લંડનઃ વિશ્વનાં સૌથી વૃદ્ધ મનાતાં ૨૯ નવેમ્બર, ૧૮૯૯માં ઇટાલીમાં જન્મેલા ઇમ્મા માર્ટિના લુઇગિયા મોરાનોનું ૧૧૭ વર્ષની વયે તાજેતરમાં અવસાન થયું હતું. ગિનસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સૌથી વૃદ્ધ જીવિત તરીકે તેમનો વિક્રમ નોંધાયો છે. ગેરોન્ટોલોજી રિસર્ચ ગ્રુપ દ્વારા કરાયેલા સંશોધનમાં ૧૬મી એપ્રિલે મૃત્યુ પામેલા ઇમ્માને ગયા વર્ષે મે મહિનામાં જ વિશ્વની સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ તરીકે સ્થાન મળ્યું હતું. પરિવારમાં આઠ ભાઇ-બહેનમાં સૌથી મોટો મોરાનોનો જન્મ અને ઉછેર વેરસેલ્લી, ઇટાલીમાં થયો હતો. એ પછી તેઓએ વરબાનિયામાં લેક મેગિઆર્રોમાં જીવનનો મોટાભાગનો સમય વિતાવ્યો હતો. તેઓનાં રોજિંદા ભોજનમાં બે કાચા અને એક બોઈલ ઇંડાં સાથે તાજા ઇટાલિયન પાસ્તા અને કાચા માંસનો સમાવેશ થતો હતો.
મોરાનોના સાથીદાર પુરુષમિત્ર પ્રથમ વિશ્વ યુદ્ધમાં ગુજરી ગયા પછી ૧૯૨૬માં તેમણે બીજાં લગ્ન કર્યાં હતાં. જોકે આ લગ્નજીવન દુઃખમય હતું અને છ મહિનાનું તેમનું બાળક ગુજરી જતાં લગ્નજીવનનો અંત આવ્યો હતો. એ પછી તેમણે ઇટાલીમાં એકાકી જીવન જ જીવવાનું પસંદ કર્યું હતું.

