મુંબઇઃ મેન ઓફ મેચ બનેલા કેપ્ટન રોહિત શર્માની કેપ્ટન ઇનિંગ્સની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે અહીં રમાયેલી આઇપીએલ-૧૦ની લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને એક બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. પાંચ વિકેટે આ વિજય મેળવવા સાથે જ મુંબઇ ઇંડિયન્સ પ્લે ઓફમાં સ્થાન મેળવનાર પ્રથમ ટીમ બની છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બેંગલોરની ટીમે આઠ વિકેટે ૧૬૨ રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઇની ટીમે પાંચ વિકેટે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રોહિતે ૩૭ બોલમાં બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે અણનમ ૫૬ રનની ઇનિંગ્સ રમી હતી. બટલર (૩૩) તથા રાનાએ (૨૭) બીજી વિકેટ માટે ૬૧ રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે વિજયનો પાયો નાખ્યો હતો. અગાઉ બેંગલોરની ઇનિંગ્સમાં મુખ્ય યોગદાન ડીવિલિયર્સના ૪૩ તથા નેગીના ૩૫ રનનું રહ્યું હતું.
પૂણેનો રોમાંચક વિજય
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ બેન સ્ટોક્સની લડાયક સદી (અણનમ ૧૦૩)ની મદદથી રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે આઈપીએલ-૧૦માં ગુજરાત લાયન્સ સામે ૫ વિકેટે વિજય મેળવ્યો હતો. સોમવારે પૂણેમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ૧૯.૫ ઓવરમાં ૧૬૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં પૂણેએ ૧૯.૫ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. સ્ટોક્સે ૬૩ બોલમાં ૧૦૩ રન બનાવી ટી૨૦માં પ્રથમ સદી ફટકારી હતી. રહાણે (૪), ત્રિપાઠી (૬), સ્મિથ (૪) અને તિવારી (૦) સસ્તામાં આઉટ થયા હતા. ગુજરાતે એકસમયે ૪૨ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સ્ટોક્સ અને ધોની (૨૬)એ ૭૬ રનની ભાગીદારી નોંધાવી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બૂમરાહની સુપર ઓવર
રાજકોટમાં ૩૦ એપ્રિલે રમાયેલી આઇપીએલની આખરી મેચમાં અમદાવાદના જસપ્રીત બૂમરાહે નાંખેલી દિલધડક સુપર ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત લાયન્સને હરાવ્યું હતું. મુંબઈને જીતવા ૧૨ રન જ કરવાના હતા. આ સમયે બૂમરાહે શરૂઆતમાં નો-બોલ અને વાઈડ નાંખ્યા હતા. જોકે ત્યાર બાદ તેણે જબરજસ્ત કમબેક કરતાં મેક્કુલમ-ફિન્ચ જેવા બેટ્સમેનોને આખી ઓવરમાં માત્ર ૬ જ રન આપતાં મુંબઈને પાંચ રનથી જીતાડયું હતું. સુપર ઓવરમાં મુંબઈના સુપરમેન તરીકે બહાર આવેલા બૂમરાહે કહ્યું હતું કે, હું મારી મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સાથી અને યોર્કર નાંખવા માટે જાણીતા શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બોલરો મલિંગા સાથે રહીને સતત યોર્કર નાંખવાની પ્રેક્ટિસ કરું છું.
બૂમરાહે કહ્યું કે, મલિંગાના યોર્કર હરીફ ટીમના બેટ્સમેનના પગના આગળના ભાગને ટાર્ગેટ કરીને નંખાતા હોય છે. જોકે હું એ પ્રકારના યોર્કર નાંખવાની પ્રેક્ટિસ કરતો નથી. મારું ફોકસ તો યોર્કર બોલ સાતત્યપૂર્ણ રીતે કેવી રીતે નાંખી શકાય તેના પર વિશેષ રહેલું છે.
બૂમરાહે કહ્યું હતું કે, ડેથ ઓવર્સ એટલે કે આખરી ઓવરોમાં કેવી રીતે બોલિંગ કરવી તેની ખાસ પ્રેક્ટિસ કરી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાતની ટીમ તરફથી રમતો હોઉં ત્યારે મોટા ભાગે હું ડેથ ઓવર્સ એટલે કે આખરી ઓવરોમાં કેવી રીતે બોલિંગ કરવી તેના પર વિશેષ ધ્યાન આપતો હોઉં છું.
પંજાબની ૪૭ બોલમાં જીત
સંદિપ શર્માની (૪ વિકેટ) આગેવાનીમાં બોલરોના ચુસ્ત પ્રદર્શન બાદ માર્ટિન ગુપ્ટિલની આક્રમક અડધી સદી (અણનમ ૫૦)ની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૧૦ વિકેટે વિજય મેળવ્યો હતો. ૩૦ એપ્રિલે મોહાલીમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી ૧૭.૧ ઓવરમાં ૬૭ રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પંજાબે ૭.૫ ઓવર (૪૭ બોલ)માં વિના વિકેટે લક્ષ્યાંક મેળવી લીધો હતો. ગુપ્ટિલ (૫૦) અને અમલા (૧૬) ૬૮ રનની ભાગીદારી નોંધાવી ટીમને જીત અપાવી હતી. ૬૭ રનમાં આઉટ થનાર દિલ્હીએ આઈપીએલમાં પોતાનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. જ્યારે ઓવરઓલ આઇપીએલમાં ત્રીજો લોએસ્ટ સ્કોર છે. પહેલા દિલ્હીનો લોએસ્ટ સ્કોર ૮૦ રન હતો, જે ૨૦૧૩માં હૈદરાબાદ સામે નોંધાવ્યો હતો.
પંજાબે આઇપીએલમાંમાં પ્રથમ વખત ૧૦ વિકેટે જીત મેળવી છે. ઉપરાંત સૌથી વધારે બોલ બાકી રાખીને પંજાબે બીજો સૌથી મોટો વિજય મેળવ્યો છે. પંજાબે ૭૩ બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. મામલે રેકોર્ડ મુંબઈના નામે છે. ૨૦૦૮માં ૮૭ બોલ બાકી રાખીને કોલકાતા સામે ૮ વિકેટે વિજય મેળવ્યો હતો.
૩ જીત બાદ કોલકતા હાર્યું
ડેવિડ વોર્નરની સદી (૧૨૬) બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૪૮ રને વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૦૯ રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને ફિલ્ડિંગ કરનાર કોલકતા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૬૧ રન બનાવી શક્યું હતું. સતત ત્રણ જીત બાદ કોલકતાનો પરાજય થયો હતો. કોલકતા તરફથી ઉથપ્પા (૫૩) અને મનિષ પાંડેએ (૩૯) જીત માટે પ્રયત્ન કર્યો હતો. જોકે બન્નેના આઉટ થયા બાદ આશાનો અંત આવ્યો હતો. હૈદરાબાદે અંતિમ પાંચ ઓવરમાં ૫૫ રન બનાવ્યા હતા અને બે વિકેટો ગુમાવી હતી. વોર્નર અને ધવને (૨૯) પ્રથમ વિકેટ માટે ૧૨.૪ ઓવરમાં ૧૩૯ રનની ભાગીદારી નોંધાવી શાનદાર શરૂઆત અપાવી હતી. વોર્નરે ૪૩ બોલમાં સદી પુરી કરી હતી. વોર્નરે વિલિયમ્સન સાથે બીજી વિકેટ માટે ૩૨ રનની ભાગીદારી નોંધાવી હતી.
બેંગલોરનો કંગાળ દેખાવ
આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું કંગાળ પ્રદર્શન યથાવત્ રહેતા વધુ એક કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. સ્ટિવ સ્મિથ (૪૫), મનોજ તિવારી (અણનમ ૪૪) અને રાહુલ ત્રિપાઠીની ઉપયોગી બેટિંગ બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી પૂણેએ બેંગલોર સામે ૬૧ રને વિજય મેળવ્યો હતો. પૂણેએ ઘરઆંગણે ૨૯ એપ્રિલે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૫૭ રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર બેંગલોર ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૯૬ રન બનાવી શક્યું હતું. સાતમા પરાજય સાથે પ્લે ઓફમાં પ્રવેશવાની બેંગલોરની આશા ખતમ થઈ ગઈ છે. બેંગલોર તરફથી કોહલીએ ૫૫ રન બનાવ્યા હતા. વિરાટ સિવાય બેંગલોરનો કોઈ બેટ્સમેન ડબલ ફિગરના આંક સુધી પહોંચી શક્યો હતો. મેન ઓફ મેચ બનેલા ફર્ગ્યુશને ૪ ઓવરમાં ૭ રન આપીને બે મહત્ત્વની વિકેટ ઝડપી હતી.

