પ્લાસ્ટિકને ઓહિયાં કરી જતાં ‘વેક્સ વોર્મ’નો જન્મ

Saturday 06th May 2017 06:40 EDT
 
 

નવી દિલ્હીઃ થોડાં વર્ષો પહેલાં ભારતની સુપ્રીમ કોર્ટમાં જ્યારે દેશમાં વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદુષણ વિશે એક પિટિશન પર સુનાવણી ચાલી રહી હતી ત્યારે બેન્ચે કહ્યું હતું કે, ‘આપણે પ્લાસ્ટિક ટાઈમ બોમ્બ પર બેઠાં છીએ.’ માત્ર ભારતને જ સમગ્ર વિશ્વને પ્લાસ્ટિકના પ્રદૂષણની સમસ્યા કનડે છે.
સ્પેનીશ નેશનલ રિસર્ચ કાઉન્સિલના સ્પેનીશ વિજ્ઞાની ફેડરિકા બર્ટોચિનીએ કરેલા સફળ સંશોધનને કારણે ભારતની આ સમસ્યાનું નિવારણ થવાના સંજોગો ઉજળા સર્જાયા છે. બર્ટોચિની પોતે એક મધમાખી ઉછેર કેન્દ્ર પણ ચલાવે છે. તેઓએ એક વાર વેક્સ વોર્મ્સથી ભરેલી પ્લાસ્ટિકની બંધ બેગ તેમના રૂમમાં રાખી હતી. તેઓ સફાઈકામ કરી રહ્યા હતા. તેઓ જ્યારે ફરી પાછા એ રૂમમાં આવ્યા ત્યારે જોયું તો આખા રૂમમાં વેક્સ વોર્મ્સ હતા. વાસ્તવમાં બન્યું હતું એવું કે વેક્સ વોર્મ્સે બેગમાં કાણું પાડી દીધું અને બેગમાંથી નીકળી ગયા હતા.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોમાં સામેલ એક વિજ્ઞાનીએ કહ્યું હતું, ‘બસ ત્યારથી જ વેક્સ વોર્મ્સ દ્વારા પ્લાસ્ટિકનો નિકાલ કરી દેવાનો આ પ્રોજેક્ટ શરૂ થયો હતો.’ આ અંગેના પ્રયોગોમાં જોવા મળ્યું કે વેક્સ વોર્મ્સ પોલિથીનને ડિગ્રેડ કરવા માટે સક્ષમ છે, જે પોલિથીન વિશ્વમાં સૌથી મજબૂત મટિરિયલ્સમાંનું એક છે.
પૃથ્વી પર આવેલા સમુદ્રોમાં દર વર્ષે ૧૨૭ લાખ કિલો પ્લાસ્ટિક ઠલવાય છે અને આગામી દાયકામાં તો આ આંકડો બમણો થાય તો પણ નવાઈ નહીં. આ જાણકારી ઓશન કન્ઝર્વન્સીએ આપી છે. બર્ટોચિનીએ કહ્યું હતું, ‘સો વેક્સ વોર્મ્સ ૧૨ કલાકમાં ૯૨ મિલીગ્રામ પોલિથીનને બાયોડિગ્રેડ કરવામાં સક્ષમ હોય છે જે ખરેખર ઝડપી પ્રક્રિયા કહી શકાય.’ પરંતુ માન્યામાં ન આવે એવી વાત એ છે કે લો-ડેન્સીટી પ્લાસ્ટિક બેગ્સનો કુદરતી રીતે સંપૂર્ણપણે નષ્ટ થવામાં એક સદી જેટલો સમય લાગી શકે છે. આ જ કારણ છે કે આપણી પૃથ્વી પર આ પ્લાસ્ટિકના કચરાનો ઢગ જામવા લાગ્યો છે.


comments powered by Disqus