સમિત ગોહેલના અણનમ ૩૫૯ રન રણજીમાં ૧૧૭ વર્ષનો રેકોર્ડ તોડયો

Wednesday 04th January 2017 05:05 EST
 
 

જયપુરઃ ગુજરાતની રણજી ટ્રોફી ટીમના ઓપનર સમિત ગોહેલે ઓડિશા સામેની કવાર્ટર ફાઇનલ મેચમાં ૩૫૯ રનની અણનમ ઇનિંગ રમીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કીર્તિમાન સર્જયા છે. ઓપનિંગમાં ઉતર્યા બાદ છેક સુધી અણનમ રહીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટા સ્કોરની ઇનિંગ રમવાનો તેણે ૧૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે.
ઇંગ્લિશ કાઉન્ટીમાં સરે તરફથી રમતા બોબી એબેલે સમરસેટ સામે ૩૫૭ રનની ઇનિંગ રમી હતી જે અત્યાર સુધીની સર્વોચ્ચ હતી. આ ઇનિંગ એબેલે કેનિંગસ્ટન ઓવલમાં રમી હતી. સમિત ગોહેલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં છેક સુધી અણનમ રહીને ત્રેવડી સદી ફટકારનાર ચોથો બેટસમેન બન્યો છે. છેલ્લે આ સિદ્ધિ ૮૧ વર્ષ અગાઉ ૧૯૩૫માં નોંધાઈ હતી.
પાકિસ્તાનના બેટસમેન હનિફ મોહમ્મદે ૪૯૯ રનની ઇનિંગ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નોંધાવી હતી પછી તે આઉટ થઈ ગયા હતા. અણનમ રહીને આટલી મોટી ઇનિંગ કોઈએ રમી નથી. સમિતે તેની ઇનિંગમાં ૭૨૩ બોલ એટલે કે ૧૨૦.૩ ઓવરો તો એકલાએ જ રમી હતી. જેમાં ૪૫ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો.
આ સાથે ગુજરાતનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો સર્વોચ્ચ ૬૪૧ રનનો સ્કોર નોંધાયો હતો. સમિત એ હદે રક્ષણાત્મક અભિગમનો બેટસમેન મનાય છે કે તે ફૂલટોસ કે હાફ વોલીને પણ ડિફેન્સિવ રમતો હતો.
જોકે છેલ્લા કેટલાક વખતથી ટીમના કેપ્ટન પાર્થિવ પટેલ અને કોચ વિજય પટેલે તેને સ્ટ્રાઇક રોટેટ કરવાનું તેમજ બોલને પોઝિશન લઇને ફટકારવાનો પોઝિટિવ અભિગમ અપનાવવાની સતત પ્રેરણા આપી છે. ૨૬ વર્ષીય સમિત આણંદનો વતની છે.

૯૬૪ મિનિટ બેટિંગ

સમિતે ઇનિંગ્સમાં ૧૪ કલાક ચાર એટલે કે ૯૬૪ મિનિટ સુધી ૭૨૩ બોલનો સામનો કર્યો હતો. લોંગેસ્ટ ઇનિંગ્સ રમવાના મામલે સમિત ૯૬૪ મિનિટ સાથે ત્રીજા ક્રમે છે. હિમાચલ પ્રદેશના રાજીવ નાયરે ૧૦૧૫ મિનિટ બેટિંગ સાથે યાદીમાં પ્રથમ સ્થાને છે. આ યાદીમાં પાકિસ્તાનના હનિફ મોહમ્મદ ૯૭૦ મિનિટ સાથે બીજા ક્રમે છે.
સમિતે ફટકારેલી ત્રેવડી બાદ પ્રિયાંક પંચાલે જણાવ્યું હતું કે સમિતની ઇનિંગ્સ જોઇને મને મારી પંજાબ સામેની ઇનિંગ્સ યાદ આવી ગઇ હતી. જે રીતે તે નેટ્સમાં પ્રેક્ટિસ કરે છે તે જોઇને મને લાગતું હતું કે તે નજીકના ભવિષ્યમાં મોટો સ્કોર નોંધાવશે. મારો રેકોર્ડ તોડ્યો તે બદલ હું સમિતને અભિનંદન પાઠવું છું, તે હજી પણ ગુજરાત માટે મોટી ઇનિંગ્સ રમે તેવી આશા.

વિક્રમોની વણઝાર

• ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઓપનિંગમાં આવીને છેક સુધી અણનમ (કેરિડ ધ બેટ) રહીને સૌથી વધુ રનનો અગાઉનો રેકોર્ડ ઇંગ્લેન્ડના બોબી અબેલને નામે હતો. મે ૧૮૯૯માં સમરસેટ સામેની કાઉન્ટી મેચમાં અબેલે ૫૧૫ મિનિટમાં અણનમ ૩૫૭ રન નોંધાવ્યા હતા. આ યાદીમાં હવે લિજેન્ડ ડબલ્યુ. જી. ગ્રેસ (૩૧૮ અણનમ, વર્ષ ૧૮૭૬) હવે ત્રીજા સ્થાને આવી ગયા છે.
• ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની બીજી ઇનિંગ્સમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર કરવામાં હવે ગોહેલ બીજા સ્થાને આવી ગયો છે. સર ડોન બ્રેડમેનને નામે આ રેકોર્ડ અકબંધ છે. બ્રેડમેને ૧૯૨૯માં ક્વિન્સલેન્ડ સામે ૪૫૨ રન નોંધાવ્યા હતા.
• રણજી ટ્રોફીમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરમાં હવે સમિત ગોહેલ ચોથા સ્થાને આવ્યો છે. બી. બી. નિમ્બાલકર અણનમ ૪૪૩ રન સાથે મોખરે, સંજય માંજરેકર ૩૭૭ સાથે બીજા, એમવી શ્રીધર ૩૬૬ સાથે ત્રીજા સ્થાને છે. રણજી ટ્રોફી નોકઆઉટ મેચમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરમાં સંજય માંજરેકર (૩૭૭ રન) બાદ હવે સમિત ગોહેલ બીજા સ્થાને છે.
• ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ બોલ રમવામાં સમિત હવે ૭૨૩ બોલ સાથે છઠ્ઠા સ્થાને છે. ભારતમાંથી ભૂપિન્દર સિંહ સૌથી વધુ ૭૩૮ બોલ રમવાનો રેકોર્ડ ધરાવે છે.
• સમિતે કુલ ૯૬૪ મિનિટ બેટિંગ કરી હતી. જે મિનિટની રીતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ત્રીજી સૌથી મોટી ઇનિંગ્સ છે.
• ગુજરાતે ૬૪૧ રન નોંધાવ્યા હતા, જે રણજી ટ્રોફીમાં તેનો શ્રેષ્ઠ જુમલો છે. ગુજરાતનો અગાઉનો શ્રેષ્ઠ જુમલો ૬૪૦ હતો, જે તેણે ૧૯૯૫-૯૬માં મહારાષ્ટ્ર સામે ખડક્યો હતો.


comments powered by Disqus