ભુવનેશ્વરઃ નોટબંધી પછી કાગળનો ટુકડો બની ગયેલી રૂપિયા ૫૦૦ની નોટમાંથી ઓરિસ્સાના કોટામલ ગામના ૧૯ વર્ષના યુવાને વીજળી પેદા કરવાની ટેકનિક શોધી છે. લક્ષ્મણ ડોડું નામનો આ યુવક નોઆપારા જિલ્લાની ખરીઅર ઇન્ટર કોલેજમાં ધો-૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. આ ગરીબ યુવકને એક વાર તેની પાસે રહેલી ત્રણ-ચાર જેટલી જુની નોટોમાંથી વીજળી પેદા કરવાનો વિચાર ઝબુકયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આ સ્ટુડન્ટ એક નોટ પર લગાડેલા સીલીકોન કોટિંગમાંથી ૫ વોલ્ટ વીજળી પેદા કરી શકે છે. આ સીલીકોનને સૂર્યપ્રકાશમાં રાખીને વીજળીના તાર દ્વારા ટ્રાન્સફોર્મર સાથે જોડવામાં આવે છે. ૨૦થી ૨૫ જેટલી નોટોનો ઉપયોગ કરીને આ રીતે ૧૦૦ વોલ્ટનો બલ્બ પણ ચાલુ કરી શકાય છે. એટલું જ નહી આ એનર્જીને ટ્રાન્સફોર્મરમાં સેવ કરીને જરૂર પડે ત્યારે પણ તેને વપરાશમાં લઇ શકાય છે.
વીજળી પેદા કરવા માટે વપરાતુ ટ્રાન્સફોર્મર પણ તેણે જાતે જ તૈયાર કર્યું છે. ખેડૂતના દીકરાએ સંશોધન માટે ૧૫ દિવસ સુધી મહેનત કર્યા પછી પ્રથમ વાર કોલેજના સ્ટુડન્ટ સમક્ષ પણ રજૂ કર્યું હતું. તેનો આ પ્રયોગ જોવા સ્ટુડન્ટસ, ટીચર્સ ઉપરાંત આજુબાજુના ગામથી પણ લોકો આવ્યા હતા. તેના આ પ્રયોગની ઓડિશા રાજયના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે પણ નોંધ લીધી હતી. તેના આ સંશોધન અંગેની સમગ્ર માહિતી પણ મંગાવવામાં આવી છે.
લક્ષ્મણનું માનવું છે કે જો નોટબંધી પછી અબજો રૂપિયાની નોટ બેકાર થઇ ગયેલી નોટોનો વીજળી પેદા કરવામાં ઉપયોગ કરી શકાય છે.

