દરરોજ એક કલાક દોડો... આયુષ્યમાં વધારો કરો

Wednesday 03rd May 2017 06:31 EDT
 
 

ન્યૂ યોર્કઃ દરરોજ એક કલાક સુધી દોડીને તમે પોતાની જિંદગીમાં સાત કલાકથી માંડીને ત્રણ વર્ષનો ઉમેરો કરી શકો છો. ૧૮થી ૧૦૦ વર્ષની વયના ૫૫ હજાર લોકોની લાઇફસ્ટાઇલનો અભ્યાસ કરીને વિજ્ઞાનીઓ પરિણામ સુધી પહોંચ્યા છે. આ અભ્યાસ પૂરો કરવામાં વિજ્ઞાનીઓને ૧૫ વર્ષ લાગ્યાં છે.
વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે તમે કેટલું ઝડપી કે ધીમે દોડો છો તેનો કોઇ અર્થ નથી. બસ ઓછામાં ઓછા એક સપ્તાહમાં ચાર કલાક દોડો તે જરૂરી છે. કોઇ પણ એક્સરસાઇઝની સરખામણીએ દોડવાથી ક્વોલિટી ઓફ લાઇફ સૌથી વધુ વધે છે. તે ઉપરાંત દરરોજ એક કલાક દોડો છો તો પ્રિ-મેચ્યોર ડેથની આશંકા ૪૦ ટકા સુધી ઘટી જાય છે. ડાયેટિંગ અને સિગારેટ છોડવાના કોમ્બિનેશનથી પ્રિ-મેચ્યોર ડેથની આશંકા ઘટે છે તેના કરતાં વધુ દોડવાથી ઘટે છે.
સ્ટડીનું નેતૃત્વ કરનાર અમેરિકાની આયોવા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ડક-ચુલ લીનું કહેવું છે કે અમને સ્ટડીમાં જણાયું કે અન્ય એક્સરસાઇઝ કરનારાઓની સરખામણીએ રનર્સ લાંબુ જીવે છે. તેમનો મૃત્યુદર નહીં દોડનારાઓની સરખામણીએ ૧૬ ટકા નીચો છે. રનર્સમાં વહેલા મૃત્યુ માટે જવાબદાર ફેક્ટર્સ સામે લડવાની ક્ષમતા સૌથી વધુ જણાઇ છે. જેમ કે, તેમનું બ્લડપ્રેશર સામાન્ય રહે છે, સ્થૂળતા પણ કાબૂમાં રહે છે. સ્થૂળતા, હાઇપરટેન્શન અને અસામાન્ય બ્લડપ્રેશર વહેલા થતાં મોતના મુખ્ય કારણોમાંથી એક છે. સામાન્ય લોકોની સરખામણીએ દરરોજ દોડનારાઓને હૃદયરોગનો હુમલો આવવાની આશંકા પણ ૨૫ ટકા સુધી ઓછી રહે છે. રનિંગ એરોબિક ફિટનેસને વધારે છે, જે લાંબા સમય સુધી સારા સ્વાસ્થ્યના મુખ્ય ઇન્ડિકેટરમાંથી એક છે.
વિજ્ઞાનીઓને અભ્યાસમાં જણાયું કે રનિંગ ઉપરાંત વોકિંગ, સાઇક્લિંગ અને અન્ય એક્સરસાઇઝ પણ લોકોની વય વધારે છે. તેમને સ્વસ્થ રાખે છે. રનિંગની સરખામણીએ વોકિંગ અને સાઇક્લિંગથી પણ પ્રિ-મેચ્યોર ડેથની આશંકાને ૧૨ ટકા સુધી ઘટાડી શકાય છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ખાવાપીવામાં સુધારા કરવાથી અને ધુમ્રપાન છોડવાથી જીવનની ગુણવત્તા વધે છે. પરંતુ રનિંગની તુલનાએ ઘણી ઓછી. સામાન્ય લોકોની તુલનાએ રોજ દોડનારા લોકોને પ્રિ-મેચ્યોર ડેથની શંકા ૪૦ ટકા ઘટે છે.


comments powered by Disqus