ઇસ્તંબુલઃ તુર્કીમાં ઇસ્તંબુલની એક નાઇટ ક્લબમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન સાંતાક્લોઝના વેશમાં આવેલા હુમલાખોરોએ પ્રવેશ પછી ૭૫ મિનિટ પછી ફાયરિંગ કર્યું તેના કારણે એક ગુજરાતી યુવતી અને રાજ્યસભાના પૂર્વ સાંસદના પુત્ર, ૧૬ વિદેશીઓ સહિત ૩૯ મોત થયા હતા અને ૭૦ લોકો ઘવાયા હતા. માર્યા ગયેલા વિદેશીઓમાં બે ભારતીયો છે. જ્યારે ૬૯ લોકો ઘાયલ થયા હતા.
ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને માર્યા ગયેલા લોકોમાં ભારતીયો હોવાની જાણકારી આપી હતી. બન્ને ભારતીયોમાં એક પૂર્વ રાજ્યસભા સભ્યના પુત્ર આબિસ રિઝવી ઉપરાંત ગુજરાતના વડોદરાની ખુશી શાહ સામેલ છે. તેમણે જણાવ્યું કે ભારતીય રાજદૂત ઇસ્તંબુલ જવા રવાના થયા છે.
બિલ્ડર્સના સીઈઓ આબિસ આબિસ બિલ્ડર્સના સીઈઓ હતા અને તેમણે 'રોર : ટાઈગર્સ ઓફ સુંદરબન' જેવી કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.
તુર્કીમાં આતંકનો ઇરાદો
રાષ્ટ્રપતિ તૈયિપ એર્દોગને આ હુમલાને તુર્કીને અસ્થિર બનાવવાનું પ્લાનિંગ ગણાવ્યું છે. ૧૦મી ડિસેમ્બરે પણ ઇસ્તંબુલમાં ફૂટબોલ મેચમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૪૪ લોકો માર્યા ગયા હતા. તુર્કીના ગૃહ પ્રધાન સુલેમાન સોએલુએ કહ્યું કે લોકપ્રિય રૈના નાઇટ ક્લબના ફાયરિંગમાં મરનારા લોકોમાં ૩૯નાં મોત થયાં હતા. હુમલાખોરોની શોધ હજુ ચાલી રહી છે. સુરક્ષાગાર્ડની હત્યા કરી આતંકીઓ અંદર ઘૂસ્યા હતા. ફાયરિંગ કર્યા પછી તે ફરાર થઈ ગયા હતા. હુમલો રાતે લગભગ સવા વાગ્યે થયો હતો. એ સમયે ક્લબમાં ૭૦૦ લોકો પાર્ટી કરી રહ્યા હતા.
લોકોની જીવ બચાવવા સ્વિમિંગ પૂલમાં છલાંગ
ફાયરિંગનો અવાજ સાંભળીને કેટલાક લોકો જીવ બચાવવા માટે સ્વિમિંગ પૂલમાં કૂદી ગયા હતા. ટીવી ચેનલ પર બતાવવામાં આવ્યું કે કેવી રીતે સૂટ-બૂટ પહેરેલા પુરુષો અને કોકટેલ ડ્રેસમાં મહિલાઓ ડરના કારણે ત્યાંથી ભાગીને સ્વિમિંગ પૂલમાં કૂદી રહ્યાં હતાં. નાઇટ ક્લબના માલિક મેહમત કોશાર્સલાને જણાવ્યું કે અમેરિકન ગુપ્તચર એજન્સી દ્વારા સૂચના મળ્યા પછી ૧૦ દિવસ પહેલાં ક્લબની સુરક્ષામાં વધારો કર્યો હતો. હુમલખોરો કલાશનિકોવ રાઇફલ લઇને આવ્યા હતા.
એક મહિલાએ જણાવ્યું કે, અમે લોકો ડાન્સ કરતાં હતાં આ દરમિયાન એકાએક ગોળીબાર શરૂ થયો હતો. મારી જાણ પ્રમાણે બે હુમલાખોર હતા.
•••
ખુશી ફેશન પ્રતિભાશાળી ફેશન ડિઝાઇનર
નાઇટ કલબમાં ભોગ બનેલી વડોદરાની ખુશી શાહ ફેશન ડિઝાઇનર હતી. ત્યાં કામ માટે ઇસ્તંબુલ ગઈ હતી. માસ્ટર્સની ડિગ્રી મેળવી તેણે ‘ખુશીઝ’ના લેબલથી વ્યવસાય શરૂ કર્યો હતો.
ખુશી વર્ષ ૨૦૧૩માં વિલ્સ લાઇફ સ્ટાઇલ ઇન્ડિયા ફેશન વીકથી ખૂબ જ ચર્ચામાં રહી હતી. બોલિવૂડની મોટી હસ્તીઓના ડ્રેસ પણ તેણે ડિઝાઇન કર્યા હતા. મુંબઈમાં ડિઝાઇન ક્ષેત્રે ‘ખુશીઝ’નું ઘણું જાણીતું હતું. તેના પિતા અશ્વિનભાઈ શાહની અંકલેશ્વરમાં કેમિકલની
ફેક્ટરી છે.
ઘટનામાં ખુશીની ઓળખ થયા બાદ તેનો મૃતદેહ મેળવવા માટે તેના ભાઈ અક્ષય અને તેના પિતરાઈ ભાઈ હિરેન રાતની ફ્લાઇટમાં તુર્કી રવાના થયા હતા. ખુશીના મૃત્યુના સમાચાર મળતાં જ સેવાસી સ્થિત અશ્વિનભાઈના ઘરે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ દોડી આવ્યા હતા. ખુશીના નજીકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ફેશન ડિઝાઇનિંગમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ ખુશીએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. ખુશી બિઝનેસના કામ માટે બેથી ત્રણ દિવસ માટે ઇસ્તંબુલ ગઈ હતી, પરંતુ કમનસીબ હુમલાનો ભોગ બની હતી.
ભારત સરકારે તાત્કાલિક મદદ કરી
ઘટના બાદ ખુશીનો સંપર્ક ન થઈ શકતાં ખુશીના પરિવારજનોએ ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ભારત સરકારે ખૂબ જ સક્રિયતા દાખવી હતી. ભારત સરકારે ખુશીના બે ભાઈને તુરંત વિઝાની સગવડ કરાવી તેમને તુર્કી માટે રવાના કર્યા હતા. ત્યાં તેમને કોઈ તકલીફ ન પડે તે માટે પણ સૂચના આપી છે.

