વોશિંગ્ટનઃ અમેરિકામાં સૌથી વધુ શસ્ત્રો છે. આ દેશમાં સરેરાશ ૧૦૦ વ્યક્તિઓમાંથી ૮૯ લોકો પાસે બંદૂક છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ જસ્ટિસના રિપોર્ટ અનુસાર લગભગ ૩૨ કરોડની વસતીમાં ૩૧ કરોડ શસ્ત્રો છે. આ આંકડાના આધારે જોઇએ તો ૩૨ કરોડની વસ્તીવાળા અમેરિકામાં લગભગ દરેક વ્યક્તિ પાસે બંદૂક છે.
સ્વિર્ટ્ઝલેન્ડના સૌથી તાજા ફાયર આર્મ્સ સર્વે મુજબ ૪૮ ટકા અમેરિકનોનું કહેવું છે કે તેઓ પોતાના ઘરમાં શસ્ત્રોની સાથે જ મોટા થયા છે. જ્યારે ૧૦માંથી ૪ લોકો કહે છે કે તેમની પાસે કાં તો ગન છે અથવા ગનવાળા ઘરમાં રહે છે.
આ સર્વે મુજબ લગભગ ૬૬ ટકા અમેરિકનોની પાસે એકથી વધુ શસ્ત્ર છે. અમેરિકામાં બંદૂકથી થતા મૃત્યુના કેસો દુનિયાના ઊંચી આવકવાળા દેશોની સરખામણીએ ૨૫ ઘણા વધુ ગુના નોંધાય છે. એક અભ્યાસ મુજબ બંદૂકને કારણે દર વર્ષે અમેરિકામાં ૧૩૦૦ બાળકોના મોત થાય છે.
૬ માસમાં ૧૫૦ માસ શૂટિંગ
અમેરિકન વોચ ડોગના જણાવ્યા મુજબ આ વર્ષે જૂન મહિના સુધી અમેરિકામાં ૧૫૦ માસ શૂટિંગની ઘટનાઓ બની છે, જેમાં ૬,૮૮૦ લોકો માર્યા ગયા છે અને ૧૩,૫૦૪ લોકોને ઇજા થઇ છે. આ આંકડામાં ફક્ત એ હુમલા જ ગણવામાં આવ્યા છે, જેમાં મરનારાઓની સંખ્યા ચારથી વધુ હોય. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન અમેરિકામાં ગનકલ્ચરના મુદ્દાને જોરશોરથી ચર્ચવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે જે રીતે દેશમાં બંદૂકથી હુમલાઓની સંખ્યા વધી છે, તેનાથી લાગે છે કે તે ફક્ત ચૂંટણીનો ઘોંઘાટ હતો!
એક અહેવાલ અનુસાર ગોળીબારથી આત્મહત્યા સહિતની ઘટનાઓમાં દર વર્ષે ૨૧૦૦૦ લોકો જીવ ગૂમાવી રહ્યા છે. હાલ અમેરિકા વિશ્વમાં ગોળીબારની ઘટનાઓમાં ટોચના સ્થાને છે. અહીં આતંકી હુમલામાં જેટલા લોકો મરે છે તેનાથી વધુ શૂટઆઉટમાં મોતને ભેટે છે.

