વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક વાચકે મને પ્રશ્ન પૂછ્યો કે આ ગુજરાત દિનની ઉજવણી એટલે શું કહેવાય? ગુજરાત રાજ્ય સ્થાપના દિન એટલે પહેલી મે ૧૯૬૦. આ ઐતિહાસિક દિવસે - ‘મહારાજ’ના નામથી વધુ જાણીતા મુઠ્ઠીઊંચેરા - રવિશંકર મહારાજે ઉચ્ચારેલા શબ્દો આપે ‘ગુજરાત સમાચાર’ના ૨૯ એપ્રિલ ૨૦૧૭ના અંકમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિન વિશેષમાં ડો. હરિ દેસાઇની કલમે વાંચ્યા હશે. સ્વતંત્ર ભારતમાં, ભારતીય સમવાય તંત્રમાં એક અલગ રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના અને એ દિનની ઉજવણી.
ગુજરાત એ પુરાતન ભૂમિ છે. ભગવાન શ્રીરામ કે શ્રીકૃષ્ણના યુગમાં પણ ગુજરાતની ભૂગોળ અને આગવી હયાતી વિદ્યમાન હતી. ગોકુળ-મથુરાથી સ્થળાંતર કરીને - કેટલાક કહે છે કે આશરો મેળવવા - ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં સ્થાયી થયા. સમ્રાટ અશોકના કાળના બૌદ્ધ કે જૈન પરંપરાના ધર્મસ્થાનો કે સ્તુપો આજે પણ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે
અને સમયના વહેણ સાથે આ સ્થાનો યાત્રાધામો બની ચૂક્યા છે.
દરિયાઇ કાંઠાના વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતા લોથલ કે કચ્છમાં ધોળાવીરા એ સદીઓ પૂર્વેના ભારતના, ગુજરાતના પ્રગતિના સીમાચિહનો છે. મધ્યકાલીન સમયમાં પણ ગુજરાતની આગવી ઓળખ હતી, અને આજે પણ છે. રેવરન્ડ જેમ્સ ફોર્બસ, કવિ દલપતરામ અને નર્મદે ગુજરાતનો નકશો કવિતાઓમાં કંડાર્યો. ભાષાવાર રાજ્યોની વેળાએ પણ લગભગ એ જ આકૃતિમાં ગુજરાત કંડારાયું છે.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાત
પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યાએ તેમના કેટલાય લેખોમાં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ વેળાએ ગુજરાતમાં ખેલાયેલા જંગો અને આંદોલનોની કુરબાનીને યાદ કરી છે. ૧૮૮૫માં મુંબઇમાં ઇંડિયન નેશનલ કોંગ્રેસ (આઇએનસી)ની સ્થાપનામાં પણ ગુજરાતી અનુદાન આગળ પડતું હતું. હવે ૭૦ વર્ષ બાદ મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષાને વધુ સ્વીકૃતિ મળી તેના વધામણા મારા મિત્ર હેમરાજ શાહ અને તેમના સાથીઓને આપવા રહ્યા. તો ૧૯૧૫માં મોહનદાસ કરમચંદ ગાંધી નામના બેરિસ્ટર ૨૨ વર્ષ દક્ષિણ આફ્રિકામાં સાધના કરીને ભારત પરત થયા અને સ્થાયી થયા તે પણ ગુજરાતમાં. અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે તેમનો પ્રથમ મુકામ. ૧૯૧૭માં તેઓ સાબરમતીના તટે અડીંગો જમાવીને બેઠા તે સ્થાન પણ ગુજરાતમાં. ગુજરાતમાં ગાંધીજીની આગવી ઓળખસમાન સત્યાગ્રહો પણ નકશીકામ પામ્યા. રાસ-બોરસદ સત્યાગ્રહ, દાંડીયાત્રા, બારડોલીનો ઐતિહાસિક જંગ... આ બધું ગુજરાતમાં. તો નાગપુર ઝંડા સત્યાગ્રહ કે ૧૯૪૨ની ભારત છોડો ચળવળમાં પણ અગ્રીમ હિસ્સો ગુજરાતનો રહ્યો છે. મહાત્મા ગુજરાતના. તેમના અવ્વલ દરજ્જાના સંગઠન તેમજ વ્યવસ્થા તંત્રના સરદાર પણ ગુજરાતના જ!
ભાષાવાર રાજ્યોની રચના
૧૯૫૩માં આંધ્ર પ્રદેશમાં પોટુરામુલુ નામના એક તેલુગુ ભાષાપ્રેમીએ ભાષાઆધારિત રાજ્યોની માગ સાથે, શહીદી વહોરી. ભાષાના આધારે રાજ્યો ઉદભવ્યા. શરૂમાં ગુજરાત - મુંબઇને આવરી લેતા દ્વિભાષી રાજ્યની રચના થઇ. આ પછી આંદોલનો ખેલાયા. અનેક આહુતિઓ અપાઇ. અને ૧૯૬૦માં અત્યારના ગુજરાત રાજ્યની સ્થાપના થઇ.
ગુજરાતમાં ૧૯૯૦થી કોંગ્રેસ પક્ષ વાસ્તવમાં સત્તાવિમુખ રહ્યો છે. ૧૯૯૫થી સતત સત્તા પર રહેલી ભાજપ સરકારે ગુજરાતની શિકલ બદલી નાખી છે. નરેન્દ્ર મોદી યુગના ૨૦૦૧થી ૨૦૧૪ના વર્ષોમાં તો ગુજરાત મોડેલ વિકાસ માટે, સબ કા સાથ - સબ કા વિકાસ માટે એક આદર્શ બની ગયું છે. હવે ૧૩ મેના રોજ ભારતના વડા પ્રધાન પદે નરેન્દ્ર મોદીના વિચરણના ૩ વર્ષ પૂરા થશે.
ભારત, ગુજરાત, મોદીને વધામણાં
તાજેતરમાં બ્રિટન અને અમેરિકાના સમાચાર માધ્યમોમાં મોદીસાહેબની બોલબાલા થઇ રહી છે. શનિવાર, ૨૯ એપ્રિલના ‘ધ ટાઇમ્સ’માં ‘સાઇન્સ આર લુકીંગ ગુડ ફોર ઇંડિયા’ (Signs are looking good for India) મથાળા હેઠળ એક વિગતવાર લેખ પ્રકાશિત થયો છે. તેમાં જણાવાયું છે કે આ વર્ષે ભારત વિશ્વમાં પાંચમા નંબરની આર્થિક મહાસત્તા બની જશે. પાંચ વર્ષ બાદ તો તે જર્મનીને પણ પાછળ પાડી દેશે. અને ચોથા ક્રમે આવી જશે. તેનો જશ મોદી સરકારને અપાઈ રહ્યો છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના અભ્યાસપૂર્ણ અહેવાલ મુજબ, ૨૦૧૭માં ૭.૨ ટકાના વિકાસ સાથે ભારત વિશ્વના મોટા દેશોમાં સૌથી વધુ ઝડપે જીડીપી ગ્રોથ કરી રહ્યું છે. વર્તમાન ક્રમ અનુસાર, સૌથી ઝડપે વિકાસ કરી રહેલા દેશોમાં પહેલા ક્રમે અમેરિકા, બીજા ક્રમે ચીન, ત્રીજા ક્રમે જપાન અને ચોથા ક્રમે જર્મની છે.
આ જ દિવસ એટલે કે ૨૯ એપ્રિલના ‘ધ ઇકોનોમિસ્ટ’માં એક લેખની નોંધનીય હેડલાઇન છેઃ ‘ઇંડિયન પોલિટીક્સઃ ડિફીટ્સ, ડિફેક્શન્સ એન્ડ ડિસ્ઓર્ગેનાઇઝશન’. વિશ્વભરના અખબારી જગતમાં પ્રભાવશાળી સ્થાન ધરાવતા આ મેગેઝિનમાં પ્રકાશિત લગભગ ૨૦૦૦ શબ્દોના લેખમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (‘આપ’) તેમજ અન્યોનો ઉધડો લેવામાં આવ્યો છે. લેખમાં રાજકીય પક્ષોમાં જોવા મળતો વંશવાદ, વ્યક્તિપૂજા અને નિષ્ફળ નેતાગીરીનો સંદર્ભ ટાંકીને જણાવાયું છે કે સતત નિષ્ફળતાના કારણે ભારતમાં વિરોધ પક્ષ નામશેષ બની રહ્યા છે.
તાજેતરમાં બ્રિટનના સુપ્રસિદ્ધ અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના વરિષ્ઠ પત્રકાર મને મળવા ‘કર્મયોગ હાઉસ’માં આવ્યા હતા. ભારત વિશે તેમના ઉદ્ગારો ખૂબ જ ઉત્સાહપ્રેરિત હતા. મારા વ્હાલા વાચક મિત્રો, આપ સહુનું જે સંખ્યાબળ છે, આપનો જે પ્રભાવ છે, તેના પરિણામે અત્રેના અખબારી જગતના મોટા માથા ગણાતાં ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’, ‘ધ ઇકોનોમિસ્ટ’, ‘ડેઇલી ટેલિગ્રાફ’, ‘ધ ટાઇમ્સ’ જેવા પ્રકાશન ગૃહો જ્યારે જ્યારે ભારત સામે અસત્ય ઉચ્ચારે છે ત્યારે ત્યારે હું તેમને પત્ર પાઠવીને આવા જૂઠ સામે અંગૂલિનિર્દેશ કરું છું. શરૂઆતમાં તો તેઓ ખચકાટ સાથે મારી રજૂઆત કાને ધરવાનું ટાળવાની નીતિ અપનાવે. પરંતુ હું પણ આખરે તો પાટીદાર ખરો ને! હાથમાં લીધેલો તંત છોડું નહીં.
૨૦૦૧ના કચ્છના વિનાશક ભૂકંપના પગલે પગલે ભાજપે નરેન્દ્ર મોદી નામના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે મોકલ્યા. રાજકીય વહીવટનો તેમને બિલ્કુલ અનુભવ નહોતો, પરંતુ અનેકવિધ પ્રદેશોમાં સંઘના સંગઠન અને વહીવટ માટે દાખવેલી અત્યંત કાર્યકુશળતાના કારણે ભારે નામના મેળવી ચૂક્યા હતા. કમનસીબે ગોધરા રેલવે સ્ટેશન નજીક કેટલાક રક્તપિપાસુ અને બિનજવાબદાર લોકોના તોફાની ટોળાંએ કારસેવકોના કોચને આગ ચાંપી દીધી. ૫૯ નિર્દોષ માનવજિંદગીને અગનજવાળા ભરખી ગઇ. આમાં મહિલાઓ અને બાળકો પણ હતા. આ કમકમાટીભરી ઘટનાની પ્રતિક્રિયારૂપે ગુજરાતના અમુક ભાગોમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા. આ સમગ્ર ઘટનાક્રમ બહુ ત્રાસજનક હતો, દુઃખદ હતો, અને તદ્દન અનિચ્છનીય હતો, પણ આવું બની ગયું.
આ ખબર મળતાં જ અત્રેની તેમજ ભારતની કંઈ કેટલીય અખબારી આલમ કામે વળગી ગઇ. નરેન્દ્ર મોદી તેમનું નિશાન હતા. પણ ગુજરાતને બદનામ કરવા અને બરબાદીના માર્ગે લઇ જવા આ પ્રપંચ થઇ રહ્યા હતા. અપપ્રચાર થઇ રહ્યો હતો. એક અખબાર તરીકે તેનો ઉગ્ર વિરોધ કરવાને અમે અમારી નૈતિક ફરજ માની. ગુજરાતના તોફાનો માટે જેનોસાઇડ (સામુહિક નરસંહાર), કત્લેઆમ જેવા શબ્દો છૂટથી વપરાતા હતા. અમે - ખાસ તો ‘ધ ઇકોનોમિસ્ટ’ અને ‘ધ ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ની શાન ઠેકાણે લાવવા માટે - ‘કલમ ચલાવો’ અભિયાનના માંડ્યા પણ હતા.
જોકે આ પત્રકારોની ૨૦૧૦ સુધીમાં સાન ઠેકાણે આવી ગઇ હતી. કઇ રીતે? ગુજરાતમાં ઉપલબ્ધ ઔદ્યોગિક વિકાસ, મૂડીરોકાણની તકોને વિશ્વ સમક્ષ રજૂ કરનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન થયું હતું. દેશ-વિદેશના મૂડીરોકાણકારોને આકર્ષતી આ સમિટમાં હાજરી આપવા માટે મેં એક મોટા પત્રકારને ખાસ આગ્રહ કર્યો હતો. મારી ભલામણ અને પ્રોત્સાહનથી તેણે સમિટમાં હાજરી આપી અને સાચા અર્થમાં ગુજરાત અને તેની પ્રજાની ખુમારી તથા તેની લાક્ષણિક્તાની નરી આંખે નિહાળી, તેનો અનુભવ કર્યો. આજે પણ આ પત્રકારોની ‘નજર’ ગુજરાત અને ભારત પર હોય છે તો ખરી, પરંતુ નકારાત્મક રીતે નહીં, હકારાત્મક અભિગમ સાથે. તેઓ વિકાસ, પ્રગતિ સહિતના સારા પાસાંને બિરદાવે છે ને ક્યાંક કંઇક અયોગ્ય જણાય - તો અને તો જ - ટીકા કરવાનો અભિગમ અપનાવે છે. ગુજરાત જઇ આવ્યા બાદ વ્હીસ્કીમાંથી પોરાં કાઢવાનો તેમનો અભિગમ બદલાયો છે!
૨૦૧૫માં વેમ્બલી સ્ટેડિયમમાં ૧૩ નવેમ્બરના રોજ લોકલાડીલા વડા પ્રધાને તેમના સંબોધન દરમિયાન મારા બાબત બે શબ્દો (‘મારા મિત્ર’) વાપર્યા છે ત્યારથી કેટલાય બ્રિટિશ પત્રકારો મારી મુલાકાતે આવવા લાગ્યા છે. એક વખત તો ઈકોનોમીસ્ટના ડેપ્યુટી એડિટર કક્ષાના વરિષ્ઠ પત્રકાર મને મળવા આવી પહોંચ્યા હતા. તેમને મારા વિશે, અને - સવિશેષ તો નરેન્દ્રભાઇએ ઉચ્ચારેલા શબ્દોના કારણે - મારા નરેન્દ્ર મોદી સાથેના (કથીત) ઘનિષ્ઠ સંબંધો વિશે વધુ જાણવાની ઉત્સુક્તા હતી. મેં તેમને સીધા પાટે લઇ જતા કહ્યું હતું કે આડાઅવળા ફાંફાં મારવાના બદલે તમે બ્રિટિશ ગુજરાતીઓની ક્ષમતા, પહોંચ, અને તેની તવારીખ પર ધ્યાન કેન્દ્રીત કરો તે વધુ ઇચ્છનીય છે. મારો આ આગ્રહ રંગ લાવ્યો. ક્રિસમસ દરમિયાન બ્રિટનમાં બહારથી આવીને વસેલાં સમુદાયોમાં સૌથી વધુ ગૌરવશાળી ગણાતા ગુજરાતી સમુદાય વિશે વિગતવાર લેખ પ્રકાશિત થયો. ‘ધ ઇકોનોમિસ્ટ’એ આજ સુધી બ્રિટનમાં વસતાં કોઇ ઇમિગ્રન્ટ સમુદાય માટે આટલા ગૌરવશાળી, હકારાત્મક અને માનવંતા શબ્દો ઉચ્ચાર્યાનું મને યાદ નથી.
તાજેતરમાં મને મળવા આવેલા પત્રકારને મોદીમંત્ર અને મોદીમેજિક વિશે જાણવાની ઉત્સુક્તા હતી. પત્રકારો વારંવાર આ વિશે પૂછતા રહે છે, અને આમાં લગારેય અજુગતું નથી. બ્રિટિશ અર્થતંત્ર, રાજકારણ, જનજીવનમાં ગુજરાતી સમુદાયનો જે પ્રભાવ છે તે વર્ષોના વીતવા સાથે વધુને વધુ મજબૂત બની રહ્યો છે તેથી સંબંધિત સહુ કોઇ અત્યંત પ્રસન્નતા અને ગૌરવ અનુભવે છે કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
વાચક મિત્રો, તો ચાલો નરેન્દ્ર મોદીની અતિ વ્યસ્ત જીવનચર્યા વિશે પણ ટૂંકમાં રજૂઆત કરી જ લઉં. નરેન્દ્ર મોદીનો જીવનમંત્ર છેઃ વિકાસ અને માત્ર વિકાસ. રાષ્ટ્રનો વિકાસ તો ખરો જ, અને પોતાનો વિકાસ પણ ખરો. જોજો, જરાય ‘આડુંઅવળું’ ન વિચારતાં... આ જણને પોતીકું ભૌતિક સુખ ક્યાં ગોઠવવાનું છે? તેને ક્યાં સગાંવ્હાલાં ‘સાચવવાનાં’ છે? આજે ૬૬-૬૭ વર્ષની વયે પણ તેઓ ભરપૂર સક્રિય છે. છેલ્લા ૫૦ વર્ષથી નરેન્દ્ર મોદીનું સમગ્ર જીવન ચિંતન, આયોજન, વ્યવસ્થાતંત્ર, અમલીકરણ, માત્રને માત્ર સેવા, જનસેવા, રાષ્ટ્રસેવાને સમર્પિત છે.
એક જમાનામાં હું અને નરેન્દ્રભાઇ અવારનવાર સાથે બેસીને ચાની ચૂસ્કી લેતા હતા. અવનવી વાતો કરતા હતા. તે સમયે મેં જાણ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આ સૈનિક મળસ્કે વહેલાં ઉઠીને મધરાત સુધી સતત પ્રવૃત્ત રહે છે. એક વખત તો મેં તેમને પૂછી નાંખ્યું હતું કે મને તો ડાયાબિટીસ છે, તમને છે? મને કહેઃ ના... નથી, અને થશે પણ નહીં. મેં પૂછ્યું કે આટલા વિશ્વાસભેર તમે કઇ રીતે કહી શકો? તેમનો સહજ જવાબ હતોઃ હું બહુ વ્યવસ્થિત રીતે, કાળજીપૂર્વક જીવન જીવી રહ્યો છું.
વાચક મિત્રો, વાત આરોગ્યની ચાલે છે ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે તો તેનો ઉલ્લેખ કરી જ લઉં. આપને યાદ હશે જ ‘ગુજરાત સમાચાર’ દ્વારા અમદાવાદમાં વિષ્ણુ પંડ્યા-આરતી પંડ્યાના પુસ્તક ‘ગુજરાતના ક્રાંતિતીર્થો’નો વિમોચન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે પૂ. મોરારિબાપુ અને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી બન્ને ઉપસ્થિત રહ્યા હતા. આ બન્ને આદરણીય મહાનુભાવોએ તેમના સંબોધનમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે સી.બી.ને જ્યારે જોઇએ છીએ ત્યારે આવાને આવા જ લાગે છે, તેમનામાં ઉંમરની કોઇ અસર વર્તાતી નથી. આ સાંભળીને મેં કહ્યું હતું કે આપના અભિપ્રાયોમાં સચ્ચાઇ કરતાં ઉદારતા અને મારા માટેની લાગણી વિશેષ છલકાય છે, ખરેખર આવું કંઇ નથી. સાચું કહું તો હું મારી રીતે મારા આરોગ્ય માટે સતત જાગ્રત રહું છું. (અલબત્ત, પરિવારજનો, સાથીદારોના સહયોગથી જ). ખાનપાનમાં કાળજી રાખું છું. પૂરતી ઉંઘ લઉં છું. અને જિંદગીની દરેક બાબતમાં હંમેશા હકારાત્મક અભિગમ અપનાવું છું. ક્યારેક કોઇ મુદ્દે મારી ઇચ્છા-અપેક્ષા અનુસાર ધાર્યું કામ પાર પડે છે ત્યારે આકાશમાં ઉડવા લાગતો નથી અને ક્યારેક ઇચ્છા પ્રમાણે નથી બનતું ત્યારે આસમાન તૂટી પડશે તેવું માની લેતો નથી.
નરેન્દ્રભાઇની વાત સાથે અનુસંધાન સાધીએ... તેમનું ભાવિ આયોજન હંમેશા ચાલુ જ હોય છે. કાલ કોણે દીઠી છે? કે કાલે જોયું જશે... એવું વિચારીને બેસી રહેનારાઓમાં તેઓ નથી. તેઓ નીતનવી પ્રવૃત્તિઓ, આયોજનો કરતા જ રહે છે. પહેલાં સમગ્ર આયોજન વિશે વ્યવસ્થિત વિચાર અને પછી કાર્યસોંપણી. સમયાંતરે કાર્ય ચકાસણી ચાલતી રહે. અમલ પર ચાંપતી નજર પણ રહે. સમયસર તેની સમાલોચના થાય. સાથીઓ માટે ચિંતન બેઠક યોજાય. જાત-જાતના અભિયાન થાય. તેમની સંગીન પ્રગતિના મૂળમાં સતત પ્રવૃત્તિ છે. પોતીકી પ્રામાણિકતા, નિષ્ઠા, રાષ્ટ્રપ્રેમ સહિત.
વાચક મિત્રો, હું બ્રિટિશ હોવાનું, ભારતીય હોવાનું અને ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવું છું. ગુજરાતી સમુદાયમાં જન્મ્યો છું તેને હું મારું સદભાગ્ય સમજું છું.
આ મે મહિનો ત્રણ સીમાચિહનરૂપ અવસરો લઇને આવ્યો છે. પહેલી તારીખે તો આપણે સહુએ માદરેવતનનો સ્થાપના દિન ઉજવ્યો. હવે પાંચમી તારીખે આપનું પ્રિય અને લોકલાડીલું ‘ગુજરાત સમાચાર’ ૪૫ વર્ષ પૂરા કરીને ૪૬મા વર્ષમાં પ્રવેશશે. તેરમી તારીખે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ચોથા વર્ષમાં પ્રવેશશે. આ બધા જ સીમાચિહનો ઇતિહાસના પાન પર એક નવું સિમાચિહન અંકિત કરશે. પ્રગતિના પંથે એક ડગલું આગળ વધશે. આવો, આપણે સહુ પણ આ ઉજવણીમાં સામેલ થઇએ, પ્રસંગને માણીએ અને સફળતાની આગેકૂચને વધાવીએ.
અને હા, આ સપ્તાહે વિદાય લેતાં પૂર્વે એટલું અવશ્ય કહીશ કે આપણા સહુના હૈયે ‘મારું ગુજરાત’ની ભાવના રાખવાની છે. આપણા વિચાર, વાણી કે વર્તન દ્વારા ગુજરાતને, આપણી માભોમને લગારેય ઊની આંચ ન આવે તે જોવાની આપણા સહુની ફરજ છે.
જય બ્રિટન, જય ભારત, જય ગુજરાત... (ક્રમશઃ)

