અભિનેત્રી કાજોલે પહેલી મેએ તેના ફેસબુક એકાઉન્ટ પર લાઈવ વીડિયોમાં એક બાઉલ દેખાડી મિત્રને પૂછ્યું કે, આ કઈ વાનગી છે? મિત્રએ જવાબમાં કહ્યું ‘ગૌમાંસ’. આ વાનગી બાબતે વિવાદ સર્જાયા પછી કાજોલે વીડિયો ડિલિટ કર્યો હતો. કાજોેલ જોકે વીડિયોમાં વાત કરતાં ઉત્સાહિત દેખાઈ રહી હતી અને તે પોતાના મિત્ર રેયાનને કહેતી હતી કે બધાને કહે કે, આ વાનગી કઈ છે? તેના મિત્રએ લાઈવ વીડિયોમાં કહ્યું કે તે ‘ગૌમાંસ’ છે. આ વીડિયો ડિલિટ કર્યા પછી કાજોલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, મારા વીડિયોમાં દેખાયું હતું તે ખોટી રીતે લોકોને સમજાયું છે. જે દેખાઈ રહ્યું હતું તે ભેંસનું માંસ હતું. જે કાનૂની રીતે પ્રતિબંધિત નથી અને આસાનીથી ઉપલબ્ધ છે. હું આ સ્પષ્ટીકરણ એટલા માટે આપી રહી છું કેમ કે તે એક સંવેદનશીલ મુદ્દો છે જેના કારણે ધાર્મિક ભાવના દુભાઈ શકે છે જે મારો ઈરાદો નથી.

