય મેં જ નહીં, ટ્રાફિક પોલીસના એક તરવરિયા કોન્સ્ટેબલે પણ જોયું હશે. એમ્બર લાઇટ થતાં જ હાથમાં દંડો ઝૂલાવતો તે ઝપાટાભેર બન્ને બહેનો પાસે દોડી ગયો. હાથમાં રહેલા દંડાનો બીજો છેડો એક બહેનના હાથમાં આપ્યો, અને કહ્યું, ‘ચાલો...’ બહેને એક હાથે દંડો ઝાલ્યો, બીજો હાથ બીજી બહેનના હાથમાં આપ્યો. સાથી હાથ બઢાના... જેવી જ કંઇક વાત હતી. પોલીસ જવાને હાથ લાંબો કરીને ટ્રાફિકને સાવચેત કર્યો ને બન્ને બહેનોને રસ્તો સલામત રીતે ક્રોસ કરાવી દીધો. ફૂટપાથ પર પગ મૂકતાં જ બન્ને બહેનોના ચહેરા પર અપાર રાહત સાથેની હળવાશ હતી. તેઓ આભાર વ્યક્ત કરે ન કરે ત્યાં તો પે’લો જવાન સીટી વગાડતો, દંડો હલાવતો ટ્રાફિક સંભાળવાના કામે લાગી ગયો. દંડો એનો એ જ, પણ ઉપયોગ ઉમદા હેતુથી. થોડીક ક્ષણોમાં જ નજર સમક્ષ ભજવાઇ ગયેલું આ દૃશ્ય જોઇને મારી આંખના ખૂણા ભીના થઇ ગયા... કોણ કહે છે કે લંડનના ‘બોબી’ જ વિશ્વની સર્વશ્રેષ્ઠ પોલીસ છે? ગુજરાત પોલીસ તેમનાથી રતિભાર પણ ઉણી ઉતરતી હોય તેવું મને તો લાગતું નથી. પરંતુ અફસોસ, મોટા ભાગના સ્થાનિક અખબારોમાં ગુજરાત પોલીસ વિશે નકારાત્મક અહેવાલો જ વાંચવા મળ્યા. ગુજરાત પોલીસ એટલે ‘કામચોર, ભ્રષ્ટ’ વગેરે વગેરે. આ તો અમદાવાદી એટલે ‘ચિંગૂસ’ જ તેના જેવી વાત થઇ. ખેર, લોકો પણ કેવી કેવી પૂર્વધારણાઓ સાથે જીવતા હોય છે. બીજાના નકારાત્મક અભિગમ વિશે તો આપણે શું કહી શકીએ? જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ.
•••
વેદાંતના અભ્યાસુ વિદૂષીઃ શ્રીમતી ડો. આરતીબહેન પંડ્યા
છેક ૧૯૯૬માં વિશ્વ ગુજરાતી સમાજની વડોદરામાં યોજાયેલી વિશ્વ ગુજરાતી પરિષદમાં પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યાનો મને પ્રથમ પરિચય થયો. તેમનું જ્ઞાનભંડોળ, વિદ્વતા, સાલસતાથી હું પ્રભાવિત થયો. મેં એક સેશનના અધ્યક્ષસ્થાનેથી તેમને પ્રો. વિષ્ણુ પંડ્યા તરીકે ઓળખાવ્યા. તો તરત જ સભાગૃહમાંથી હાથ ઊંચા હલાવીને કહે, ‘સાહેબ... હું પ્રોફેસર નથી.’ આથી મેં કહ્યું, ‘માફ કરજો, પ્રોફેસર નહીં, પણ ડોક્ટર વિષ્ણુ પંડ્યા’. શિક્ષણ ક્ષેત્રે વિદ્વાનોને આ પ્રકારે સંબોધનનો ધારો રહ્યો છે. વળી, આવા ઊંચા ગજાના વિદ્વાન અને ઇતિહાસ તથા રાજકીય બાબતોના ઊંડા અભ્યાસુ તો ‘પ્રોફેસર’ કે ‘ડોક્ટર’ જ હોયને, એમ ધારીને મેં તેમને ડોક્ટર ગણાવ્યા હતા. તો ફરી તેમણે કહ્યું કે ‘ડોક્ટર પણ નહીં, માત્ર લેખક...’ આવી તેમની નમ્રતા, સહજતા. અભ્યાસુ હોવાનો હોવાનો કોઇ ડોળ નહીં. આવા સીધાસાદા, નિસ્પૃહી જવલ્લે જ જોવા મળેને?
સમયના વહેણ સાથે તેમના કેટલાક પુસ્તકો મેં મેળવ્યા, વાંચ્યા, માણ્યા. તેના સંપાદક તરીકે ‘ડો. આરતી પંડ્યા’ નામ અચૂક વાંચવા મળે. કાળક્રમે વિષ્ણુભાઇ સાથેનો પરિચય ઘનિષ્ઠ બન્યો. જાણવા મળ્યું કે આરતીબહેને એક ખ્યાતનામ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત ભાષામાં ડોક્ટરેટ કર્યું છે અને વેદાંતના પ્રખર અભ્યાસુ છે. ‘સમાંતર’ નામે એક સાપ્તાહિક દસ વર્ષ ચલાવ્યું હતું. જીએલએસમાં અધ્યાપક રહી ચૂક્યા અને તેમણે પોતાનાં ત્રણ સ્વતંત્ર પુસ્તકો પણ લખ્યાં છે. પ્રસંગોપાત તેમને મળવાનું બન્યું. આ વખતે સોમવારે તેમને મળવાનો અનોખો અવસર સાંપડ્યો. તબિયતની થોડીક તકલીફ હોવા છતાં આ વિદૂષી બહેન બેઠાં, અને થોડીક વાતો કરી. તબિયત નરમ હતી, પણ જુસ્સો અકબંધ હતો. શ્રી વિષ્ણુભાઇ જે પ્રકારે આરતીબહેનની કાળજી, સારસંભાળ લે છે તે સાચે જ કોઇને પણ પ્રભાવિત કરે તેવા છે. (ક્રમશઃ)

