મુંબઈના ગિરગાંવની એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં છેલ્લા અઢી મહિનાથી ગોલ બ્લેડરના કેન્સરની સારવાર લઈ રહેલા અભિનેતા - નેતા વિનોદ ખન્ના (૭૦)એ ૨૭મી એપ્રિલે સવારે ૧૧.૨૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ શ્વાસ લીધા હતા. એપ્રિલ મહિનાની શરૂઆતમાં તેઓ બીમાર હોય તેવો ફોટો વાઇરલ થયો હતો. જોકે પરિવારે તેમના વિશે અફવાઓ ફેલાવવાનું બંધ કરવાનું કહ્યું. હૃષ્ટપુષ્ટ વિનોદ ખન્ના ફોટામાં એકદમ કૃશકાય દેખાતા હતા. એ સમયે હોસ્પિટલ પ્રશાસન અને પરિવારજનોએ વિનોદ ખન્નાને ડિહાઇડ્રેશન થયાનું જણાવ્યું હતું.
૬ ઓકટોબર, ૧૯૪૬ના અખંડ ભારતના પેશાવરમાં જન્મેલા વિનોદનો પરિવાર આઝાદી બાદ મુંબઈમાં આવીને વસ્યો હતો. વિનોદને ખરેખર તો એન્જિનિયર બનવું હતું. ફિલ્મોમાં કામ કરવાનો તેમને સ્વપ્નેય ખ્યાલ નહોતો. એક દિવસ એક ફિલ્મ પાર્ટીમાં વિનોદ પર સુનીલ દત્તનું ધ્યાન પડ્યું. એ સમયે સુનીલ દત્તના નાના ભાઈ સોમ દત્ત તેમના બેનરમાં ‘મન કા મીત’ બનાવી રહ્યા હતા. સુનીલ દત્ત આ ફિલ્મમાં એમના નાના ભાઈના કેરેક્ટર માટે નવો કલાકાર શોધી રહ્યા હતા. વિનોદની પર્સનાલિટી, કદ-કાઠી જોઈને આ રોલ સુનીલ દત્તે તેમને ઓફર કર્યો હતો.
નારાજ પરિવાર
વિનોદના પિતાનો ટેક્સટાઈલનો બિઝનેસ હતો. પિતાની ઈચ્છા હતી કે વિનોદ કોમર્સ ગ્રેજ્યુએટ થઈને બિઝનેસમાં જોડાય, પણ વિનોદને એન્જિનિયર થવું હતું એટલે સાયન્સ ફેકલ્ટી જોઈન કરી. એ પછી હવે દીકરાએ જ્યારે ફિલ્મોમાં કામ કરવાની વાત કરી તો પિતા નારાજ થયા ને વિનોદ સામે બંદૂક તાકીને કહ્યું હતું કે, જો ફિલ્મોમાં ગયો તો ભડાકે દઈશ. વિનોદની માતાએ પિતાને સમજાવી રાજી કર્યાં. જોકે તેમણે સામી શરત મૂકી કે જો બે વર્ષમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાઠું ન કાઢ્યું તો પૈતૃક ધંધામાં જોડાવું પડશે.
અમિતાભ વિનોદની જુગલબંદી
સિત્તેરના દાયકામાં ‘પરિવરિશ’, ‘હેરાફેરી’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘અમર અકબર એન્થની’, ‘ખૂન પસીના’ જેવી અનેક ફિલ્મોમાં વિનોદ ખન્ના અને અમિતાભ બચ્ચનની અભિનયની જુગલબંદીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. એ સમયે ફિલ્મ સમીક્ષકોમાં ચર્ચા ચાલતી કે કોણ ચડે વિનોદ કે અમિતાભ. જોકે ૧૯૮૨માં ખન્નાએ ઓશોની કંઠી પહેરીને બોલિવૂડને બાય કહ્યા પછી પણ બોલિવૂડમાં ચર્ચાયું છે કે ખન્નાએ સંન્યાસ ન લીધો હોત તો અમિતાભ માટે મોટો પડકાર બન્યો હોત. જોકે એક્ટિંગની બીજી ઇનિંગમાં વિનોદ ખન્નાએ ચરિત્ર અભિનેતા તરીકે ‘ગર્વ’, ‘દબંગ’ જેવી હિટ ફિલ્મો આપી અને વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘દિલવાલે’માં તેમણે છેલ્લે અભિનય આપ્યો હતો. વિનોદ ખન્નાને ૧૯૯૯માં ફિલ્મફેર લાઈટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અને ૨૦૦૭ ઝી સિને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો.
વિનોદ-ફિરોઝની મૃત્યુતિથિ એક
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિનોદ ખન્ના અને ફિરોઝ ખાનની રિઅલ અને રિલ દોસ્તીનું ઉદાહરણ અપાતું રહ્યું છે.
‘દયાવાન’ અને ‘કુર્બાની’માં સાથે કામ કરનારા આ બંને અભિનેતાનું મૃત્યુ એક જ તારીખે થયું. ફિરોઝ નવ વરસ પહેલાં ૨૭ એપ્રિલ, ૨૦૦૯ના રોજ અવસાન પામ્યા હતા અને તેઓ પણ કેન્સરથી જ પીડાતા હતા. વિનોદે બોલિવૂડમાં રિ એન્ટ્રી કરી ત્યારે ફિરોઝે તેને ‘દયાવાન’નો લીડ રોલ ઓફર કર્યો હતો. ફિરોઝ જાણતા હતા કે, આ રોલ વિનોદથી વધુ સારી રીતે કોઈ કરી શકે નહીં.
અભિનેતા બન્યા નેતા
વર્ષ ૧૯૯૭માં અને ૧૯૯૯માં તેઓ બે વખત પંજાના ગુરદાસપુર બેઠક પરથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા. ૨૦૦૨માં અટલબિહાર વાજપેયી સરકારમાં સંસ્કૃતિ અને પર્યટનના કેન્દ્રિય પ્રધાન પણ રહ્યા, એ પછી તેમને વિદેશ મંત્રાલયમાં રાજ્ય પ્રધાનનું પણ પદ અપાયું હતું.
અંગત જીવનના કારણે ચર્ચા
તેમની પ્રથમ પત્ની ગીતાંજલી સાથેના લગ્નવિચ્છેદથી તેઓ ઘણા ચર્ચામાં રહ્યા હતા. વિનોદ ખન્નાના બે પુત્રો અક્ષય અને રાહુલ હિન્દી ફિલ્મોમાં અભિનેતા છે. ત્રીજો પુત્ર સાક્ષી સતત તેમની સેવામાં રહેતો હતો. થોડા સમય પહેલાં જ વિનોદ ખન્નાના મૃત્યુના સમાચારો સોશિયલ મીડિયા પર વહેતા થયા ત્યારે તેમનાં પત્ની કવિતાએ વિનંતી કરી હતી કે ખોટી અફવા ન ફેલાવો. વર્ષ ૨૦૧૬ પછી તેમની બીમારીના સમાચાર આવતા રહ્યા હતા. એ પછી તેમને કેન્સર હોવાના સમાચાર હતા. એ પછી તેઓ લોકોની નજરથી દૂર પોતાના પરિવારની સાથે જ સમય વીતાવતા હતા.
વિનોદ ખન્નાના અવસાનના સમાચાર સાંભળી ‘હેરાફેરી’, ‘ખૂન પસીના’, ‘મુકદ્દર કા સિકંદર’ અને ‘અમર અકબર એન્થની’ જેવી સુપરડુપર હિટ ફિલ્મોના સહઅભિનેતા અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ ‘સરકાર-૩’ના પ્રમોશન માટેનો ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા એ પડતો મૂકીને હોસ્પિટલ પહોંચ્યા હતા. વિનોદ ખન્નાની અંતિમવિધિ બાણગંગાસ્થિત સ્મશાન ગૃહમાં ૨૭મીએ સાંજે ૫.૩૦ વાગ્યે કરાઈ હતી.
વિનોદ ખન્નાને અંતિમ અલવિદા કરવા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઋષિ કપૂર, રણધીર કપૂર, ડેવિડ ધવન, વીતેલા જમાનાનાં સ્ટાર્સ તેમજ કેટલાય ચરિત્ર અભિનેતા હાજર હતા.
શ્રદ્ધાંજલિનો ધોધ
સોશિયલ મીડિયા પર સામાન્ય નાગરિકથી લઈ નેતા-અભિનેતાએ વિનોદ ખન્નાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, એક પોપ્યુલર એક્ટર, ડેડિકેટેડ લીડર અને સારી વ્યક્તિ તરીકે વિનોદ ખન્ના હંમેશાં યાદ કરાશે. નિધનના સમાચાર જાણી ઘણું દુઃખ થયું.
સોનિયા ગાંધીએ કહ્યું કે વિનોદજીએ તેમના સરળ અને કરિશ્માઈ વ્યક્તિત્વથી જનતા ઉપર ઊંડો પ્રભાવ છોડ્યો હતો. તેમના આત્માને શાંતિ મળે.
લતા મંગેશકરે ખન્નાને શબ્દાંજલિ આપી હતી કે, વિનોદ ખન્નાની વિદાયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે ખોટ પડી છે. અનુપમ ખેરે કહ્યું હતું કે, વિનોદ ખન્ના તેમનાં લાર્જર ધેન લાઈફ પર્ફોમન્સની સાથે ગ્રેસિયસનેસ માટે હંમેશા યાદ કરાશે. ઘણા ઓછા તેમના જેવા હોય છે. સર હંમેશા આપની યાદ આવતી રહેશે. શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે, પ્રભાવશાળી, પ્રેમાળ, હેન્ડસમ અને ટેલેન્ટેડે સુપરસ્ટાર વિનોદ ખન્ના આપણી વચ્ચે રહ્યા નથી. ફિલ્મોથી લઈ રાજનીતિ સુધી વિનોદ અને હું સાથે રહ્યા છીએ... લવ યુ... મિસ યુ....
‘બાહુબલી-૨’નો પ્રીમિયર રદ
વિનોદ ખન્નાનું નિધન ગુરુવારના દિવસે થયું હતું. બીજા દિવસે રિલીઝ પહેલાં ફિલ્મ ‘બાહુબલી ૨’નો પ્રીમિયર શો હતો. આ ફિલ્મના હિન્દી વર્ઝનના ડિસ્ટ્રીબ્યુટર કરણ જોહર સહિત ફિલ્મની ટીમે ખન્નાને શ્રદ્ધાંજલિ આપતાં ફિલ્મના ભવ્ય પ્રીમિયરને રદ કર્યાની જાહેરાત કરી હતી. ફિલ્મના દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીએ ગુરુવારે જ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કરતાં કહ્યું હતું કે, અમે અમારા પ્રિય લિજેન્ડ વિનોદ ખન્નાના નિધન બદલ શોક વ્યક્ત કરીએ છીએ. આવા દુઃખદ માહોલમાં અમારી ફિલ્મનો પ્રીમિયર શો શક્ય જ નથી.

