રાજકોટઃ ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની ટેસ્ટ શ્રેણી સહિત ભારતની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ સિઝનમાં રનના ઢગલા ખડકીને સૌરાષ્ટ્રના ધરખમ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ટીમ ઈન્ડિયાની જીતમાં પાયાની ભૂમિકા ભજવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ્યારે જવાબદારી સાથે રમીને દેશને જીતાડવાનો પ્રશ્ન આવે ત્યારે ચાહકો ચેતેશ્વર પુજારા પર મદાર રાખે છે. જોકે ભારતીય ક્રિકેટની સિસ્ટમ ટેસ્ટ ક્રિકેટના રિયલ હીરોને કમાણીના મામલે ન્યાય આપી શક્યું નથી.
ચેતેશ્વર પૂજારા ઓક્ટોબર-૨૦૧૬થી લઈને સપ્ટેમ્બર-૨૦૧૭ સુધીની આખી ટેસ્ટ સિઝનની તમામ મેચો રમે તો તેને કુલ રૂ. ૪.૨૫ કરોડ જેટલી રકમ મળે. જ્યારે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ અને પ્યોર એન્ટરટેઈનમેન્ટ ક્રિકેટ તરીકેની ઓળખ ધરાવતા આઇપીએલની એક સિઝનમાં રમવા બદલ રૈના, મોહિત શર્મા, રાયડુ, નેહરા અને ઉથપ્પા જેવા ખેલાડીઓ જંગી કમાણી કરી લે છે. પૂજારાને ટેસ્ટની આખી સિઝનમાં પરસેવો પાડવાથી રૂપિયા ૪.૨૫ કરોડ જ મળે છે. જ્યારે આઇપીએલની એક સિઝનમાંથી રૈના રૂ. ૯.૫ કરોડની, મોહિત શર્મા રૂ. ૬.૫ કરોડની, અંબાતી રાયડુ રૂ. ૬ કરોડની, આશિષ નેહરા રૂ. ૫.૫ કરોડની અને રોબિન ઉથપ્પા રૂ. ૫ કરોડની કમાણી કરી લેશે.
ક્રિકેટના રિયલ હિરો પૂજારાને એન્ટટેઈનર્સ કરતાં વધુ ઓછી રકમ મળતી હોવા છતાં તેણે ક્યારેય ફરિયાદ કરી નથી, પણ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં રનના ઢગલા ખડકીને દેશને ગૌરવ અપાવ્યું છે. જોકે બોર્ડે હવે આ દિશામાં વિચારવાની જરૂર છે, તેવો અહેસાસ ક્રિકેટ ચાહકોને થઈ રહ્યો છે.
હું આઇપીએલ નથી જોતો: પૂજારા
ટેસ્ટ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં રનના ઢગલા ખડકવા છતાં પુજારાને આઇપીએલમાં કરાર મળ્યો નથી. જોકે તેને તે અંગેનો રંજ નથી. પૂજારા કહે છે કે, હું હાલમાં મારી ફિઝિકલ ફિટનેસ અને ટ્રેનિંગમાં જ વ્યસ્ત રહું છુ. આખો દિવસ ટ્રેનિંગમાં જ જતો રહે છે અને સાંજનો સમય મેં મારા પરિવારજનો તેમજ મિત્રો માટે રિઝર્વ રાખ્યો છે. પરિવાર અને મિત્રોની સાથે સમય ગાળવાનો હોવાથી હું ટીવી પર આઇપીએલ જોતો નથી. જ્યારે અન્ય કોઈ ટીવી ચાલુ કરીને મેચ જોતું હોય તો હું ચોક્કસ તેની સાથે જોડાઇ જાઉં છું.

