નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટના વહિવટી તંત્રનો ઐતિહાસિક નિર્ણય લેતા બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના પ્રમુખ અનુરાગ ઠાકુર, સેક્રેટરી અજય શિર્કેની હકાલપટ્ટી કરી છે. ભારતીય ક્રિકેટમાં ધરમૂળથી ફેરફાર કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી જસ્ટિસ લોઢા સમિતિની ભલામણો સ્વીકારવા બીસીસીઆઇના પદાધિકારીઓ સતત આનાકાની કરી રહ્યા હતા.
જોકે સોમવારે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ લોઢા સમિતિ દ્વારા કરવામાં આવેલી મોટા ભાગની તમામ ભલામણો સ્વીકારી લીધી હતી. હવે આગામી દિવસોમાં બીસીસીઆઇ સાથે સંકળાયેલા સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનમાં પણ અનેક 'વિકેટ' પડશે તે નિશ્ચિત છે.
સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વના આદેશના ભાગરૂપે ફલી એસ. નરિમાન અને કોર્ટના મિત્ર (એમિક્સ ક્યુરી) ગોપાલ સુબ્રમણ્યમને બીસીસીઆઇના નવા પદાધિકારીઓ નિયુક્ત કરવાની જવાબદારી સોંપી છે. અનુરાગ ઠાકુર સામે સુપ્રીમ કોર્ટમાં ખોટું સોગંદનામું દાખલ કરવાનો આરોપ છે. આથી ભવિષ્યમાં તેમની સામે સુપ્રીમ કોર્ટનું સન્માન નહીં જાળવવાનો કેસ પણ ચાલશે. આ મામલે હવે આગામી સુનાવણી ૧૯ જાન્યુઆરીએ થશે.
દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ૧૮ જુલાઇ, ૨૦૧૬ના રોજ જે આદેશ અપાયો હતો તેનો અમલ કરવામાં બીસીસીઆઇના બે અધિકારીઓ અનુરાગ ઠાકુર અને અજય શિર્કે નિષ્ફળ રહેતા અમને આ પગલું લેવું પડયું છે.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટના વહિવટી તંત્રમાં સુધારા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી લોઢા સમિતિની કેટલીક ભલામણો સ્વીકારવા સામે બીસીસીઆઇ ગલ્લાંતલ્લાં કરી રહ્યું હતું. આ સૂચનોમાં અધિકારીઓની ઉંમર, કાર્યકાળ, એક રાજ્ય એક વોટ જેવી કેટલીક મહત્વના મુદ્દા સામેલ હતા.
પરિવર્તનનો પવન ફૂંકાશે
જસ્ટિસ લોઢા સમિતિની ભલામણો પર સુપ્રીમે મંજૂરીની મહોર લગાવતા હવે બીસીસીઆઇમાં ઐતિહાસિક ફેરફાર જોવા મળી શકે છે. આ પૈકી સૌથી મહત્વનો નિર્ણય વન સ્ટેટ-વન વોટનો છે. અત્યાર સુધી પ્રત્યેક એસોસિયેશનને બીસીસીઆઇમાં મત આપવાનો અધિકાર હતો. જેમ કે, ગુજરાતમાં જ ગુજરાત, સૌરાષ્ટ્ર, બરોડા એમ ત્રણ એસોસિયેશન છે.
આ ત્રણેય અત્યારસુધી અલગ-અલગ વોટ આપી શકતા પણ હવે તેમાંથી એકને જ મતાધિકાર મળશે. આ ઉપરાંત ૭૦થી વધુ વય ધરાવતા, રાજકારણી પણ બીસીસીઆઇમાં હવેથી પદ ભોગવી શકશે નહીં. હાલ નવા પદાધિકારીઓની વરણી નહીં કરાય ત્યાં સુધી વાઇસ પ્રેસિડેન્ટ બીસીસીઆઇની કામગીરી સંભાળશે.
પ્રમુખપદે ગાંગુલી ફેવરિટ
બીસીસીઆઇના પ્રમુખપદેથી અનુરાગ ઠાકુરની હકાલપટ્ટી કરાતાં હવે તેમના અનુગામી કોણ બનશે તેના અટકળો શરૂ થઇ ગઇ છે. બીસીસીઆઇના આગામી પ્રમુખ બનવા માટે જે નામ ચર્ચામાં છે તેમાં ભારતીય ક્રિકેટના સૌથી લોકપ્રિય સુકાની સૌરવ ગાંગુલીનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બોર્ડ પ્રમુખ માટે શોધખોળ શરૂ કરી દેવાઇ છે. આગામી બે સપ્તાહમાં બીસીસીઆઇને નવા પ્રમુખ અને સેક્રેટરી મળી શકે છે. કોર્ટે ચુકાદામાં એમ કહ્યું કે પદાધિકારીઓની નવી સમિતિની વરણી કરાશે, જેના દ્વારા બીસીસીઆઇની કામગીરી હાલ પૂરતી કરવામાં આવશે. પ્રમુખ પદ માટેની સ્પર્ધામાં ગાંગુલી ઉપરાંત કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ પટેલ, ભૂતપૂર્વ ટેસ્ટ પ્લેયર શિવલાલ યાદવ પણ રેસમાં છે. ગાંગુલી હાલ ક્રિકેટ એસોસિયેશન ઓફ બેંગાલનો પ્રમુખ છે.

