‘આપ માયાબહન સે કહિયે કલ સુબહે બનારસ મેં આપકા ગાયન હોગા...’
વારાણસીના અસ્સી ઘાટ ઉપર માયાબહેનના પતિ દીપકભાઇને સ્થાનિક વ્યક્તિએ કહ્યું. દીપકભાઈ મૂંઝાયા. કારણ કે આવી કોઈ તૈયારી જ ન હતી, પરંતુ આખરે કાર્યક્રમ થયો જ. વારાણસી-બનારસ-કાશી નામે ઓળખાતી આ નગરી સપ્તપુરી તરીકે પણ વિખ્યાત છે. હિન્દુ ધર્મના પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક બનારસ સ્પિરિચ્યુઅલ કેપિટલ ઓફ ઈન્ડિયા ગણાય છે.
પવિત્ર ગંગા નદીના અસ્ખલિત વહેતા જળનો પ્રવાહ ભક્તોમાં ભક્તિનું સિંચન કરે છે. અહીં અનેક ઘાટ છે. એમાંનો એક ઘાટ એટલે અસ્સી ઘાટ. અસ્સી ઘાટ પર છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી અહીં વહેલી સવારે અડધા કલાક માટે ‘સુબહે બનારસ’ કાર્યક્રમ યોજાય છે. સવારે ૪ વાગ્યે લોકો ભેગા થવા માંડે. આરતી-હવન અને ગાયન થાય. નિયમિત આવનારા લોકો અને પ્રવાસીઓ કાર્યક્રમમાં જોડાય.
અમદાવાદથી જાણતા ગાયિકા માયા દીપક તેમના પતિ દીપકભાઇ અને દીકરા કુંજન સાથે ૨૦૧૫ના મે મહિનામાં ગયા હતા. પ્લાનિંગ હતું કેરળ જવાનું પરંતુ દીકરાએ કહ્યું કે બનારસ જવું છે અને પહોંચ્યા બનારસ.
ગંગાને કાંઠે આહલાદક અનુભૂતિનો આનંદ સહુએ લીધો. માયાબહેન હોટેલ પર ગયા ને દીપકભાઈ ઘાટ પર હતા. એમનું ધ્યાન ગયું કે અસ્સી ઘાટ પર કોઈ કાર્યક્રમની તૈયારી થઈ રહી હોય એવું લાગે છે. ત્યાં ગયા અને તપાસ કરી તો જાણવા મળ્યું ‘સુબહે બનારસ’ કાર્યક્રમ વિશે. આનંદ સાથે એમણે કહ્યું કે મારી પત્ની પણ ગાયિકા છે, એમના મોબાઈલમાં જે ફોટાઓ હતા તે બતાવ્યા તો આયોજકોએ કહ્યું કે આમ તો કાલે કોઈ કલાકારનું શાસ્ત્રીય વાદ્ય સંગીત રજૂ થવાનું છે, પણ માયાબહેનને પણ અવસર આપીએ. દીપકભાઈએ કહ્યું કે અહીં વાદ્યકારો નથી, તો યજમાને એ વ્યવસ્થા પણ કરી આપી અને લેખના આરંભે કહેલું વાક્ય બોલ્યા.
બીજા દિવસે વહેલી સવારે ગંગાકિનારે ગાવાનો અમૂલ્ય અવસર માયાબહેનને મળ્યો. પ્રતિસાદ એટલો સુંદર મળ્યો કે દસ મિનિટ વધુ ગાયન કર્યું. વારાણસી સાથેનો અનુબંધ વધુ મજબૂત થયો. ડિસેમ્બર ૨૦૧૫માં લંડનના જાણીતા કલાકાર અનંતભાઈના પત્ની મીનાબહેન સાથે માયાબહેન ફરી ગયા. સંગીતપ્રેમી ઉચ્ચ અધિકારી ડો. રામેશ મિત્રા સાથે મુલાકાત થઈ. એમણે એક હોલમાં માયાબહેનનો સંગીત કાર્યક્રમ ત્યારે જ નક્કી કરી નાંખ્યો અને ‘એક શામ ગંગાજી કે નામ’ કાર્યક્રમ ડિઝાઈન કર્યો. વ્હોટસએપ પર નિમંત્રણ આપ્યા અને શહેરમાં ફ્લેક્સ બેનર મૂક્યા.
મૂળ આયોજનમાં એક કલાકનો કાર્યક્રમ વિચાર્યો હતો. વાદ્યકારો પણ સ્થાનિક હતા. સ્વાભાવિક રીતે એ મર્યાદા હતી, પરંતુ શ્રોતાઓએ માયાબહેનના સ્વરને અને રજૂઆતને એટલી વ્યાપક દાદ આપી કે કાર્યક્રમ પૂરા ત્રણ કલાક સુધી ચાલ્યો. આયોજકોએ કલાકારનું સન્માન કર્યું અને લાગણીસભર અવાજે ફરી બનાસરમાં પહેલેથી જ પ્લાનિંગ સાથે એમનો કાર્યક્રમ ગોઠવીશું એવું વચન પણ આપ્યું. કાશી વિશ્વનાથના દર્શન કરીને - સાડીઓની ખરીદી કરીને આ યાદગાર ભૂમિ સાથેના મધુરા સંસ્મરણો સાથે માયાબહેન અમદાવાદથી પરત આવ્યા.
•••
તાજેતરમાં અસ્સી ઘાટ પર સદાકાળ ગુજરાત કાર્યક્રમનું આયોજન થયું એ સંદર્ભે આ ઘટનાનું પણ સ્મરણ થયું. લંડનના હવાઈપ્રવાસ દરમિયાન પ્લેનમાં જોયેલી ‘બનારસ’ ફિલ્મ પણ યાદ આવી.
કોઈ પણ કલાના ધારકો-પરફોર્મર પોતાની કલા પ્રસ્તુતિ અર્થે દેશ-વિદેશમાં ફરતા રહેતા હોય છે. સ્વાભાવિકપણે એમને માન-સન્માન પણ મળતા હોય છે. પરંતુ અચાનક-અનાયાસ-યાદગાર સ્થળે કાર્યક્રમો ગોઠવાઈ જાય. શ્રોતા-દર્શકો એને બિરદાવે એનો આનંદ અલગ હોય છે. કલાકાર જ્યારે કલાના સ્વરૂપનું ગૌરવ સાચવીને પોતાની પ્રસ્તુતિ કરે ત્યારે આપોઆપ સહજતાથી એને સન્માન અને આદર મળતા હોય છે. ઐતિહાસિક-ધાર્મિક કે પૌરાણિક શહેર અથવા સ્થાન વિશેષમાં કોઈ પણ કલાકાર જ્યારે કલા પ્રસ્તુતિનો અવસર મળે ત્યારે એના જીવનમાં આનંદના અજવાળા રેલાય છે.

