સુભાષકથા (ભાગ-૩૫)

શિદેઈના ચહેરા પર વ્યગ્રતા જોઈને ચંદ્ર બોઝે પૂછયુંઃ ‘શું થયું શિદેઈ?’

વિષ્ણુ પંડ્યા Wednesday 04th January 2017 07:35 EST
 
 

એક પછી એક તપાસ-કેન્દ્રો પાર કરતાં છેવટે જોસેફ સ્તાલિનનું કાર્યાલય આવ્યું. પટ્ટિકામાં નામ લખ્યું હતુંઃ Joseph Vissarionovich Stalin
એક અફસર બહાર આવીને બન્નેને અંદર દોરી ગયો. એક લાંબો-પહોળો, કશા ફર્નિચર વિનાનો ઓરડો, એક બારી, મોટું ટેબલ અને તેની આસપાસ સાત ખુરશીઓ. આસપાસની ખુરશીઓમાં બેઠેલાઓના ચહેરા દેખાયા. તેઓ દરેક ક્ષણે સ્તાલિનની સાથે વાતચીત કરીને તેના ચહેરા પર પ્રતિભાવ નિહાળવાની કોશિશ કરી રહ્યા હતા.
ચંદ્ર બોઝ નિકટ આવતાં સ્તાલિને તેમની સાથે હસ્તધૂનન કર્યું, પછી શિદેઈની સાથે. બન્નેને ખાલી ખુરશી પર સ્થાન લેવા સંકેત આપ્યો અને બાજુમાં પડેલી ચિરૂટનો એક કશ લીધો.
ચંદ્ર બોઝ હિટલર અને મુસોલિની પછી આ ત્રીજા સરમુખત્યારને જોઈ રહ્યા હતા. મોટો ચહેરો, ભરાવદાર મૂછો, માથા પર કાળા વાળ, શરીર પર લોંગ કોટ પર કેટલાક ખિતાબો, મુખ્યત્વે સૈનિકી વડાની પટ્ટી અને હાથમાં ચિરૂટ.
તેણે વાતની શરૂઆત કરી દીધી. ‘વ્હોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન, મિસ્ટર બોઝ?’
તે તો રશિયન ભાષામાં જ બોલતો હતો, પણ પાસે દુભાષિયો હાજર હતો.
ચંદ્ર બોઝઃ ભારતમુક્તિ અને તેને માટેના પ્રત્યેક પ્રયાસ.
સ્તાલિનઃ પણ, રશિયા જ શા માટે પસંદ કર્યું? તમે તો જર્મન-જાપાનના શુભેચ્છક રહ્યા છો.
ચંદ્ર બોઝઃ હા. મારા દેશની મુક્તિ માટે જે કોઈ મદદ કરે તેનો હું શુભેચ્છક રહીશ.
સ્તાલિનઃ ભારત વિશે હું ખાસ કશું જાણતો નથી, અને જાણવા માગતો નથી... મારે તો રશિયાને બેઠું કરવું છે... પણ તમે - ઇન્ડિયન લીડર્સ - અમારા હેતુમાં ખાસ કામ આવતા નથી.
ચંદ્ર બોઝ ચૂપ રહ્યા. ભારતવાસી વિશે તેમની કોઈ ટીકા કરવાની કે પ્રતિક્રિયાની ઇચ્છા નહોતી.
સ્તાલિને બાજુની ખુરશીમાં બેઠેલા એક મિનિસ્ટરની સામે જોયું. તેણે નામ આપ્યાઃ વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, અબજી મુખરજી, ગુલામ અંબિયાખાન લોહાણી, ડો. ખાન ખોજે...
સ્તાલિનને તુરત યાદ આવ્યુંઃ બધા બુદ્ધિશાળી છોકરાઓ... પણ દિશાવિહીન. કાવર્ડલી બોર્જોઇઝ...
ચંદ્ર બોઝ હવે શાંત રહી શક્યા નહીં, ‘એમ. એન. રોયે તો તાશ્કંદમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના કરી હતી. ચટ્ટોપાધ્યાયની થિસિસ થર્ડ ઇન્ટરનેશનલમાં પ્રસ્તુત થઈ...’
સ્તાલિનનો ચહેરો રૂઢ બન્યોઃ ‘તેમનું શું થયું એ તો જાણો છો ને?’
ચંદ્ર બોઝે ગમગીન ચહેરે હા પાડી. વીરેન્દ્રનાથ - અવનીને સ્તાલિનશાસન દરમિયાન ફાંસીએ ચઢાવી દેવાયા હતા... તેની તેમને જાણ હતી.
‘...અને ચટ્ટોના દોસ્ત સર્ગેઈ મિર્નોવિક કિરોવ પણ હવે આ દુનિયામાં નથી રહ્યો. રશિયા-વિરોધની નિયતિ અહીં સ્પષ્ટ છે.’
ચંદ્ર બોઝને સમજાયું નહીં કે બ્રિટિશ-અમેરિકાના ભારે દબાણ છતાં રશિયામાં પ્રવેશ આપનાર સ્તાલિનનાં મનમાં શું છે? શું તે ડરાવવા-ધમકાવવા માગતો હતો? શું તેને જાપાન-જર્મનીની વ્યૂહરચનાઓની અધિક જાણકારી મેળવવાની આતુરતા હતી? કે ભારતના શુભેચ્છક તરીકે સ્થાપિત કરીને પોતે ખરેખર મદદ કરવા ઇચ્છતો હતો?
કે પછી...
સ્તાલિનના હોઠ પર શબ્દો આવ્યાઃ ‘મને કોમ્યુનિસ્ટોમાં જરીકેય રસ નથી... ૧૯૪૨ની ચળવળમાં તેણે ગાંધીને મદદ કરવી જોઈતી હતી પણ તે તો માત્ર કઠપૂતળાં નીકળ્યાં, સામ્યવાદ એવા પૂતળાંઓથી મજબૂત થઈ શકે નહીં...’
ચંદ્ર બોઝના ચહેરા પર સ્મિત આવ્યું, તેમણે કહ્યુંઃ તેઓ મને ‘ક્વિઝલિંગ બોઝ’ જ ગણાવે છે!
સ્તાલિન કશું બોલ્યા નહીં, પણ થોડીક પળ પછી, ચિરૂટનો વળી પાછો કશ લઈને વાત આગળ ધપાવી.
‘તમે બ્રિટીશ નીતિ વિશે શું અભિપ્રાય ધરાવો છો, ચંદ્ર બોઝ?’
‘હું બ્રિટિશ સામ્રાજ્યવાદનો હાડોહાડ વિરોધી છું, મિસ્ટર સ્તાલિન અને બીજા વિશ્વયુદ્ધમાં એડોલ્ફ હિટલરે જે ભૂલ કરી - બે મોરચે દુશ્મનો સામે લડવાની - તેણે પ્રથમ વિશ્વયુદ્ધ જેવું જ પરિણામ લાવ્યું... રશિયા મિત્ર દેશોનું સ્વાભાવિક મિત્ર હોઈ શકે જ નહીં...’
સ્તાલિને વળી મોલોટોવ તરફ જોયું. ‘રુઝવેલ્ટ - ટ્રુમેન - ચર્ચિલ... તેમણે અણુબોંબ વિશે આપણને અંધારામાં રાખ્યાં હતાં ને?
મોલોટોવે હકારમાં માથું ધૂણાવ્યું. પણ તુરત સ્તાલિને વિષય ફેરવ્યો.
‘મિસ્ટર ચંદ્ર બોઝ, કેજીબીના અહેવાલ પ્રમાણે તો તમે એમઆઇ-૬નું કામ કરી રહ્યા છો...’
એમઆઇ-૬ એટલે કે બ્રિટીશ ઇન્ટેલિજન્સ સર્વિસના પ્રતિનિધિ હોવાનો આરોપ હતો. ચંદ્ર બોઝે હસીને કહ્યું આઇ એમ એ સુભાષચંદ્ર બોઝ. આઇએનએનો રાષ્ટ્રાધ્યક્ષ અને બ્રિટિશ સામ્રાજ્યવાદ સામેના સંઘર્ષમાં સામેલ ભારતીય.
પહેલીવાર સ્તાલિનની મૂછો પાછળ સ્મિતની રેખા અંકાઈ ગઈ.
સ્તાલિનઃ ...પણ તમારે મિ. ગોગા સાથે અવશ્ય મુલાકાત કરી લેવી જોઈએ.
ચંદ્ર બોઝઃ ગોગા?
મોલોટોવ! અવની મુખર્જીનો પુત્ર. એ અહીં મોસ્કોમાં જ કામ કરે છે...
ચંદ્ર બોઝને આ મુલાકાતનું રહસ્ય સમજાયું નહીં. મંત્રણા પૂરી થવા પર હતી. સ્તાલિન આનાથી વધુ કોઈ ચર્ચા કરવા માગતો નહોતો એ સ્પષ્ટ હતું. અચાનક પ્રવેશ દ્વારે એક કન્યાનો અવાજ સંભળાયો. તે અંદર આવી ચૂકી હતી અને સ્તાલિને તેને ગળે લગાવી કપાળ પર એક ચુંબન આપ્યું... બીજા પદાધિકારીઓ ઊભા થઈ ગયા અને ચંદ્ર બોઝને બહાર દોરવાની મુદ્રામાં દેખાયા. પણ ચંદ્ર બોઝ છેલ્લી વાત કરવામાં દૃઢ હતા.
તેમણે કહ્યુંઃ મિસ્ટર સ્તાલિન.
સ્તાલિનઃ હા, મારી પુત્રી સ્વેતલાના...
સ્વેતલાનાએ અબોધ ભાવે હાથ જોડીને નમસ્તે કર્યા! ચંદ્ર બોઝને પ્રિય પત્ની એમિલી શેંકલ અને પુત્રી અનિતાનું સ્મરણ થઈ આવ્યું આશીર્વાદ આપવા આ કન્યાના માથા પર હાથ મુકવાની ઇચ્છા મનમાં જ સમાવી લીધી, અને કહ્યુંઃ મારે હિન્દુસ્તાનની આઝાદી માટેનો સંઘર્ષ કરવો છે. વીરેન્દ્રનાથ, અવની મુખર્જી, માનવેન્દ્રનાથ રોય...ની વાત જવા દો. હું સુભાષચંદ્ર બોઝ છું, નેતાજી સુભાષચંદ્ર બોઝ. ભારતમુક્તિ અને તે પણ જલદીથી... હું સ્વપ્નદૃષ્ટા છું કોમરેડ સ્તાલિન!
ચંદ્ર બોઝના સ્વરમાં ક્યાંક તીવ્ર સંવેદનાનો અણસાર હતો. સ્તાલિન અને સ્વેતલાના, બન્નેને તેનો અનુભવ થઈ રહ્યો.
અને શિદેઈ સાથે સ્તાલિનની વિદાય લીધી. શિદેઈએ બહાર નીકળતાં જ પૂછી લીધુંઃ ‘વીરેન્દ્રનાથ, એમ. એન. રોય, અવની મુખર્જી, ગોગા... અને સ્વેતલાના. આ બધાં કોણ ચંદ્ર બોઝ?’
ચંદ્ર બોઝે સ્મિત આપ્યું પણ ગમગીન. સમયની ગુફામાં ક્યાંક વિલીન થઈ ગયેલાં અને થનારાં પાત્રો!
ક્રેમલિન પર બરફની ચાદર ઢંકાઈ રહી હતી.
પણ શિદેઈનો અજંપો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો, ‘શું ભવિષ્ય હશે ચંદ્ર બોઝનું? સરમુખત્યાર સ્તાલિનના હોઠ પર કોઈ એવી ખાતરી તો આવી જ નહીં કે રશિયામાં ચંદ્ર બોઝ પુનઃ સ્વાતંત્ર્ય સંઘર્ષનો લલકાર કરશે અને સિંગાપુર-રંગુનમાં વિખરાયેલાં મુક્તિ ફોજના સપનાનો નવો અવતાર થશે...’
તેને બદલે તેણે તો વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, માનવેન્દ્રનાથ રોય, અવની મુખરજી... તેનો પુત્ર ગોગા... આ બધાં નામો લીધાં, જાણે કે તે બધાંની નિષ્ફળતાનો સંકેત ચંદ્ર બોઝને આપી રહ્યા હોય!
આ અવની બોઝ કોણ? જેને ફાંસીએ લટકાવી દેવાયો તે કટ્ટર સામ્યવાદી બુદ્ધિજીવી તો નહીં?
શિદેઈએ ચંદ્ર બોઝને છાવણીમાં પાછાં ફરતાં પૂછી નાખ્યું.
ચંદ્ર બોઝે પણ એ કમનસીબ બિરાદરની માંડીને વાત કરી. જબલપુરમાં જ તેનો જન્મ થયો, પણ ઉછેર અમદાવાદમાં. પિતા એક કાપડ મિલમાં હતા... વારસામાં ટેક્સટાઇલ ટેક્નોલોજીનું કામ હતું, પણ જાપાન-જર્મનીમાં મિલમાં વણાટકામના અભ્યાસાર્થે ગયેલા અવનીને બર્લિનમાં સામ્યવાદીઓ મળી ગયા. જીવનનો રસ્તો જ બદલાયો! ૧૯૧૪માં મહાક્રાંતિકાર રાસબિહારી બોઝની મુલાકાત થઈ, બીજાં વર્ષે જાપાન ગયા અને ક્રાંતિકારોનો એક મોટો પ્રયાસ થયો, જેને ‘હિન્દુ-જર્મન કોન્સ્પિરસી’ તરીકે નોંધાયેલ છે... ચંદ્ર બોઝ થોડી ક્ષણો મૌન રહ્યા. કંઈક વિચારી રહ્યા હશે?
‘શું વિચારો છો, ચંદ્ર બોઝ?’
‘આપણા સમર્પિતોની, આદર્શો માટેની નિયતિ... ૧૯૧૫માં આ માણસ સિંગાપુરમાં પકડાયો અને જેલ તોડીને ભાગ્યો હતો!’
‘તમારું નજરકેદનું સાહસ એવું જ છે ને?’ શિદેઈએ હસીને કહ્યું.
આવા ગમગીન વાતાવરણમાં યે ચંદ્ર બોઝ હસી પડ્યા. કહે, ‘અમે બંગાળીઓ બીજું કંઈ કરીએ કે નહીં, પણ ભાગી છૂટવાનો ઉદ્યમ જરૂર જાણીએ છીએ!’
ચંદ્ર બોઝ વળી બોલવા લાગ્યા, ‘પણ બંગ-દિમાગમાં જ્યારે આવી રીતે બંધનમુક્તિનું સાહસ આવે છે ત્યારે તેની પાસે એક નિશ્ચિત ધ્યેયપથ હોય છે... એટલે તો તે સફળ નીવડે છે.’
અવની પણ સિંગાપુરથી સીધો જાવા પહોંચી ગયો. નામ રાખ્યું દર શાહીર! બે વર્ષના અજ્ઞાતવાસમાં તેણે દુનિયાના ક્રાંતિકારોનો - સામ્યવાદી - સમાજવાદીઓનો સંપર્ક કેળવવાનો લગાતાર પ્રયાસ કર્યો.
‘તેમાં તેને સફળતા મળી?’
ચંદ્ર બોઝઃ હા. ઇન્ડોનેશિયા અને પછી આમસ્ટર્ડમમાં પહોંચ્યા ત્યાં એસ. જે. રટગર્સને મળતાં કમ્યુનિઝમની દુનિયા તરફ આકર્ષાયા. હોલાન્ડમાં મળેલી ‘બીજી આંતરરાષ્ટ્રીય કમ્યુનિસ્ટ કોંગ્રેસ’માં ભાગ લીધો. પણ...
‘પણ શું?’
‘શિદેઈ, આ સામ્યવાદ એવું અધૂરું દર્શન છે જેણે આદર્શના નામે અસંખ્યોનો ભોગ જ લીધો, નહીં તો આ એમ. એન. રોય અને અવની સામ્યવાદી વિચારના પ્રખર બૌદ્ધિકો હતા. ૧૯૨૦માં તે બન્નેએ સાથે મળીને ‘ઇન્ડિયન કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો’ બહાર પાડ્યો હતો! પછી લેનિનને મળવાનું થયું, ત્રીજી ઇન્ટરનેશનલ કોંગ્રેસમાં તેના ‘થિસિસ’ પર ચર્ચા થઈ. ‘ઇન્ડિયા ઇન ટ્રાન્ઝિશન’ પુસ્તક રોય - અવનીનું સંયુક્ત પ્રદાન હતું. પણ પછી બન્નેનો મેળ રહ્યો નહીં! એમ. એન. રોયે જ કોમરેડોને પત્ર લખ્યો કે અવની ખરો કમ્યુનિસ્ટ નથી!....
ચંદ્ર બોઝે વાતનું સમાપન કર્યું. અવની - રોયની નિયતિ તો જૂઓ! ૧૯૨૦માં રોયે તાશ્કંદમાં ભારતીય સામ્યવાદી પક્ષની સ્થાપના કરી હતી. થોડાંક વર્ષોમાં જ તેને સામ્યવાદવિરોધીની ઓળખ ખુદ મોસ્કોએ જ આપી. એવું જ અવનીનું થયું.
જેવો સ્તાલિન સત્તા પર આવ્યો કે તેણે ‘સાફસૂફી’ કરવા માંડી. અવનીનો પ્રબળ સમર્થક - અને લેનિનનો ખરો વારસદાર - સર્ગેઈ મિર્નોવિચ કિરોવ લોકપ્રિય પણ હતો. એટલે ૧૯૩૪ની પહેલી ડિસેમ્બરે તેની હત્યા થઈ. ટ્રોટસ્કી જેવો જ દુર્ભાગી.. પછી અવની -
‘અવનીની યે એ જ દુર્ગતિ થઈ?’
‘હા. પહેલાં વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયને ફાંસી અપાઈ, પછી અવનીને. છેલ્લા વર્ષોમાં તો તે એકેડેમી ઓફ સાયન્સ ઓફ ધ યુએસએસઆરમાં નિષ્ણાત તરીકે કામ કરતો હતો. ૧૯૩૭માં તેને સાઇબીરિયન ‘ગુલાગ’માં રાખવામાં આવ્યો અને કેદી અવની ૨૮ ઓક્ટોબર, ૧૯૩૭ ફાંસીએ ચઢ્યો...’
‘તો આ ગોગા?’
ચંદ્ર બોઝે ગમગીનીપૂર્વક કહ્યુંઃ હા, અવનીની રશિયન પત્ની રોઝાનો તે પુત્ર... અહીં રશિયામાં જ તે રહે છે...
‘અવનીને મળવાનું થયેલું તમારે?’ શિદેઈને અવની વિશે અને તેના ક્રાંતિસંબંધો વિશે જાણવાની ભારે ઉત્સુકતા હતી. ચંદ્ર બોઝે કહ્યું કે ‘હા, એક વાર કોલકતામાં અને બીજી વાર બર્લિનમાં. છેવટના દિવસોમાં તેને લાગ્યું હતું કે સામ્યવાદીઓની જડતા ભારતીય સ્વાતંત્ર્ય પ્રયાસોમાં અવરોધક છે.’
‘એવું તો વીરેન્દ્રનાથનેય લાગ્યું હતું ને?’
ચંદ્ર બોઝે તેને યાદ કર્યાઃ ‘હા, મેધાવી વ્યક્તિ. અનેક ભાષાનો જાણકાર. તદ્દન સાદીસીધી જીવનશૈલી હતી તેની. ફકીર જેવો માણસ! હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય તેનો નાટ્યકાર ભાઈ મળવા આવ્યો ત્યારે તેણે હિન્દીમાં જ વાતચીત કરી હતી! એગ્નેસ સ્મેડલી સાથેનો તેનો પ્રણય લાંબો સમય ટકી શક્યો નહીં.’
‘એગ્નેસે તો પોતાની આત્મકથા પણ લખી એવા સમાચારો ચીનથી આવ્યા હતા...’
‘અદ્ભુત મહિલા. ભારતની સ્વતંત્રતા માટે સમર્પિત. લાલા લજપતરાયના ‘ધ પિપલ’ અને રામાનંદ ચેટરજીના ‘મોર્ડન રિવ્યૂ’માં લગાતાર લખતી. બ્રિટિશ ગુપ્તચરોએ વીરેન્દ્રનાથ અને સ્મેડલીની હત્યાના પ્રયાસો કર્યા, પણ...’
‘હા. ખુદ કોમરેડોએ જ વીરેન્દ્રનાથ જેવા હોનહાર ભારતીયને મારી નાખ્યો. છઠ્ઠી એપ્રિલ, ૧૯૪૩. ક્યાં અને કઈ રીતે... એ તથ્ય અંધારામાં છે આજ સુધી.’
શિદેઈના ચહેરા પર વ્યગ્રતા જોઈને ચંદ્ર બોઝે પૂછયુંઃ ‘શું થયું શિદેઈ?’
શિદેઈઃ ‘સાવ સાચું કહું તો તમારી ચિંતા થાય છે.’
ચંદ્ર બોઝઃ ‘કેમ?’
શિદેઈઃ ‘આ લોકો તમને જીવવા દેશે?’
ચંદ્ર બોઝ હસી પડ્યા. શિદેઈના ખભા પર હાથ મુકીને કહ્યુંઃ ‘૨૬ જાન્યુઆરી, ૧૯૪૩ના બર્લિનથી મારું ભાષણ પ્રસારિત થયું હતું તેમાં મેં શું કહ્યું હતું તેનું સ્મરણ છે?’
શિદેઈ તેમની સામે જોઈ રહ્યો. ચંદ્ર બોઝ જાણે કે દિમાગના પૃષ્ઠ પર લખાયેલાં એ દીર્ઘ ભાષણનો એક ફકરો યાદ કરીને કહી રહ્યા હતાઃ
To us, life is one long unending move. It is god manifesting himself in the infinite variety of creation. It is ‘Leela’ - an eternal play of forces. In this cosmic interplay of forces - there is not only sunshine, but there is also darkness, there is not only joy, but there is also sorrow, there is not only a rise but there is also a fall. If we do not lose faith in ourselves and our devinity - we shell more on through darkness, sorrow and degradation towards renewed sunshine, joy and progress.
શિદેઈની આંખોમાં આંસુ છલકાયાં. કેવા સમર્પિત મહાનાયકનો તેને સંગાથ સાંપડ્યો હતો... તેણે ચંદ્ર બોઝનો હાથ પકડી લીધો... રશિયન અફસર કશું સમજી ન શક્યો, પણ અનુમાન કર્યું કે કંઈક સંવેદનાની ઘડી છે. તેણે કહ્યુંઃ ‘તમને બન્નેને મારી શુભેચ્છાઓ!’
ચંદ્ર બોઝ અને શિદેઈએ હાથ મિલાવ્યા. છાવણી આવી ગઈ હતી, વળી પાછાં આશ-નિરાશના વધુ દિવસો... (ક્રમશઃ)


comments powered by Disqus