લંડનઃ સંશોધકોના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વ્યક્તિના જિન તેની ખાણીપીણીની પસંદગી અને ભોજન પસંદગીની આદતોને પ્રભાવિત કરતા હોય છે. હા, જો તમને ચોકલેટ, ક્રિસ્પ કે પિઝા ખૂબ ભાવતા હોય તો તેનું મૂળ કારણ તમારા જિનમાં રહેલું હોય છે. વિઞ્જાનીઓએ કેટલાક એવા જિનને પારખી લીધા છે કે જે તમારું મગજ કયા જંકફૂડ પર પસંદગી ઉતારે છે તે નક્કી કરે છે. સ્પેનિશ નિષ્ણાતોનું કહેવું છે કે આ જાણકારીથી લોકોની ખાણીપીણીની પસંદગીને આરોગ્યપ્રદ કરવામાં મદદ મળે છે.
જોકે સંશોધકોનું એમ પણ કહેવું છે કે ખોરાક પસંદગીની આદતોને બદલવામાં ખૂબ સમય લાગતો હોય છે. કયો આહાર લેવાથી લાભપ્રદ રહે તેની જાણકારી ધરાવતા હોવા છતાં લોકો તે આહારસામગ્રી તરફ વળી શકતા નથી. કારણ? તેનં કારણ ખોરાક પસંદગીની આપણી ક્ષમતાઓમાં રહેલું છે. આરોગ્યપ્રદ ખોરાકની પસંદગી ક્ષમતા ઓછી હોય તો તેવા ખોરાકની દિશા વળતા પણ વાર લાગે છે.
ખોરાક પસંદગીની આ પેટર્ન પાછળ આપણા જિન જવાબદાર હોય છે. અગાઉ પણ સંશોધકો ઇટિંગ ડિસઓર્ડર માટે જવાબદાર એનોરેક્સિઆ કે બુલિમિઆ જેવા જિનને ઓળખી ચૂક્યા છે. પરંતુ જિનમાં કુદરતી રીતે સાધારણ ફેરફાર થવાને કારણે તંદુરસ્ત લોકોની આહારની આદતો કઈ રીતે પ્રભાવિત થાય છે તેના વિશે ઓછી જાણકારી જ ઉપલબ્ધ રહી છે.

