શરીફ તો બેઈમાન સાબિત થયાઃ ભ્રષ્ટાચારમાં વડા પ્રધાન પદ ગુમાવ્યું

Wednesday 02nd August 2017 07:11 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પનામા પેપર કેસમાં વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચાર કેસના દોષિત ઠેરવી તેમને હોદ્દા પરથી હટાવી દીધા છે. કોર્ટના આ આદેશથી આતંકવાદ, આર્થિક કટોકટી તેમજ સૈન્યના તાનાશાહી વલણથી પ્રભાવિત પાકિસ્તાનમાં હાલ રાજકીય સંકટ જેવી સ્થિતિ સર્જાઇ છે. સુપ્રીમ કોર્ટે ન માત્ર નવાઝ શરીફને ભ્રષ્ટાચાર મામલે દોષિત ઠેરવ્યા છે, તેમની અને તેમના પરિવારજનો વિરુદ્ધ કેસ દાખલ કરવા સહિતની કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને શરીફે વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના અનુગામી તરીકે મંગળવારે શાહિદ અબ્બાસીએ વચગાળાના પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
પાંચ જજોની બેંચે લીધેલો નિર્ણય ૨૮ જુલાઇએ જસ્ટિસ ઇજાઝ અફઝલ ખાને ખીચોખીચ ભરેલા કોર્ટરૂમમાં વાંચી સંભળાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે શરીફે ૨૦૧૩માં ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં સંપત્તિ જાહેર ન કરીને દેશથી છુપાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દેશનું બંધારણ ભ્રષ્ટાચારીને સત્તા સોંપવાની ના પાડે છે. કોર્ટના પરિસરની બહાર વિપક્ષ ઇમરાન ખાનના પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ (પીટીઆઇ) પક્ષના હજારો કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને કોર્ટના આદેશ બાદ ઉજવણી કરી હતી.

શરીફ પરિવાર કાનૂનના સાણસામાં

પાકિસ્તાનના બંધારણના આર્ટિકલ ૬૨ અને ૬૩ અંતર્ગત સુપ્રીમ કોર્ટે શરીફને વડા પ્રધાન પદે અયોગ્ય ઠેરવ્યા હતા. આ આર્ટિકલ કહે છે કે સંસદ સભ્ય ઇમાનદાર, પ્રામાણિક અને સાચો હોવો જોઇએ. જસ્ટિસ ખાને ચૂકાદો આપતા કહ્યું હતું કે શરીફને અયોગ્ય જાહેર કર્યા હોવાથી તેઓ વડા પ્રધાન કે સંસદ સભ્ય અથવા તો કોઇ પણ સરકારી પદ ન સંભાળી શકે. આ સાથે જ પાકિસ્તાનની નેશનલ અકાઉન્ટેબિલિટી કોર્ટ (પીએનએ)ને શરીફ અને તેમના આરોપી પરિવારજનો વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં ટ્રાયલ શરૂ કરવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.

ગોડફાધરના શાસનનો અંતઃ ઇમરાન

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિપક્ષ નેતા અને પીટીઆઇના વડા અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંથી ગોડફાધરના શાસનનો અંત આવ્યો. નવાઝ શરીફ વિરુદ્ધ ગયા વર્ષે ઓક્ટોબર માસમાં સુપ્રીમમાં ઇમરાન ખાનના પક્ષ પીટીઆઇ, અવામી મુસ્લિમ લીગ અને સમાજે ઇસ્લામી દ્વારા પીટીશન કરવામા આવી હતી. કોર્ટે શરીફની હકાલપટ્ટીનો આદેશ જારી કરતા પાકિસ્તાનમાં રાજકીય કટોકટીની સ્થિતિ પેદા થઇ ગઇ છે.

શરીફ ઝૂકશે નહીંઃ પુત્રી

શરીફના પુત્રી મરિયમે જણાવ્યું હતું કે નવાઝ શરીફ આવા ચુકાદાથી નહીં હારે, આગામી વર્ષે ૨૦૧૮માં યોજાનારી ચૂંટણીમાં અમારી પાર્ટી જ જીત મેળવશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે શરીફની પૂછપરછ દરમિયાન તેઓ સંપત્તિ સ્રોત આપવામાં નિષ્ફળ રહ્યા છે.

ભાઇને શાસન સોંપવા ઇરાદો

શરીફે રાજીનામું આપ્યા બાદ હવે રાજકીય કટોકટીનો માહોલ છે. જોકે શરીફનો પક્ષ પીએમએલ(એન) બહુમત ધરાવતો હોવાથી સત્તા તેના હાથમાં જ રહેશે. પાકિસ્તાનની સંસદમાં ૩૪૨માંથી ૨૦૯ બેઠકો શરીફના પક્ષ પાસે છે. જોકે શરીફ ઉપરાંત તેમના પરિવારજનો પણ આ કેસમાં અયોગ્ય ઠેરવાયા હોવાથી સત્તા શરીફ પરિવાર પક્ષના જ કોઇ નેતા પાસે જશે. શરીફ પોતાના કહ્યા મુજબ કામ કરે તેવા કોઇ રબ્બર સ્ટેમ્પ નેતા પસંદ કરી શકે છે. હાલ આ પદ માટે શરીફના ભાઇ અને પંજાબના મુખ્ય પ્રધાન શાહબાઝ શરીફનું નામ ચર્ચામાં છે. બીજો વિકલ્પ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પીટીશન દાખલ કરી શકે છે.
મીડ ટર્મ ચૂંટણીની પણ શક્યતા છે. જોકે આમ પણ ૨૦૧૮માં ચૂંટણી થવાની છે. શરીફે રાજીનામુ આપ્યું બાદ પક્ષની એક બેઠક બોલાવી હતી અને પોતાના ૬૫ વર્ષીય ભાઇ શાહબાઝનું નામ વડા પ્રધાન પદ માટે સુચવ્યું હતું. તેથી ટૂંક સમયમાં શાહબાઝ શપથ લે તેવી શક્યતાઓ છે. હાલ વચગાળાના વડા પ્રધાન માટે ૪૫ દિવસ સુધી અબ્બાસની વરણી થઇ છે.

ત્રણ વખત સત્તા મળી છતાં..

શરીફ ત્રીજી વખત વડા પ્રધાન પદે ચૂંટાયા હતા. જોકે પહેલાની જેમ આ વખતે પણ તેઓ પોતાનો કાર્યકાળ પુરો નથી કરી શક્યા. આ પહેલા ૧૯૯૦થી ૯૩ સુધી પણ શરીફ વડા પ્રધાન રહ્યા. તે સમયના રાષ્ટ્રપતિ ગુલામ ઇસાક ખાન અને શરીફ વચ્ચે મતભેદો શરૂ થયા જેથી સત્તાનો ઉપયોગ કરી ખાને સંસદને વીખેરી નાખી. ૧૯૯૩માં શરીફે રાજીનામું આપ્યું. ૧૯૯૭માં શરીફ બીજી વખત વડા પ્રધાન બન્યા. જોકે તે સમયના સૈન્ય વડા મુશર્રફે પલટો કરી સત્તા પોતાના હાથમાં લીધી. જેથી શરીફે ત્યારે પણ કાર્યકાળ અધુરો છોડવો પડયો. આમ ત્રીજી વખત હવે શરીફે રાજીનામુ આપ્યું છે.

હું બેઇમાન તો બીજા પાકિસ્તાની?

શરીફે કોર્ટના અવલોકન પર કેટલાક સવાલો પણ ઉઠાવતા જણાવ્યું છે કે જો હું અપ્રામાણિક અને જુઠ્ઠો હોઉં તો શું પાકિસ્તાનમાં બાકી બધા લોકો સાચા અને પ્રામાણિક છે? નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એજાઝ અફઝલ ખાને જણાવ્યું હતું કે નવાઝ શરીફે પોતાની આવક દેશની જનતાથી છુપાવી ટેક્સ ભરપાઇથી બચવાનો પ્રયાસ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ શરીફે પદ છોડી દીધું છે અને તેઓ પોતાના પરિવાર સાથે મુરીમાં એક રિસોર્ટમાં શિફ્ટ થઇ ગયા છે. વડા પ્રધાન કાર્યાલય અને ઘરને છોડતા પહેલા તેઓ પોતાના સ્ટાફને મળ્યા હતા.

કાર્યકારી વડા પ્રધાન પણ કૌભાંડી?

પદભ્રષ્ટ શરીફના સ્થાને મંગળવારે શાહિદ અબ્બાસીએ કાર્યભાર સંભાળ્યો છે. નવાઝ શરીરના ભાઈ સંસદીય ચૂંટણી લડીને વડા પ્રધાન બને તે પહેલાં શાસક પક્ષના નેતા શાહિદ અબ્બાસી વચગાળાના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. તેઓ ૪૫ દિવસ વચગાળાના વડા પ્રધાન બની રહેશે. જોકે શરીફની વિદાય છતાં શાસક પાકિસ્તાન મુસ્લિમ લીગની મુશ્કેલીઓમાં ઘટાડો નથી જ થયો. શાહિદને પણ ભ્રષ્ટાચારના કેસનો સામનો કરવો પડી શકે છે. રૂપિયા રૂ. ૨૨૦ બિલિયન કરોડનાં ગેસ (એલએનજી) કૌભાંડમાં શાહિદ સામે તપાસ ચાલી રહી છે. શાહિદ જ્યારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસપ્રધાન હતા ત્યારે પાકિસ્તાન નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ તેમની સામે તપાસ શરૂ કરી હતી. શાહિદ આ કેસના મુખ્ય આરોપી છે.

૭૦ વર્ષમાં ૨૬ વડા પ્રધાન, પણ

પાકિસ્તાનમાં આજ સુધી એક પણ એવા વડા પ્રધાન નથી થયા કે જેમણે પાંચ વર્ષ સુધીનો કાર્યકાળ પૂરો કર્યો હોય. કાર્યકાળ પૂરો કરવાની વાત તો બાજુએ રહી, પણ ઘણા ખરા વડા પ્રધાનને હટાવવામાં આવ્યા છે કે કોઈ કારણસર તેમને રાજીનામું આપવું પડ્યું.
નવાઝ શરીફને મળીને પાકિસ્તાનાં કુલ ૨૬ વડા પ્રધાન થયા છે. નવાઝ જો એક વર્ષ અને પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા હોત તો એવું કરી શકનાર દેશના પ્રથમ વડા પ્રધાન હોત. છેલ્લા ૭૦ વર્ષથી પાકિસ્તાનને એક એવી લોકશાહી સરકારનો ઇંતેજાર છે, જે પાંચ વર્ષ ચાલે.

ભારતમાં પનામા પેપર લીક કેસમાં ધુરંધરોની સંડોવણી, તપાસનું નાટક!

પનામા પેપર લીકે નવાઝ શરીફ પાસેથી પાકિસ્તાનના વડા પ્રધાનનું પદ છીનવી લીધું છે. આ પેપર ૨૦૧૩માં લીક થયા હતા અને અનેક ભારતીય સેલિબ્રિટિઝ અને મોટા ગજાના વ્યક્તિઓના નામ પણ બહાર આવ્યા હતા. જેમ કે અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, ડીએલએફના માલિક કે. પી. સિંહ તથા તેમના પરિવારના ૯ સભ્યો, અપોલો ટાયર્સ અને ઇન્ડિયા બુલ્સના પ્રમોટર તેમજ ગૌતમ અદાણીના ભાઇ વિનોદ અદાણી, પશ્ચિમ બંગાળના એક નેતા શિશિર બરજોરિયા ઉપરાંત લોકસત્તા પાર્ટીના નેતા અનુરાગનું નામ પણ બહાર આવ્યું હતું. ભારતમાં જે પણ પનામા પેપર લીકમાં નામ બહાર આવ્યા તે મુદ્દે નાણાં પ્રધાન જેટલીએ જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ માટે મલ્ટી એજન્સી ગ્રૂપ (મેગ)ની રચના કરી હતી. અને તે પોતાનું કામ સારી રીતે કરી રહી છે. જોકે હજુ સુધી આ ગ્રુપ દ્વારા કોઇની પૂછપરછ થયાના અહેવાલ નથી.
પાકિસ્તાનમાં આ મામલે વડા પ્રધાન સામે પણ ઝડપથી કાર્યવાહી થઇ રહી છે. જ્યારે ભારતમાં તેવી હાલ કોઇ ખાસ ચર્ચા પણ નથી.


comments powered by Disqus