ગિસબોર્નના રન વે પર પ્લેન પણ દોડે છે અને ટ્રેન પણ દોડે છે!

Wednesday 04th January 2017 05:19 EST
 
 

વેલિંગ્ટનઃ ન્યૂ ઝિલેન્ડમાં નોર્થ આઇલેન્ડ પાસે આવેલું ગિસબોર્ન એરપોર્ટ એક એવું વિશિષ્ટ એરપોર્ટ છે જેના રન વેની વચ્ચેથી રેલવે ટ્રેક પસાર થાય છે. વિશ્વનું આ એક માત્ર સ્થળ એવું જયાં વારાફરતી ટ્રેન દોડે છે અને એરોપ્લેન ઉડે છે. સવારે ૬.૩૦ વાગ્યાથી રાત્રે ૮.૩૦ સુધી આ સ્થળે ટ્રેન અને પ્લેનનું આવન-જાવન ચાલુ રહે છે.
નેપિઅરથી ગિસબોર્ન તરફ જતો રેલવે ટ્રેક ગિસબોર્ન એરપોર્ટના રન વે પરથી જ પસાર થતો હોવાથી ચાંપતી નજરે રેલવે અને એરોપ્લેનના ટ્રાફિક નિયમન કરવું પડે છે. ટ્રેન પસાર થતી હોય ત્યારે રન વે પરથી વિમાનનું ઉડયન અટકાવવામાં આવે છે. આથી ઉલ્ટું પ્લેન માટે ટ્રેનને અટકાવવામાં આવી હોય તેવું જવલ્લે બનતું હોય છે. અહીં ફરજ બજાવતા અધિકારીઓનું માનવું છે કે ટ્રેનને દોડતી અટકાવી દેવા કરતા પ્લેનને લેન્ડીંગ કે ટેઇકઓફ કરતાં અટકાવવાનું વધુ સરળ, સચોટ અને સુગમતાભર્યુ છે. આ એરપોર્ટ પર ટ્રેન આવતી હોય ત્યારે એરોપ્લનને લેન્ડીંગ માટે રાહ જોવી પડે છે. કયારેક ટ્રેનને પસાર થવામાં વધુ સમય લાગે તો પ્લેન આકાશમાં એકાદ-બે ચક્કર વધુ મારે છે.
આ એરપોર્ટ પરથી દરરોજ ૩૦થી વધુ વિમાનો ઉડે છે અને ૧૫થી પણ વધુ ટ્રેનો પસાર થાય છે. રન વેની બરાબર વચ્ચેથી રેલવે ટ્રેક પસાર થતો હોવાથી ઘણા પાયલટ્સ ગિસબોર્નને દુનિયાનું ડેન્જર્સ એરપોર્ટ પણ ગણાવે છે. જોકે ૧૭૭૭ મીટર લાંબા રન વે પર આજ સુધી અકસ્માત થવાની ઘટના બની નથી. ૨૦૧૧માં ન્યૂ ઝિલેન્ડમાં ૭.૧ની તિવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે સેન્ટ્રલ ગિસબોર્નમાં ઘણી તબાહી થઇ હતી. જોકે એરપોર્ટ અને તેના રન વેને આંશિક નુકસાન થયું હતું. આ એરપોર્ટ ઇસ્ટ કોસ્ટ અને નોર્થ કોસ્ટને જોડે છે.


comments powered by Disqus