ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ સામાજિક અધિકારિતા પ્રધાન, ભાજપના કારોબારી સભ્ય ગાભાજી ઠાકોરનું બીજીએ ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ સ્વ. ઠાકોરના નિધન બદલ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
જીતુ વાઘાણીએ શોક સંદેશમાં જણાવ્યું છે કે, સ્વ. ગાભાજી ઠાકોર કારોબારી સભ્ય ઉપરાંત અગાઉ સંગઠન અને સરકારમાં વિવિધ જવાબદારી નિભાવી ચૂક્યા હતા. તેમના નિધનથી સમાજ જીવનને ખોટ પડી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્વ. ઠાકોરને સંનિષ્ઠ, સમર્પિત, કર્મઠ કાર્યકર્તા લેખાવ્યા હતા. તેમણે કહ્યું કે, સ્વ. ગાભાજીના નિધનથી ભાજપે એક સમર્પિત કાર્યકર્તા ગુમાવ્યા છે એટલું જ નહીં દલિત, પછાત, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના સમાજે એક આગેવાન ગુમાવ્યા છે.
